Monday, December 30, 2013

છાપું વાંચો ત્યારે.... (૧)


(૧૯૮૬ના અરસામાં હું રાજકોટની 'વિજયા બેન્‍ક'માં બ્રાન્‍ચ મેનેજર હતો ત્યારે બનેલી આ સત્ય ઘટના છે, જેમાં મારે પણ એક પાત્ર તરીકે સંકળાવાનું બન્યું હતું.
- રજનીકુમાર) 

               મને ટેવ છે, શિયાળામાં અર્ધી રાતે ઊઠી ઊઠીને નાનકડી બેબીના શરીર પરથી ખસી ગયેલી શાલ સમી-નમી કરું છું. ઉનાળામાં એનું તાળવું તપી ના જાય એટલા માટે પરાણે સફેદ ફેલ્ટ પહેરાવું છું. રસ્તામાં ચાલતો હોઉં ત્યારે ઍન્જિનના ડબ્બાની જેમ મારી પાછળ પાછળ ચાલવાની યા મારી આંગળી પકડીને ચાલવાની એને ટેવ પાડી છે. મારા સંતાનની મને બહુ ફિકર છે. બહાર બારે મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા હોય પણ એના પગના નખ પરથી શાલનો છેડો ખસી ના જવો જોઈએ.
               આંધી-પવનના ઝપાટાથી સજ્જડ વાસેલી બારી ખૂલી જાય છે. સામી સ્ટ્રીટલાઈટના ઝાંખાપ્રકાશમાં દેખાય છે કે એક વાછરડું થરથર કાંપતું એક રેંકડી પર ખેંચેલી તાલપત્રીની ઓથે ઊભું છે. પશુને શું ? એનું તો જીવન જ એવું, કદાચ કોઈ માણસનું બચ્ચું હોત તો થોડી વધારે કંપારી થાત. પણ અંતે તો બારી ફરી સજ્જડ વાસ્યે જ છૂટકો. પવન લાગી જાય અને આપણું બાળક માંદું પડી જાય.
               સૌએ પોતપોતાનાં બાળકનું ધ્યાન રાખવું જોઈએ, પણ ક્યારેક નથી પણ રાખતા. ફુગ્ગાનાઝૂમખામાંથી એક નાનકડો ફુગ્ગો છુટ્ટો પડીને આકાશમાં ચડીને ક્યાંક અદ્રશ્ય થઈ જાય પછી ફરી કદી પાછો હાથમાં નથી આવતો એવું થાય છે. બાકીના ફુગ્ગાની જિંદગીનો દોર તો ટટ્ટાર રહે છે. પણ પેલા છૂટા પડી ગયેલા ફુગ્ગાનું શું ? બાળકનું પણ એવું થાય. છૂટા પડી ગયેલા બાળકને આ અફાટ માનસાગરમાં ફરી ખોળી આપીને એનાં મા-બાપને કોણ શોધી આપે ? શા માટે શોધી આપે ? એવી કોઈ જરૂર નથી. સૌએ પોતપોતાનાં સંતાનોનું ધ્યાન રાખવું જોઈએ.
કેવાં કેવાં કારણે, કેવી કેવી રીતે બાળક કુટુંબથી છૂટું પડી જાય છે ? સૌ સૌની અલગ અલગ કથની હોઈ શકે. કર્ણાટકની ધારવાર હુબલી રેલવે લાઈન પર આવેલા હાવેરી ગામમાં નિલપ્પા નામનો હરિજન આ રીતે જ પોતાની પૌત્રીને ખોઈ બેઠો. ત્યાં સુધરાઈમાં એ માળી છે. દીકરો શેટયાપ્પા અને વહુ થેલમ્મા મુંબઈ રહે છે. મુંબઈમાં એ લોકો કામાટીપુરામાં રહે છે. દીકરો તો ટૅક્સી ડ્રાઈવર છે, પણ વહુનો ‘ધંધો’ એવો છે કે એમની નાનકડી આઠ-દસ વરસની બેબીને એની સાથે રાખી ના શકાય. કામાટીપુરાનો વિસ્તાર ધાવણાં બાળકો માટે બરાબર, પણ સમજણાં બાળકો માટે નથી. એટલે દસ વરસની દીકરી લલિતા દાદાદાદી સાથે હાવેરી રહેતી હતી. ત્યાં કન્નાવેલી સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતી હતી. દાદી નાગમ્મા એને બહુ વહાલી હતી. પણ વહાલી દાદી પણ ક્યારેક બહુ તંગ થાય ત્યારે ગુસ્સો કરી બેસે. વૃદ્ધાવસ્થામાં મગજ પણ તિતાલી થઈ ગયું હોય. એક દિવસ સવારે લલિતાને ભૂખ લાગી અને ખાવા માગ્યું ત્યારે તાકડે જ ઘરમાં અન્ન ના મળે. ડબ્બા-ડુબ્બીને અને હાંડલાને દાદીમા ઉપર તળે કરતી હતી ત્યાં જ લલિતાએ પગ પછાડીને ફરી ખાવાનું માગ્યું. દાદી ચિડાઈ ગઈ. પકડીને એક દીધી અડબોથ. લલિતા રિસાઈને ઘરમાંથી ભાગી. એને ગાડી જોવી બહુ ગમતી, કારણ કે ગાડી રહસ્યમય પટારા જેવી હતી. એમાં બેસીને મા ક્યારેક આવતી. ને એમાં બેસીને જ અદ્રશ્ય થઈ જતી. એ ગાડીમાં બેસીને ક્યાંક  ભાગી જવાની લલિતાને ઈચ્છા થઈ. સ્ટેશને ગઈ ત્યારે ગાડી પડી જ હતી. એ દોડીને એક ડબ્બામાં ચડી ગઈ.

