Saturday, January 1, 2022

એક પુરુષાર્થીના પુત્રોનો પુરુષાર્થ –વિજય મસાલા- જુનાગઢ

 જુનાગઢના સુરભી બ્રાંડ (વિજય મસાલા) ના એક આલા દરજ્જાના ઉદ્યોગકાર, શરીરે ભરાવદાર અને યુવાન પુત્રોના પિતા જીતેન્દ્ર શિવલાલ તન્નાને જ્યારે મેં તુંકારે બોલાવ્યા ત્યારે મારી સાથે આવેલા નાગપુરના મારા વાચકમિત્ર સુગનાનીજીને નવાઇ લાગી. એ તો અહિં જુનાગઢમાં આ ઉદ્યોગ પરીસરમાં પોતાની વ્યાપારી ખરીદી માટે આવ્યા હતા. એકવાર મારે ઘેર અમદાવાદમા આવ્યા ત્યારે મને મળ્યા હતા પણ એમની યાદદાસ્ત તિક્ષ્ણ એટલે આજે અચાનક જુનાગઢની ભીડમાંથી પણ એમણે મને વીણી લીધો.

અરે, આપ અહિં?!  

મને એમની ઓળખાણ પડતાં જરી વાર લાગી પણ એમના હાથમાંની થેલી ઉપર હિંદીમાં સુગનાની બ્રધર્સલખેલું એટલે તરત દિમાગમાં બત્તી થઇ, મે પણ ઓળખાણની રસીદ હસીને આપી જ દીધી,

હું તો ગુજરાતી છું એટલે અહિં હોવાની નવાઇ નથી મેં કહ્યું : પણ તમે ?’

હું ભલે સિંધી પણ બાંટવાથી નાગપુર ગયેલો, એટલે ગુજરાતી જ

રસ્તામાં ઉભા ઉભા કેટલી વાતો થાય ?   બેસીને વાતો કરવાનું કોઇ સ્થળ હું વિચારતો હતો ત્યાં એમણે જ કહ્યું.: સમય હોય તો આપ પણ ચાલો મારી સાથે, મારે જિતુ શેઠને મળવા જવું છે,”

કોણ?’

જિતુ શેઠ, પણ આપ ન ઓળખો, એ કોઇ લેખક નથી, એ તો પોતાના ભાઇઓ સાથે વિજય મસાલા ઇંડસ્ટ્રીઝ નામના ઉદ્યોગના સ્થાપક છે.

*** *** *** 

એમની સાથે આગળ શી વાત થઇ તે લ્ખવાનું અહિં જરૂરી નથી, પણ એ વાતચિતના અનુંસંધાને મારા મનમાં સ્મૃતિઓનો જે સિલસિલો ચાલ્યો તેની વાત મારા જીવન, મારી લેખક તરીકેની કારકિર્દી સાથે ઘણું પૂર્વસંધાન ધરાવે છે.

વિજયા બેંકના મેનેજર તરીકે 1978 ના અંતમા મારી બદલી વેરાવળથી જુનાગઢ થઇ ત્યારે, ત્યાં સુધીમાં મેં થોડી વાર્તાઓ લખી હતી અને થોડાઘણા ઇનામો પણ મેળવ્યા હતાં. પણ લેખક તરીકેની પૂરી કારકીર્દી હું અપનાવી શકું તેવી કોઇ સંભાવના દૂર દૂર ક્ષિતીજ પર નહોતી , કે મેં કદિ સેવી પણ નહોતી,  એવો કોઇ મોખ પણ મને નહોતો. હું મારા બેંકના કામકાજમાં ગળાડૂબ હતો. એનો વિકાસ થાય એ જ મારો એક માત્ર મકસદ હતો.

પણ 1980 માં ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં મારા વડિલ અને ગુરુ એવા વરીષ્ઠ સાહિત્યકાર મોહમ્મદ માંકડે મારી કોઇ માગણી કે ઇચ્છા વગર (બલકે અનિચ્છા સાથે) મારા ગળામાં સંદેશની રવિવારની કોલમ ઝબકારનાખી દીધી. અને કહ્યું કે આમાં તમારે ના પાડવાનો કોઇ સ્કોપ નથી.લખવી જ પડશે. મારા સતત ઇન્કાર પછી પણ એકવાર હું એમને મારી અમદાવાદની એક મુલાકાત પછી સંદેશકાર્યાલયમાં મળ્યો ત્યારે  એમણે મારી પાસે હા પડાવ્યે જ પાર કર્યો. એમના કહેવા મુજબ એમાં મારે એમાં કોઇ બનાવટી ઘટનાઓ ઘડી કાઢવાને બદલે જીવનનું કોઇ સત્ય – તથ્ય વ્યક્ત કરે તેવું કંઇક લખવાનું હતું.  

