એક
કાળે ત્યાં બે ગામ હતાં. હવે એક જ છે. એમ કેમ ? તે એમ
કે બન્ને ગામની વચ્ચે નાવલી નામે નાનકડી એવી નદી હતી. પણ કાળક્રમે તે લુપ્ત
થઇ ગઇ, એટલે
અગાઉ પણ એક જેવા બની ગયેલા એ બન્ને ગામ પછી તો એક્બીજાને સાવ ભેટી પડ્યા અને
એક્ત્વને પામ્યાં. બેઉના નામ વચ્ચે પહેલા “સ્પેસ” રહેતી હતી પણ પછી તો એ પણ દૂર થઇ
ગઇ, નામો પણ અભિન્ન થઇ ગયા,પહેલાં સાવર અને કુંડલા એમ અલગ અલગ બોલાતું પણ હવે બોલાતું
થયું “સાવરકુંડલા” ! પહેલાં એનો જિલ્લો ભાવનગર હતો પણ તાજેતરમાં થયેલી
જિલ્લાઓની પુનર્રચનાને કારણે હવે એ
અમરેલી જિલ્લાની ગોદમાં આવી ગયું,
આમેય
ભાવનગર જિલ્લો એની વિદ્યાપ્રીતિ અને વિદ્યાપ્રવૃત્તિ માટે મુલ્કમશહૂર છે. હરભાઇ
ત્રિવેદી,નાનાભાઇ
ભટ્ટ,મૂળશંકર મો.ભટ્ટ,બાળકોની મૂછાળી
મા ગણાતા ગિજુભાઇ બધેકા, મનુભાઇ પંચોળી “દર્શક” અને બીજા
અનેક, આ બધા આગલી પેઢીના શિક્ષણના મહર્ષિઓનાં નામો છે, પણ એમણે વાવેલાં શિક્ષણ અને સંસ્કારના બીજ આજે પણ એના સુફળ આપી રહ્યા છે.
રતિલાલ બોરીસાગર |
ગુજરાતી
હાસ્યસાહિત્યમાં બહુ ઓછા એટલે કે આંગળીના વેઢે ગણાય તેટલા જ માતબર સાહિત્યકારો છે, એમાં પણ વિદ્વાન અને
બહુશ્રુત ગણાય તેવા તો જૂજ જ, એમાં રતિલાલ બોરીસાગરનું નામ
બહુ આદરથી લેવાય છે, આજે 77 ની વયે પહોંચેલા બોરીસાગરે વતન સાવરકુંડલામાં સોળ વર્ષો
સુધી પ્રાથમિક શાળા- હાઇસ્કૂલ અને કોલેજમાં શિક્ષણકાર્ય કર્યું, એ પછી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં
વર્ષો સુધી ઉચ્ચ હોદ્દે રહ્યા, 1998માં નિવૃત્ત થયા પણ શિક્ષણસંસ્થાઓ અને સાહિત્યની સંસ્થાઓમાં સતત રસ લેતા
રહ્યા, અને એ રીતે અમદાવાદ
ઉપરાંત વતન સાથે અને એમના જૂના વિદ્યાર્થીઓ સાથે પણ સંપર્ક જારી રહ્યો.