               પછી રસ્તામાં શું થયું ? પૈસા વગર વિટંબણા પડી ? ખાવાપીવાનું મળ્યું કે નહીં ? કાંઈ જ માહિતી મળતી નથી. કલ્પના છે કે મુંબઈ સ્ટેશને ઊતર્યા પછી અજગરના જડબા જેવા શહેરમાં પેસવાની એની હિંમત નહીં ચાલી હોય, એ બીજી ગાડીમાં બેસી ગઈ હશે. એકલીએકલી છૂટે મોંએ રડી પડી હશે. અથવા વિસ્મયથી ફાટી ફાટી આંખે ચોતરફ જોઈ રહી હશે – એકાદ-બે દિવસ એમ જ પસાર થઈ ગયા હશે. અને એક ગાડીમાં બેઠા પછી રાજકોટના પ્લૅટફૉર્મ પર એણે પગ મૂક્યો હશે.
                 બબ્બે દિવસે બપોરે પાપડનો ધંધો કરતા પાંત્રીસ વરસના નટવરલાલ બાબુલાલની નજરે એ રખડતી ભટકતી નજરે પડી. ખોડિયાર પરાની ચાર નંબરની શેરીમાં એક ખૂણામાં નિમાણી થઈને બેઠી હતી અને બીજા અજાણ્યા ગુજરાતી છોકરાને રમતાં કિલ્લોલતાં જોઈ રહી હતી. નટવરલાલને દયા આવી ગઈ. થોડું વહેમવાળું લાગ્યું એટલે પૂછ્યું –ઠપકારી ઠપકારીને પૂછવાથી એટલી ખબર પડી કે નામ લલિતા છે. ને વતન દૂરદેશમાં કર્ણાટક છે. બીજી શી ખબર પડે ? લલિતાને કન્નડ ભાષા સિવાય કોઈ ભાષા ના આવડે ? નટવરલાલને કન્નડ ભાષા ના આવડે. નટવરલાલને ડહાપણ સૂઝ્યું કે પોલીસમાં સોંપી દઈએ. ત્યાંથી ક્યાંક છેડો મળશે. ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં ‘ગુનો’ બનતો હતો. ત્યાં જઈને છોકરીની ભાળવણી કરી. જમાદારે બીજી જાન્યુઆરી છ્યાસીની તારીખમાં ૧૦/૮૬ નંબરની ઍન્ટ્રી પાડી. પછી છોકરીને બેસાડીને પાણીબાણી પાયું. ગાંઠિયા ખવડાવ્યા. ફરી પૂછપરછ શરૂ કરી. પણ ભાષાભેદના લોખંડી પડદા આડેથી કાંઈ સંભળાતું નહોતું. કંટાળીને એમણે કલમ મૂકી દીધી ને છોકરીને ગોંડલ રોડ – રાજકોટ ઉપરના કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં આશરો લેવા મોકલી આપી.
                પેટમાં લાગેલી ભૂખને કારણે ગાલ પર પડેલી દાદીમાની થપ્પડ દસ વરસની એક કંગાળ હરિજન છોકરીને ક્યાંથી ક્યાં લઈ આવી ? ક્યાં હાવેરી ? ક્યાં રાજકોટ ? ક્યાં એનાં માબાપ, ક્યાં એનાં દાદાદાદી ? ને ક્યાં આ સાવ અજાણી ભાષા બોલતા ચહેરા ! ઝૂમખામાંથી છૂટા પડી ગયેલા ફુગ્ગાની વ્યથા કદાચ લલિતાએ અનુભવી હશે. પણ આશ્રમમાં એના જેવડી ઘણી છોકરીઓ.ચશ્માંવાળા બહેન આશાબહેન અને એક મંગળાબહેન કરીને બહેન બહુ ભલાં હતાં. થોડા દિવસમાં લલિતાનું મન બધાં સાથે ભાષાની દીવાલને ગણકાર્યા વગર હળી ગયું. એનાં કપડાં સાવ ચીંથરેહાલ હતાં. આશ્રમવાળાએ નવાં પહેરાવ્યાં. સરસ મજાના ચોટલા પણ વાળી આપ્યા. પણ આમ છતાં અનંત આકાશને કોઈક છેડે પડેલા, છૂટા પડેલા પરિવારના નાનકડા ઝૂમખાને એનું મન ઝંખ્યા કરતું હતું. પણ ત્યાં સુધી કોણ પહોંચાડે ? કેવી રીતે પહોંચાડે ? ને છેલ્લે, શા માટે પહોંચાડે ? અરે, એ વાત સમજવા માટે ભાષા જોઈએ એ સમજનાર પણ ક્યાં છે ?
               એની ભાષા તો કોઈ સમજી શકતા નહોતા, પણ આંસુમાં તરતી ઉદાસીની ભાષા તો સૌ ઉકેલી શકતા હતા.
                       ****      ****    **** 