અને મારા મને-કમને પણ મેં પહેલો જે લેખ 26-10-1980 ના દિવસે એ ઝબકારકોલમ અંતર્ગત લખ્યો તેના પાનાં આ સાથે સંલગ્ન  છે. એ લખવાનો વિષય હતા એ દિવસોમાં શ્રમજીવી  લોકોની ગિરનાર રોડ ઉપર આવેલી વસાહતને અડીને આવેલી નાની એવી મરચાં-મસાલાની દુકાન વિજય મસાલા ઘરના માલિક શિવલાલ રુગનાથ તન્ના . હવે તો સ્વર્ગસ્થ પણ એ દિવસોમાં મધ્યમ વયના અને પડછંદ કાયાના પણ ઝબ્ભા-લેંઘામાં ફરતા વેપારી શિવલાલ રુગનાથ તન્ના.  મારી બેંકના એ શરૂઆતથી જ ગ્રાહક હતા. એમની થોડી ઘણી પણ વાચનની રૂખ હોવાને કારણે મારી સાથે એમને થોડી નીકટતા બંધાઇ હતી, મોહમ્મદ માંક્ડ સાથે તેમના કોલમ લેખનના આગ્રહની સામે મારો નકાર ચાલતો હતો પણ જ્યારે એમણે મારી પાસે હાપડાવ્યે જ પાર કર્યો એ દિવસોમાં શિવલાલ મને પોતાની દુઃકાને લઇ ગયા. અને પોતાના કિશોર વયના દિકરા જિતુને સામેના ગલ્લે મોકલીને મારા માટે ચા મંગાવી. એ જિતુ પિતાને મદદ કરવા સામેની ભીંતે ખડકેલી લાલ મરચાની ગુણીઓ ઉપર તળે કરતો હતો ત્યાં જ અચાનક મારું ધ્યાન એ ગુણીઓ વચ્ચે ઢંકાઇ ગયેલા રુદ્રમાળે પ્રતિકૃતિ ધરાવતા ગુજરાત રાજ્યના એક મોટા એવૉર્ડ પર પડ્યું અને એ ઘડીએ મને અણધારી જ ખબર પડી કે એમણે તો ગુજરાતીમાં હિંદી ફિલ્મોના જયરાજ-સત્યેન કપ્પુ જેવા જાણીતા કલાકારોને લઇને ,માત્ર ભવાઇકળા ઉપર આધારિત આ એવૉર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ બહુરૂપી1970 ની આસપાસ બનાવી હતી પણ નિષ્ફળ જવાને કારણે ફરી દુકાનના થડે બેસી ગયા હતા. આ આખી ઘટના મને વાર્તાત્મક અને કોલમમાં લખવા જોગ લાગી. કોલમમાં શું લખવું એ મારા માટે મોટી સમસ્યા હતી પણ તે દિવસે એ આપોઆપ હલ થઇ ગઇ, અને એ લેખ 26-10-1980 ના રવિવારે પ્રગટ થવાની સાથે જ મારી જીવનની બીજિ ઇનિંગ શરુ થઇ ગઇ. જેણે એ પછી માત્ર નવ વર્ષના ગાળે મને બેંક મેનેજર તરીકેની નોકરી છોડાવીને પૂર્ણ સમયના લેખક બની રહેવાના માર્ગે ચડાવ્યો. આમ શિવલાલ તન્ના મારા જીવનને મહત્વનો વળાંક આપનારા મિત્ર બની રહ્યા. 