એમના હાથ નીચે ભણેલા અને પછી જીવનના અલગ અલગ રાહ પર ફંટાઇ ગયેલા અનેક વિદ્યાર્થીઓ દુનિયાના કોઇ પણ
ખૂણે વસતા હોય પણ બોરીસાગરસાહેબને કદિ વિસરી
ના શકે તેવું હ્રદયનું ગઠબંધન અનુભવતા રહ્યા,
એવા
જ એક વિદ્યાર્થી હરેશ મગનલાલ મહેતા હાલ તો
એ મુંબઇમાં કોહિનૂર ફેબ્રિક્સ અને યશફેબ
જેવા કાપડ ઉદ્યોગ સંભાળે છે, પણ મૂળ રાજુલા પાસેના ડેડાણના વતની હરેશભાઇ 1962-63 એમ માત્ર બે જ
વર્ષ બોરીસાગર સાહેબ પાસે સાવરકુંડલામાં ભણ્યા હતા. પણ એ બે વર્ષોએ
એમના હૃદયમાં બોરીસાગર સાહેબનું સ્થાન કાયમ માટે રોપી દીધું, આગળ જતા આર્થિક રીતે સધ્ધર થયા પછી એ આદરભાવ કશું નક્કર સ્વરૂપ ધારણ
કરે તે પહેલાં બોરીસાગર સાહેબને ગુરુ
માનતા એવા એક બીજા વિદ્યાર્થી ડૉ નંદલાલ માનસેતા સાથે એમનો સંપર્ક થયો. ડૉ. માનસેતા અમદાવાદના કાન-નાક-ગળાના સુપ્રસિધ્ધ સર્જન છે,પણ એ વ્યવસાયની સમાંતરે એ અનેક
સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એમણે જ હરેશભાઇને કહ્યું કે આપણો જન્મ જ
વતનનું ભલું કરવા માટે થયો છે. વાત
તો હરેશભાઇના મનમાં બરાબર ઠસી ગઇ પણ “વતનનું
ભલું” કરવું તો કઇ રીતે કરવું તેનો કોઇ
સંકેત મળતો નહોતો, એ
દરમ્યાન સાવરકુંડલા જોડે જેમને કાંઇ સીધો સંબંધ નહિં એવા જાણીતા કવિ-અને સભા
સંચાલક અંકિત ત્રિવેદીએ વાતવાતમાં એમને કહ્યું કે આપણા પ્રખ્યાત હાસ્યકાર રતિલાલ
બોરીસાગર તમારા જ ગામના છે અને તમે લોકો જો એમની પાસેથી વિદ્યા અને સંસ્કાર પામ્યા
હો તો તમારે એમને પોંખવા જોઇએ.
હરેશ મહેતા |
આ
સૂચન સોનાનું હતું અને એકી મતે સ્વીકારી લેવાય તેવું હતું, આ બે મિત્રો સાથે
ગામના બીજા વિચારશીલો મળ્યા અને નક્કી કર્યું કે બોરીસાગરસાહેબનું બહુમાન તો કરવું જ, પણ
સાથોસાથ અસલી વિચાર “વતનનું ભલું” થાય તેવાં કામ કરવા માટે એક ટ્રસ્ટની પણ રચના કરીએ. એમ પણ નક્કી કર્યું કે બોરીસાગરસાહેબથી શરુ કરીએ, પણ પછી વર્ષોવર્ષ એ સિલસિલો ચાલુ રાખીએ. દર વર્ષે
શિક્ષકો-સાહિત્યકારો કે ગામના કર્મશીલોનું પણ સન્માન કરીએ. સૌએ
એ પણ ઠરાવ્યું કે એ ટ્રસ્ટ જેમના નિમિત્તે
ઉભું થયું છે તે બોરીસાગરસાહેબનું નામ એની સાથે જોડીએ અને એમ 2011ની સાલમાં જન્મ થયો “વિદ્યાગુરુ
રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન”
નો અને એના ઉપક્રમે બોરીસાગર સાહેબને 2011ના જાન્યુઆરીમાં એક લાખ રૂપિયાના માનધન
અને ચાંદીના કાસ્કેટ સાથે માનપત્ર પૂ મોરારીબાપુના હસ્તે અર્પણ થયાં. જો કે, બોરીસાગરસાહેબે એ જ મંચ પરથી એ જ વખતે
સન્માનનો સ્વીકાર કરીને એક લાખની માનધનની રાશી પ્રતિષ્ઠાનને સારા સાહિત્યિક
કાર્યોમાં વાપરવા માટે પરત કરી દીધી, પછી એ જ મંચ પર એ જ
ભૂમિના નામવર અને બળકટ સાહિત્યકાર નાનાભાઇ જેબલીયા (હવે તો સ્વર્ગસ્થ)નું બહુમાન
કરવા ઉપરાંત એ વિસ્તારના બે ઉત્તમ શિક્ષણકારોનું પણ બહુમાન કરવામાં આવ્યું, અને એક પુસ્તક “અમારા બોરીસાગર સાહેબ”નું પ્રકાશન કરવામાં આવ્યું.
પણ આ
વાતમાં મહત્વનો અને બહુ સાત્વિક વળાંક તો હવે આવે છે.