                સવારના પહોરમાં આખા જગતના સારામાઠા સમાચારોને ચાના ટેબલ પર પાથરીને બેઠો હતો. ચા પીતાં પીતાં એ સમાચારો પર રસભૂખ્યા અસંતુષ્ટ પતંગિયાની જેમ નજર ઊડાઊડ કર્યા કરતી હતી. એ જોવાતું હતું કે અવસાન નોંધમાં આપણું તો કોઈ નથી ને ? બાકી ક્યાંક જ્વાળામુખી ફાટ્યો હોય અને હજારો મર્યા હોય એનો વાંધો નહોતો. એ તો ચાલ્યા કરે, પસાર કરવાના આખા દિવસનો પ્યાલો હજુ તો છલોછલ ભર્યો હતો. છાપાનાં સુખદુઃખ એમાં બરફના નાના નાના ક્યૂબ્સ જેવા તરતા હતા. દિવસ સાથે સાથે એને પણ ઓગાળીઓગાળીને પી જવાના હતા.
                પણ બરફનો એક ટુકડો આજે ગળે અટક્યો. લલિતા નામની એક માસૂમ કન્નડ છોકરી આપણા શહેરમાં આવી ચડી હતી. ભાષાના વાંકે અટવાઈ પડી હતી. સમાચારો ચારપાંચ લીટીના જ હતા. એમાં કોઈ અપીલ પણ નહોતી. પણ વાંચતા વાંચતા મારી જ બેબી દૂર દૂરના કોઈ અજાણ્યા પ્રદેશમાં એકલી અટવાઈ પડી હોય એવી, થૂંકી નાખવાનું મન થાય એવી કલ્પના આવી ગઈ. જાણે કે બહારના અનરાધાર વરસાદમાંથી સાવ ઝીણી ઠંડી વાછટનું એક બિંદુ જાડી ચામડી પર બરછીના તીક્ષ્ણતાથી પડ્યું. કદાચ ઉપરનું વેન્ટિલેશન જરી ખુલ્લું રહી ગયું હશે. બાકી બારીઓ તો સજ્જડ બંધ કરેલી હતી.
              હવે ? શું કરવું ? કાંઈ થઈ શકે આપણાથી ? કે ચાલશે ! ક્ષણભર માટે લાગ્યું કે ચાલશે, પણ બીજી જ ક્ષણે અમારી બે વરસની બાળકીની અને દસ વરસની લલિતાની છબી એક થઈ ગઈ. કોઈએ જાણે કે દયામણી બૂમ મારી.... "પપ્પા, તમે ક્યાં છો ?
              એ સાથે મગજમાં હજાર કીડીઓ સામટી સળવળવા માંડી. છાપું બાજુએ મૂકીને મેં બારણાં તરફ પગ દીધો અને બહારથી અનરાધાર વરસાદની થોડી વાછટ આવી. એનાથી રેલ આવી અને અમને ઘરના ઊંબરાની બહાર તાણી ગઈ. કોઈના ઊંબરે લઈ ગઈ. એ ઊંબરાની અંદર હર્યુંભર્યું સુખી કન્નડ કુટુંબ હતું. એમને ત્યાં પણ લલિતા જેવડા કે, એનાથી થોડાં નાનાંમોટાં સંતાનો હતાં. એ સૌ લલિતાના મુલકનાં હતાં. ભાષાનો શબ્દેશબ્દ સમજે એવાં.
               પણ ભાઈ ઘેર નહોતા. મેં એમનાં પત્નીને કહ્યું, જરા મારે ત્યાંથી ફોન પર એમની સાથે વાત કરશો ? તમારા મુલકની દૂર દૂરથી રઝળતી ભૂલી પડેલી લલિતાની કથની હું તમને કહું છું. તમે એમને કહેશો ? કહેશો કે ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશને જાય અને લલિતા સાથે વાતચીત કરીને એમાં નામ-ગામ, ઠામ-ઠેકાણું મને મેળવી આપે. બાકીનું હું ફોડી લઈશ.
કેમ નહીં ? એમણે કહ્યું : કેમ નહીં ?ચાલો.
               બહેન મારે ત્યાં આવ્યાં. ફોનથી એમના પતિ જોડે વાત કરી. મને સંતોષ ના થયો તે મેં પણ વાત દોહરાવી. ખાતરી મેળવી કે ભાઈ સમય મળતાં આજે જ પોલીસ સ્ટેશને જઈ આવશે. મને બધો પત્તો મેળવી આપશે.