સ્વ.શિવલાલ તન્ના 

મિત્ર શિવલાલભાઇ તો 19-3-2001 ના દિવસે દિવંગત થઇ ગયા પણ એ એમના તેજસ્વી પુત્રો. આ જિતેન્દ્ર, પ્રવિણ, ચેતન અને વિજયે સાથે મળીને બહુ ઝડપથી આ મસાલાના વ્યવસાયમાં અપ્રતિમ પ્રગતી સાધી અને ભારતભરમાં આ ક્ષેત્રના એક અગ્રણી ઉદ્યોગકાર તરીકે પંકાઇ ગયા, તેમની પ્રગતિ અને પુરુષાર્થની કથા પણ બહુ રસપ્રદ છે. એ એમના જ અસલી ગામઠી સંસ્પર્શવાળા લહેજામાં એમના એટલે કે જિતુભાઇના જ શબ્દોમાં વાંચીએ. 

*** **** **** 

શિવલાલ તન્નાના અમે ચાર પુત્રો ,જીતેન્દ્ર, પ્રવિણ, ચેતન, અને વિજય અને એક પુત્રી ભાવના. મસાલાનો ધંધો કેવળ સીઝનલ હોવાથી  મને એટેલે કે જીતેન્દ્રને 1981માં અમારા સ્નેહી નાનુભાઈ જોબનપુત્રા અને ગોકલભાઈનાં સાથસહકારથી વ્યાજબી ભાવની દુકાનનું લાયસન્સ મળી ગયું હતું. તેથી  મેં એ દિવસોમા રેશનિંગ શોપ (વ્યાજબી ભાવના અનાજ વગેરેના વિતરણની દુકાન) શરુ કરી.  એ પછી ઘણા વર્ષે 1995માં મારા નાનાભાઇ પ્રવિણે પણ ”પ્રવિણ એન્ડ બ્રધર્સ”ના નામથી અનાજ-કરિયાણાની દુકાન શરુ કરી દીધી. આમ નાની ઉંમરથી ઘરની તેમજ ધંધાની જવાબદારી આવતા અમે બંને ભાઈઓ ખપ કરતા વધુ ભણી શકયા નહિં. પરંતુ બંને નાનાભાઈઓ ચેતન અને વિજયને અમે અભ્યાસ જારી રખાવી શક્યા, જો કે એ પછી અમારા પિતા શિવલાલ તન્નાની તબિયત સારી ના રહેતા થોડી બિમારી ભોગવીને 19-3-2001 ના દિવસે તેમનું અવસાન થયું. આને કારણે મોટા પુત્ર  તરીકે મારા ઉપર પૂરા પરિવારની બધી જવાબદારીઓ આવી ગઇ. પરંતુ સદનસિબે એ નિભાવવામાં હું કામયાબ નિવડ્યો અને મારા ત્રણે ભાઈઓ અને બહેન લગ્ન પ્રસંગો પાર પાડી શક્યો. 

એ પછી વ્યવસાયનો વિકાસ કરવા માટે જુનાગઢના અનાજ માર્કેટ યાર્ડ સામે જરૂરી જગ્યા લઈને 2004માં વિજયફુડ પ્રોડ્ક્ટ્સ નામની મસાલા ફેક્ટરીનો આરંભ  કર્યો, એમાં જરૂરી એગમાર્ક મેળવીને ‘સુરભિ’  ના બ્રાન્ડનેઇમથી  ‘સુરભિ’  એગમાર્ક મસાલાનું ઉત્પાદન શરુ કર્યું..

વિજય મસાલા-સુરભી બ્રાંંડનું આલિશાન કારખાનું 

પિતાજીની વિદાય પછી મારી પાસે સસ્તા અનાજના વિતરણની સરકારી લાયસન્સવાળી દુકાન હતી. જે મેં છેક 2020 સુધી ચાલુ રાખેલી પણ પછી અમે બધા ભાઇઓએ મસાલાના વ્યવસાયમાં આધુનિકીકરણ અપનાવ્યું અને તેમાં સફળતાનો અનુભવ થતાં તે લાયસન્સ 2020 માં સરકારને પરત કરી દીધું જેથી બીજા કોઇને કામમાં આવી શકે. પણ તે પહેલા2004માં ‘સુરભિ’  બ્રાન્ડ એગમાર્ક મસાલા (વિજય ફુડ પ્રોડક્સ)ના નામથી અમદાવાદથી માત્ર 20 બોરી મરચાં ખરીદીને 10 હોર્સપાવરનું નાનું પલ્વરાઈઝર મશીન નાખીને નાના પાયે ઉત્પાદન શરુ કર્યું .