પોતાના
સન્માનના નિમિત્તે પોતાના વિદ્યાર્થીઓ દ્વારા ઉભી કરવામાં આવેલી સંસ્થા સાથે પોતાનું
નામ જોડાય અને હંમેશને માટે જોડાયેલું
રહે એ કોઇ પણ વ્યક્તિ માટે ગૌરવની અને ગમતી વાત બની રહે. પરંતુ બોરીસાગર સાહેબ એને લીધે કંઇ જુદા જ
મનોમંથનમાં સરી પડ્યા, તેમને લાગ્યું કે કોઇ વ્યક્તિના , ખાસ કરીને પોતાના
નામ આગળ “વિદ્યાપુરુષ” જેવું અર્થગંભીર વિશેષણ મુકાય અને એ રીતે એ જ નામ સાથે સમગ્ર
ફાઉન્ડેશન સાથે પોતાનું નામ હમેશને માટે જોડાયેલું
રહે તે યોગ્ય નથી. એમણે ટ્રસ્ટીઓ પાસે પોતાના દિલની ભાવના
રજુ કરી અને પોતાનું નામ દૂર કરી દેવાની વિનંતી કરી. અને સ્વાભાવિક રીતે જ એમના
માટે અમાપ આદર ધરાવતા એમના એ વિદ્યાર્થી-ટ્રસ્ટીઓને એ વાત માફક ના જ આવે. અંતે આ
પ્રતિષ્ઠાનના પાયામાં જેમનું પ્રેરક બળ પડેલું હતું તેવા પૂ મોરારીબાપુ પાસે આ મીઠી
રકઝકનો મામલો ગયો, એ
મુદ્દે બોરીસાગર સાહેબે મોરારીબાપુને જે પત્ર
લખ્યો, તેમા કેટલાંક
વાક્યો હતાં “પૂરા આત્મનિરીક્ષણ પછી ભારતીય
સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં “વિદ્યાગુરુ” ની સંકલ્પનાનો વિચાર કરું છું ત્યારે મને
આમાં મારો પનો ઘણો ટૂંકો પડતો લાગે છે”. બાપુ તેમની આ ઉમદા ભાવના સમજ્યા અને પછી વચલો
રસ્તો એ વિચારાયો કે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન નામના એક નવા ટ્રસ્ટની રચના કરવામાં આવે અને એ નવા ટ્રસ્ટના ઉદ્દેશો અને “વિદ્યાગુરુ
રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન”ના ઉદ્દેશો એકસરખા હોવાથી એ પ્રતિષ્ઠાનનું આ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનમાં વિલીનીકરણ
કરવામાં આવે. અને એ રીતે 2013 ની સાલમાં આ “શ્રી
વિદ્યાગુરુ ફાઉન્ડેશન” અસ્તિત્વમાં આવ્યું,.
(ડાબેથી જમણે) ભરત જોશી, ડૉ. ઘનશ્યામ જાગાણી, રજનીકુમાર પંડ્યા |
(ડાબેથી) ડૉ. નંદલાલ માનસેતા, મોરારી બાપુ અને હરેશ મહેતા |
સૂચિત હોસ્પિટલ |
એ
પછી શરુ થયું એનું વ્યવસ્થિત આયોજન. સમગ્ર આરોગ્ય સેવાને ત્રણ તબક્કા(ફેઝ)માં વહેંચી દેવામાં આવી. પ્રથમ
તબક્કામાં નાનો ઓપીડી(આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ), અતિ આધુનિક
સાધનો સહિતની પેથોલૉજિકલ લેબૉરેટરી,મફત ડાયાલીસીસ સેન્ટર,ગાયનેકૉલોજી
ડિપાર્ટમેન્ટ હશે.આ પ્રથમ ચરણ માટેની પ્રાથમિક જરૂર એક કરોડ ત્રીસ લાખ જેટલી છે. પરંતુ શુભ સંકેત એવો થયો કે અમેરિકાના કોલંબીયા
સ્ટેટના એક વખતના આર્થિક સલાહકાર નટવર
ગાંધી સાવરકુંડલાના જ વતની છે અને વતનને જરી પણ ભૂલ્યા નથી, ખુદ