                સંતોષની એક નાનકડી ઈંટ પર ઉભા રહીને આખો દિવસ પસાર કર્યો. શરીરમાં જરી કળતર હતું એટલે ઑફિસે જવાય તેમ નહોતું પણ કળતરની સાથે મનમાં બેચેની વધતી જતી હતી. વારે વારે અમારી બેબીને ખેંચીને વહાલ કરતો હતો. એથી થોડી સ્વાર્થી શાંતિ થતી હતી.
                  રાત પડી. પેલા કન્નડ બંધુને ઘેર જઈ દ્વાર ખખડાવ્યું. ટી.વી. પરના સમાચારોનો આસ્વાદ થતો હતો. એમાં ખલેલ પાડીને આ ઘરઆંગણના સમાચાર મેળવવાનું મને અજુગતું લાગ્યું. અંતે નવ વાગ્યા. ‘યહી હૈ જિંદગી’ શરૂ થવાને ચારપાંચ જાહેરખબરોનું છેટું હતું. વાત કરવા માટેનું આ આદર્શ મુહૂર્ત ગણાય. લોકો નારાજ થયા વગર શાંતિથી વાત સાંભળી લે. કાનસરો આપે. મેં પૂછી જ લીધું : શું થયું ? જઈ આવ્યા ?
અરે.... એમણે ઘૂંટણ પરની લુંગી સરખી કરી પોતાની નાનકડી મુન્નીને ગોદમાં લીધી : આજે કામમાં સાવ રહી જ ગયું. અને.... એમણે અટકીને વિચાર કર્યો પછી પૂછ્યું : પણ પોલીસ સ્ટેશન આવ્યું ક્યાં ? મને એ તો ખબર નથી.
સવારે ફોન પર જ પૂછી શક્યા હોત. એમ કહેવાનું મન મેં વાળી લીધું. શાયર ગાલિબની પેલી પંક્તિ યાદ આવી ગઈ : :તેરે બેમહેર કહેને સે વો તુઝ પર મહેરબાં ક્યું હો ?
               મેં ડાહ્યું ડાહ્યું હસીને કહ્યું : હા, એ સાચી વાત. હું હમણાં જ પૂછી લઉં છું. ફરી ફોન પર ગયો. ડાયલ ઘુમાવ્યું અને ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન એટલે ક્યાં આવ્યું ? તેનો પત્તો મેળવ્યો. ફરી ટી.વી.ગ્રસ્ત વિસ્તારમાં પ્રવેશ્યો. ‘યહી હૈ જિંદગી’ પૂરું થયા પછી મેં એમને ‘બી’ ડિવિઝનનું સરનામું આપ્યું.
કાલે જરૂર. એ બોલ્યા. મને શંકાળુ સંતોષ થયો.
પણ કાલે પણ એ જ જવાબ મળ્યો : કામમાં રહી ગયું. ભુલાઈ ગયું. ઘણા મુલાકાતીઓ આવ્યા હતા....
ખેર. મેં કહ્યું : કાંઈ વાંધો નહીં.
કાંઈ વાંધો નહીં. કહેતી વખતે છાતીએ પાણી હતું. રાજકોટ શહેરમાં બીજા કન્નડભાષીઓ નહીં મળે ? શી વાત છે ? આપણી ઑફિસમાં જ ચારપાંચ જણા છે. કોઈ પણને કહીશું.
ઑફિસના જ એક મિત્રને કહ્યું : લલિતાની આ આ... કથની છે. સાથે આવશો ? મદદ કરશો ? તમારા જ મુલકની એક બાળકી....
અહીં અમારો કર્ણાટક સંઘ છે. એને પૂછવું પડશે.
અરે પણ, મેં કહ્યું : દુભાષિયા તરીકે મદદ કરવા આવવું એમાં પણ પૂછવું પડે ?
બહુ સ્વસ્થ વ્યક્તિ હતી. બોલ્યા : પૂછવું પડશે. કાલે પૂછીને કહીશ.
કાલ આવો જવાબ મળ્યો. અમારા સંઘવાળા ના પાડે છે. કહે છે કે પોલીસનું લફરું થાય.
                મારા શરીરમાં થોડો તાવ હતો. એ મગજમાં ચડી ગયો હોય એમ મેં અનુભવ્યું. અકળાઈને બોલ્યો : લફરું કેવી રીતે થાય ? તમે તો પોલીસને મદદ કરવા જાઓ છો. નથી બાળકીનો કબજો સંભાળતા. નથી જામીન થતા, નથી ક્યાંય સહીસિક્કામાં સંડોવાતા. હું એક કૉલમિસ્ટ પત્રકાર તરીકે જાઉં છું અને તમે મારી સાથે આવો છો. મારી અને લલિતાની વચ્ચે દુભાષિયાનું કામ કરો છો. એમાં લફરું થાય ?
લફરું થાય.