‘સુરભિ’ બ્રાંડ મસાલાના વ્યવસાયમાં તરત જ બરકત દેખાવા માંડી એટલે બીજા વર્ષથી જ મોટું પલ્વરાઈઝર નાખ્યું અને તરત એની સારી અસર દેખાવા માંડી. અને એ સાથે જ અમે સામાન્ય પરંપરામાં પણ થોડી નવિનતા લાવ્યા. એ દિવસોમાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મરચું, હળદર, ધાણાજીરૂં જેવા મસાલા 5 કિલો, 10 કિલો પેકીંગમાં માત્ર પ્લાસ્ટીક થેલી, ગુણીયાની થેલી અને સાદા પરંપરાગત પેકીંગમાં આપવાનું ચલણ હતું. ત્યારે અમે અમારા ‘સુરભિ’  મસાલા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ 5 કિલો, 10 કિલોની ફોર કલરની પ્રિંટવાળી રેકઝીન બેગ અમદાવાદમાં  ખાસ બનાવડાવીને બજારમાં મુકેલી હતી.એ રેકઝીન બેગ એટલી બધી તો આકર્ષક હતી  કે વેપારીઓ માત્ર એ રેકઝીન બેગ જોઈ મસાલાના ઓર્ડર આપતા થઇ ગયા અને બેશક અમારા ક્વૉલિટી કંટ્રોલને કારણે એની ક્વૉલીટી પણ બહેતર રહેતી. આને કારણે બજારમાં અમારી ગુડવીલ પણ ઝડપથી વધવા માંડી. આ જોઇને અને તેના 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામના નાના પાઉચ પેકીંગ પણ આપવાનું શરુ કર્યું અને એનો લાભ સાવ મર્યાદિત આવકવાળો ગ્રાહક્વર્ગ ધરાવતા નાના મોટા ગામના વેપારીઓ પણ લેવા માંડ્યા.

અમારા આવા ‘સુરભિ’  મસાલાનાં પાઉચ પેકિંગ તેમજ લુઝ્પેકિંગમાં તો અમને અમારી ધારણા બહારની સફળતા મળવા માંડી. આ અનુભવે અમને સમજાયું કે અમારે આટલેથી ન અટકતાં વધુ વ્યાપક ગ્રાહકવર્ગ સુધી પહોંચવાની નેમ રાખવી જોઇએ. અને એ માટે આધુનિક સંસાધનોનો પણ ઉપયોગ કરવો આવશ્યક છે. એ સાલ 2006ની . એમાં એ દિવસોમાં ટી.વી. પર “સાસ ભી કભી બહુ થી”  હિંદી સિરિયલ ખુબ જ પ્રખ્યાત હતી અને ઘરેઘર જોવાતી હતી.ખાસ કરીને ગૃહિણીઓ તો તે જોવા માટે અચુક સમય કાઢતી.  એ માધ્યમનો ઉપયોગ કરવા માટે અમે અમારા સદગત પિતાજીના સાહિત્યકાર મિત્ર રજનીકુમાર પંડ્યાના સહકારથી  એ સિરિયલના કલાકારોમાંનાં એક શ્રેષ્ઠ એવાં ગુજરાતી કલાકાર  સુશ્રી અપરા મહેતાને લઈ ‘સુરભિ’  મસાલાની ટી.વી. એડ બનાવી. મારા મિત્ર વિજય દુધરેજીયા ટી.વી. એડ લાઈનમાં અનુભવી હોવાથી તેમણે જ એનું ડાઇરેક્શન કર્યું.

‘સુરભિ’  મસાલાની આ એડ ફિલ્મ ખુબ ઉત્કૃષ્ટ બની. જુનાગઢમાં સર્વ પ્રથમ હાઈ-ફાઈ ટી.વી એડ અમારી ‘સુરભિ’  મસાલાની બની તેનું મને ગૌરવ છે. એ એડ જ્યારે ટી.વી ઉપર પ્રસારીત થતી ત્યારે સ્વાભાવિક જ ગર્વ અનુભવાતો હતો અને ફિલ્મ લાઇનના અનુભવી એવા અમારા પિતાની પણ બહુ યાદ આવતી.