એક સારા કવિ છે અને હાલમાં જ આપણાં નામાંકિત કવયત્રી પન્ના
નાયક સાથે જોડાયા છે.પન્નાબહેનને પણ હવે આ પોતાનું વતન લાગે એ સ્વાભાવિક છે. એ બન્નેએ જ્યારે આ પ્રોજેક્ટ વિષે જાણ્યું ત્યારે એમણે ગાયનેક વિભાગ શરુ
કરવા માટે તાત્કાલિક પચાસ હજાર ડોલર (આશરે ત્રીસ લાખ રૂપિયા )
જાહેર કર્યા અને ભવિષ્યમાં પણ વધુ જરૂર
પડે તેમ મદદ કરતા રહેવાની હૈયાધારી
આપી,
અંદાજ
છે કે આ પ્રથમ ચરણનો માસિક નિભાવખર્ચ સાત થી દસ લાખ રૂપિયા આવશે.કારણ કે દાખલ થનારા
કોઇ પણ દર્દી પાસેથી એક રૂપિયો પણ વસુલવાનો નથી,સારવાર-દવા-ભોજન અને અન્ય જે કાંઇ ખર્ચ હશે
તે બધો જ હૉસ્પિટલ ભોગવશે. વર્ષના ત્રણસો પાંસઠ દિવસ ગણતા જો ત્રણસો પાંસઠ વ્યક્તિ દરેક વર્ષે એકવાર માત્ર બે હજાર ડોલરનું
દાન કરે, અને એ રીતે
ત્રણસો પાંસઠ દાતા તૈયાર થાય તો એક વર્ષનો
નિભાવખર્ચ આસાનીથી નીકળી જાય,
બીજા
ચરણમાં વધુ જમીનની ખરીદી,આધુનિક ઇમારતોનું
બાંધકામ અને સંપૂર્ણ સાધન સગવડ સહિતની એક
સો બેડની આધુનિક હૉસ્પિટલ કે જેમાં
બધું નિઃશુલ્ક ધોરણે હોય.આને માટે ચાલીસથી
પચાસ કરોડ રૂપિયાની જરૂર રહે. આ જરા
દોહ્યલું લાગે પરંતુ પૂ મોરારીબાપુએ
સામેથી આનું ભંડોળ એકત્ર કરવા માટે યજમાન સહિતની એક રામકથા આપવાનું જાહેર કર્યું
છે, . એનું આયોજન કદાચ આવતા એટલે કે 2015 ના એપ્રિલ-મેમાં મુંબઇમાં
થવાની સંભાવના છે,
ત્રીજું
ચરણ મેડિકલ કૉલેજની સ્થાપનાનું છે. એવી મેડિકલ કૉલેજ કે જ્યાં ડોનેશન તો એક તરફ પણ
એક પણ રૂપીયો ફી પણ ભણતર પેટા લેવામાં ના આવે.
અત્યાર સુધીના અનુકૂળ અનુભવો જોતાં એ જ પેટર્નમાં આ સપનું પણ સાકાર થશે
એવું લાગી રહ્યું છે.
પ્રથમ ચરણનું લોકાર્પણ |
ઉલટભેર ઉમટી પડેલા નાગરિકો |
સાવરકુંડલા જેવા “દ્વિદલ” ગામની ગોદમાં આ તદ્દન
મફત સેવા-સારવાર આપનારી આ હૉસ્પિટલ એક વિદ્વાન અને કર્મઠ શિક્ષક પરત્વેની એમના
શિષ્યોની ગુરુભક્તિમાંથી જન્મી છે. અને એની પાછળ મોરારીબાપુ જેવા લોકશિક્ષકની
સાધનાનું તેજવલય છે,
હોસ્પિટલ વિષેની વધુ માહિતી માટે સંપર્ક-પ્રકાશ
પટેલ, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન,
ખાદી કાર્યાલય કેમ્પસ,રેલ્વે
સ્ટેશન સામે.સાવરકુંડલા-364 515 /મોબાઇલ=098250 18544 .ઇ-મેલ: svfoundation2013@yahoo.com અથવા પ્રોજેક્ટ સંકલક-ભિખેશ ભટ્ટ-098799 72787
(ચિત્રલેખા, ૧૯/૧/૧૫માં પ્રકાશિત)
(ચિત્રલેખા, ૧૯/૧/૧૫માં પ્રકાશિત)
ચિત્રલેખા મા લેખ વાચ્યો ત્યારેજ અભિભૂત થઈ જવાયુ હતુ. આ પ્રસંગ મા સંકળાયેલાં બધાં જ પાત્રો અભિનન્દન ને પાત્ર છે.
ReplyDelete