હું થોડી વાર સૂનમૂન બેઠો રહ્યો. કેવી વાત હતી ? છોકરીને કાંઈક કહેવું છે. મારે એ સાંભળવું છે. માત્ર વચ્ચેની હવા બનવા કોઈ તૈયાર કેમ નથી ? પોલીસનો એટલો બધો ડર ? કે પછી...

( વધુ આવતા હપ્તામાં..)

(નોંધ: તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધી છે.) 

4 comments:

  1. અભિનવ લઘુ નવલકથા-સમી આ કથામાં આગળ શું થશે એ જાણવાની ઉત્કંઠા તીવ્ર થઇ છે! આપની વાત કહેવાની છટા પણ અદ્ભુત છે. ફુગ્ગાઓનાં ઝુમખામાંથી છૂટો પડી ગયેલ એક જીવંત અને નાજુક ફૂગ્ગાની વ્યથા અને તે અનુભવી શકનાર લેખકની કદર કર્યા વગર રહી શકાતું નથી. આગલા ભાગની આતુરતાપૂર્વક રાહ જોઉં છું!

    ReplyDelete
  2. are rajnjibhai, kevi karun kahani vanchavi savarna pahorman. man dravi gayun. tamari shaili pan adbhoot ane madadrup thavani ichchha pan adbhoot ! bakina hissanni raah joun chhun.
    prafull ghorecha

    ReplyDelete
  3. સ્નેહાળ ભાઈશ્રી રજનીભાઈ,

    ભલે ફુગ્ગો છૂટો પડ્યો , પણ હવા નીકળી જતા પાછો નીચે આવશે એટલી ધરપત ,"અપૂર્ણ " ની દોરી હાથમાં આવતા સુધી રાખવી જ પડશે .ખરુંને ??

    ReplyDelete
  4. Agaaz ye hai to Anjam kya hoga?

    ReplyDelete