ત્યાર બાદ હું અને વિજય દુધરેજીયા ‘સુરભિ’  મસાલાનું જિંગલ બનાવવા માટે મુંબઈ, સુરમંદિર સ્ટુડિયો ગયા. ત્યાં આકસ્મિક જ મારા પિતાજીએ નિર્માણ કરેલી ફિલ્મ “બહુરૂપી”માં ગાવાનો જેમને મોકો આપીને ગાયક તરીકેની તેમની ફિલ્મી કારકિર્દીનું મંગળાચરણ કરાવેલું તે પ્રખ્યાત ગઝલ ગાયક જગજીતસિંહ સાથે મુલાકાત અમારી મુલાકાત થઇ ગઇ. એમણે જ્યારે જાણ્યું કે જિંદગીમાં એમને પ્રથમ મોકો આપનારા ફિલ્મ-નિર્માતા મારા પિતા થાય ત્યારે એ એકદમ પ્રસન્ન  થઇ ગયા અને મારી પીઠ થાબડીને કહ્યું કે અરે .તમારા પિતા શિવલાલ તન્ના તો ગિરનો સિંહ હતા. એમણે મને પારખીને અજિત મર્ચંટના સંગીતમા મને સર્વપ્રથમ ચાંસ આપ્યો હતો. હવે આજે હું જ્યારે જાણીતો ગઝલગાયક બની ગયો છું ત્યારે ઘણા બધા મારી આજુબાજુ ઘુમરાઇને મારો ફાયદો ઉઠાવવાની તક શોધતા હોય છે ત્યારે તમારા પિતા શિવલાલ તન્નાએ ક્યારેય પણ એવી કોઇ વાતચિત ઉચ્ચારી નહિં. એમણે એમ પણ કહ્યું કે 2002માં પોતાના બહુમાનનો એક કાર્યક્રમ મુંબઈમાં યોજાયો હતો ત્યારે એમાં પણ સ્ટેજ પરથી એમણે મારા પિતાને બહુ જ યાદ કર્યા હતા અને કહ્યું કે આજના આ કાર્યક્રમમાં મારે એમને નિમંત્રીને એમની જ ફિલ્મ બહુરુપીનું ગીત લાગી રામભજનની લગની  એમની ઉપસ્થિતીમાં ગાઇને એમનું બહુમાન કરવું હતું પણ અફસોસ કે એમનો સંપર્ક મને થઇ જ ના શક્યો. ખેર, તમે આવ્યા એનો મને આનંદ છે એમ બોલીને જગજિતસિંહે મારી પીઠ થાબડી. એ પ્રોગ્રામમાં તેમણે એ ભજન “લાગી રામ ભજનની લગની” બહુ ભાવથી ગાયું અને તેના સંગીતકાર અજીત મર્ચન્ટને સ્ટેજ ઉપર બોલાવીને  તેમનું બહુમાન કર્યું.  કરેલ. જગજીતસિંહજીના શબ્દો સાંભળીને મારી છાતી ગજ ગજ ફુલી કે આજે ભલે મારા પિતાશ્રી શિવલાલ તન્ના મારી વચ્ચે નથી પરંતુ તેમની જે ઈજ્જત છે તે અમર છે..

ખેર, ‘સુરભિ’  મસાલાનું જિંગલ બની ગયા પછી અમારી એ પ્રોડક્ટને સૌરાષ્ટ્રમાં ચલાવવા માટે 2007 થી 2008માં વેપારીઓ માટે અમે એક અનોખી ટારગેટ સ્કીમ મુકી. સૌરાષ્ટ્ર-કચ્છનાવેપારીઓ ડીલરોને એકત્ર કરીને 2008માં જુનાગઢમાં એસેલપાર્કમાં એના જાહેર ડ્રોનું આયોજન કર્યુ .  આ રીતે મૌલિક અને પ્રગતિશીલ પધ્ધતિથી કરાતા વ્યવસાયમાં વધુ સફળતા મળતી ગઇ એટલે 2009માં અમે એક વિશેષ કસ્ટમર સ્કીમ મુકી.  એમાં માત્ર 500 ગ્રામ મરચું, હળદર, અને ધાણાજીરૂંના પાઉચની ખરીદી ઉપર એક આકર્ષક રેકઝીન બેગ ભેટ આપવાની ઘોષણા કરી. આ સ્કીમ ખૂબ જ સફળ રહી. રીટેલમાં એની જાહેરાત થતાં જ ‘સુરભિ’  મસાલા પાઉચનું વેચાણ એટલું બધું વધી ગયું કે ફેક્ટરી ઉપર રાતપાળી કરાવીને પણ કામગારોને બેસારીને 500-500 ગ્રામના હજારો પાઉચ ભરાવવા પડ્યા. એટલી બધી હદે એની માંગ વધી કે રેકઝીન બેગનો સ્ટોક પણ ખૂટી ગયો એટલે આ સ્કીમ અતિ સફળ હોવા છતાં પણ માત્ર ત્રણ જ માસમાં એને સમાપ્ત કરી દેવી પડી.

એ પછી અમે ભાઇઓ ભેગા મળીને વધુને વધુ વિકાસ માટેની યોજના વિચારતા રહ્યા. 2010-11ની વાત કરીએ તો એ વર્ષોમાં જામનગર જિલ્લામાં ‘સુરભિ’  મસાલાનું વેચાણ વધારવા માટે માત્ર જામનગર જિલ્લા પુરતી એક વ્યાપારી સ્કીમ મુકી અને તે સ્કીમના ડ્રોનું આયોજન લોહાણા મહાજન વાડીમાં રાખીને તમામ વેપારીઓની હાજરીમાં એનો ડ્રો યોજીને સ્થળ પર જ ઇનામો પ્રદાન કરી દીધાં હતાં.અને એ રીતે અમારી નિષ્ઠાનો પરિચય સૌને આપી દીધો.

તે પછી પણ અને અમારી કુચ વણથંભી જારી રાખી,.2012માં ‘સુરભિ’  મસાલા 10 કિલોની ખરીદી પર આજના જમાનાની અસરદાર પધ્ધતિ મુજબ એક સ્ક્રેચકાર્ડ રાખેલું .પણ એના ઇનામોનો કોઇ વાયદો કરવાને બદલે સ્ક્રેચકાર્ડને સ્ક્રેચ કર્યા પછી એમાં લખેલી રક્મ એ જ ઘડીએ બીલમાંથી બાદ કરી આપવાની એ યોજના ખૂબ સફળ થઇ.

પ્રગતિની આ યાત્રા વણથંભી રહે તે માટે ‘સુરભિ’  મસાલા અંતર્ગત દર વર્ષે વેચાણ માટે કંઈક નવું નવું મુકવાની અમારી પરંપરા છે. એના જ અનુસંધાને મસાલાનું વેચાણ રોજ બ રોજ વધતું જવાથી એક 2013માં વ્યવસાયની એક નવી જ દિશા અમે ખોલી.  એક તદ્દન નવા જ કદમ તરીકે ‘સુરભિ’  “ચા” મુકવાનું નક્કી કર્યું. એ વર્ષે દશેરાના દિવસે ‘સુરભિ’  “ચા” જુનાગઢમાં લોહાણા મહાજન વાડીમાં જ ડીસ્ટ્રીબ્યુટરોની હાજરીમાં લોન્ચ કરી અને ભોજન સમારંભ પણ યોજ્યો. આનો પ્રભાવ બહુ જ સારો પડ્યો. સ્થળ ઉપર જ એની સફળતાના એંધાણ મળી ગયા. વેપારીઓએ ટપોટપ એના ઓર્ડર નોંધાવવા માંડ્યા. એવી જ રીતે જામનગર જિલ્લાના વેપારીઓએ ‘સુરભિ’  ચાનો ઓર્ડર લોહાણા મહાજન વાડીમાં જ લોન્ચિંગના દિવસે જ નોંધાવવા માંડ્યો હતો.

અમારી ‘સુરભિ’  ચા અને ‘સુરભિ’ મસાલાની આ અપ્રતિમ સફળતાનો બધો જશ મારા એકલાનો જ નથી. આજે પણ અમે ચાર ભાઈઓનો પરિવાર એકસાથે એકસંપથી રહીયે છીએ અને ચારેય ભાઈઓના સાથ-સહકારના ટીમવર્કથી તેમજ મારા બંને પુત્ર કેયુર-હાર્દિકના સહયોગથી આજે આ ‘સુરભિ’  મસાલા તથા ‘સુરભિ’ ચા તેમ જ સુરભિ મુખવાસ નો આ વ્યવસાય પણ ખૂબ જ  સરસ ચાલે છે. અને એનું એક બીજું કારણ  એ કે માંગ ગમે તેટલી વધે પણ ગુણવત્તામાં જરા પણ બાંધછોડ નહિ કરવાની અમારી પ્રતિજ્ઞા છે. ગુણવત્તા  પરત્વે  અમે સતત જાગૃત અને સજાગ રહીએ છીએ. આજે બધા મસાલાઓ અમારી અંગત દેખરેખ નીચે જ તૈયાર થાય છે. ધંધાએ વિકાસના માર્ગે ગતિ પકડતા ‘સુરભિ’  મસાલામાં ઓટોમેટિક ક્લીનીંગ હાઈજેનિક પ્લાન્ટ નાખી દીધો જેમાં કલાકમાં 500 કિલો મરચું પાવડર તૈયાર થઈ જાય છે.. તેવી જ રીતે હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો, હિંગ વગેરે માટે અલગ-અલગ અને શક્તિશાળી પ્લાન્ટ્સ છે. તેમજ આખું વર્ષ માલ સચવાઈ, જળવાઈ રહે તે માટે ફેક્ટરીમાં કોલ્ડ સ્ટોરેજ પણ બનાવેલ છે ‘સુરભિ’  મસાલાની શરૂઆત ભલે એક નાના મશીન અને નાની મુડીથી થઇ પણ તે પછી નિષ્ઠા ,પ્રામણિકતા, આધુનિક અભિગમ અને મૌલિક યોજનાઓ અને સાહસને બળે મોટો પ્લાન્ટ નાખવા અમે શક્તિમાન થયા. આજે ‘સુરભિ’  મસાલા એગમાર્ક તેમજ ISO 9001 / 2008 & ISO 22000 / 2006 તથા SPICES BOGOLDનું પણ લાયસન્સ ધરાવે છે. વળી એક્સ્પોર્ટ ક્વૉલીટી મસાલા પણ બનાવે છે.

અમને એ હકિકતનું ગૌરવ છે કે વર્તમાનમાં  વર્ષે  5 કરોડ રૂપિયા જેટલું અમારું ટર્ન ઓવર છે.

(ડાબેથી)  જિતેંદ્ર તન્ના પોતાના ભાઇ સાથે.

2આ બધી વિકાસ દોટમાં અમે માત્ર વ્યાપારીઓને જ નહિં પણ નાના વપરાશકર્તાઓ ને પણ લક્ષમાં રાખ્યા છે. એનું મોટું પ્રમાણ એ કે મરચાં મસાલાની સીઝનમાં હોલસેલ ભાવે અમે રીટેલ સ્ટોલ અને ફેક્ટરી પણ ખુલ્લા રાખીએ છીએ. તેમાં આપણી જુની પરંપરા મુજબ ગ્રાહક પોતે  પસંદ કરે પ્રકારનાં આખાં  દાંડીકટ મરચાં લઇને અમારી પાસે આવે તો તેને પણ તેની નજર સામે જ પીસી આપવાની વ્ય્વસ્થા કરી છે. એટલું જ નહિં પણ  આખી હળદર,ધાણાં, જીરૂ, રાઇ,મેથી, વરીયાળી, ગરમ મસાલો, રાઇનો સંભાર, આચાર મસાલો, ગોળકેરી મસાલો, સ્પેશ્યલ બાંધાની હિંગ વગેરે એક વર્ષની ગેરંટી સાથે 100% શુધ્ધ મસાલાઓ તૈયાર કરી આપવાની વ્ય્વસ્થા પણ ગોઠવી આપી છે.

હવે અમે દરેક ગામ તથા શહેરમાં ‘સુરભિ’  મસાલાની રીટેલ શોપની  ફ્રેન્ચાઈઝી આપવા માંગીએ છીએ. છે. મસાલા એક્સ્પોર્ટ કરવામાં પણ રસ ધરાવીએ છીએ.©

(જિતેંદ્ર શિવલાલ તન્ના સાથેની વાતચિતના આધારે- રજનીકુમાર પંડ્યા )


સંપર્ક- જિતુભાઇ તન્ના ,વિજય ફુડ પ્રોડક્સ. (‘સુરભિ’  મસાલા એન્ડ ચા).અનાજ માર્કેટ યાર્ડસામે,દોલતપરા,જુનાગઢ – 362001/ મો. 9879616922 / 9429777223.

 

લેખક સંપર્ક- રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦/ મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ-rajnikumarp@gmail.com