Monday, September 8, 2014

મારી સાથે જરા સરખી રીતે વાત કરોને પ્લીઝ !

સાંજના સાત. મિત્રની રાહ જોયા સિવાય અને મનમાં આવે તે વિચારોમાં જાતને ઝબોળી રાખવા સિવાય કશું કામ જ નથી. બાજુમાં પડેલાં સામયિકો વાંચવાની પણ વૃત્તિ નથી.
એકાએક અંદરથી એક ખૂબ જ ફૂટડી, તાજા ગુલાબના ફૂલ જેવી, ચહેરા ઉપર અકબંધ માસૂમિયતવાળી દસેક વરસની બેબી આવે છે. મારા મિત્રની ભત્રીજી કે ભાણેજ કે કોઈક હશે જ. મારા જેવા અજાણ્યા તરફ શિષ્ટાચારનું સ્મિત ફેંકીને એ પાણીનો ગ્લાસ ધરે છે. પછી બાજુમાં પડેલ સુંદર પ્રિયદર્શીની નામે ઓળખાતા ગુલાબી રંગના ટેલિફોનનું રિસીવર ઉપાડે છે. બાજુના ટાવર આકારના નાનકડા ઘડિયાળ તરફ એની નજર છે.
નંબર મેળવીને એ પોતાના ઘેર વાત શરૂ કરે છે. વાત કરતાં કરતાં એના ચહેરાની રેખાઓ બદલાતી જાય છે. ધીરે ધીરે, પ્રથમ ઉત્સાહ, પછી થોડી ચિંતા, થોડી વ્યગ્રતા, હતાશા, રોષ, અને આક્રોશ. આ બધું ક્રમે ક્રમે થાય છે. કશુંક સ્પષ્ટ કહી ન શકવાની વ્યથા એના ભોળા ચહેરા ઉપર પ્રકટવા માંડે છે. એના ધીમા ઝીણા અવાજે, એની કોન્વેન્ટી ગુજરાતીમાં બને તેટલા નરમ શબ્દો લાવવાની કોશિશ કરે છે. અને આમ છતાં અંતે એનાથી એને ન બોલવું હોય એવું એક વાક્ય બોલાઈ જ જવાય છે. "મમ્મી, મમ્મી, મારી સાથે જરા સરખી રીતે વાત કર ને, પ્લીઝ!" કોઈ પીઢ વ્યક્તિ જ વાક્યમાં આટલું વજન લાવી શકે. બોલતાં બોલતાં જ એની ઉંમર અગિયારમાંથી વધીને એકત્રીસની થઈ ગઈ. પોતે જ ઉચ્ચારેલા એ શબ્દોના ભાર તળે એ દબાઈ ગઈ. રિસીવર પર એની મુઠ્ઠી વળી ગઈ. વાક્ય કંઈ એણે એમને એમ જ ફેંકી નથી દીધું. શબ્દે શબ્દને નીચોવીને એ બોલી છે : ‘મમ્મી, મમ્મી મારી સાથે જરા સરખી રીતે વાત કર ને. અને પછી અવાજમાં આજીજી – ‘પ્લીઝ,
'તારું નામ શું છે બેટા ?' હું એને પૂછું છું.
‘અપૂર્વા' એ જરા ઓઝપાઈને બોલી.
‘કયા સંજોગોમાં એ આવું વાક્ય બોલી હશે ?' મનમાં અનેક વિકલ્પો જન્મે છે.
                                             **** **** *****
ધારી લો કે એની મમ્મી અને પપ્પા વચ્ચે ઝઘડાની ઉગ્ર પરકાષ્ટા ચાલે છે. એમના સમૃદ્ધ ફલેટની બહાર અવાજ ન થાય તેની તકેદારી સાથે બંને જણાં હમણાં જાણે ખૂનખરાબા ઉપર આવી જાય તે રીતે ઝગડી રહ્યા છે. પપ્પા ત્રાડ નાખે છે. મમ્મી સહનભર્યા અવાજે સામી કશીક ત્રાડ નાખે છે. પપ્પા કશોક ધગધગતો આરોપ કરે છે. ઘરમાં એ બે જણા છે. ત્યાં અચાનક જ ફોનની ઘંટડી રણકે છે. બૉર્ડિંગમાં રહીને ભણતી દિકરીનો ફોન છે :  ‘એલાવ, એલાવ, મમ્મી, હું અપૂર્વા.' 
મમ્મીની ત્રાડ : “શું છે ?”
જવાબમાં............
‘શું છે ?' મમ્મી તાડૂકીને પૂછે છે.
‘મમ્મી, મમ્મી.”
‘પણ જલ્દી બોલને ! શું છે ? મોઢામાંથી  ફાટને ઝટ !”
‘મમ્મી, મમ્મી, કેમ આમ કરે છે ? મારી સાથે તું સરખી રીતે વાત કરને !”
અથવા એમ બન્યું હોય કે અપૂર્વાની  મમ્મી હમણાં જ બહારથી કશેક ઉશ્કેરાઈને આવી છે. હજુ તો ઘેર આવીને શ્વાસ ખાઈને મનને સ્વસ્થ કરવા પ્રયત્ન કરે છે ત્યાં જ ફોનની ઘંટડી વાગે છે. ‘એલાવ મમ્મી, હું અપૂર્વા ...”
અથવા ત્રીજો વિકલ્પ: અપૂર્વાનાં મમ્મીને અણગમતા કોઈ મહેમાન પતિપક્ષમાંથી આવ્યા છે. અથવા અપૂર્વાના પપ્પા બહારથી આવતાંવેંત બેચાર મિત્રોને લઈને પત્તાં ટીચવા બેસી ગયા છે. અપૂર્વાની મમ્મીને એની ભારે નફરત છે.
અથવા અપૂર્વાની અસંતુષ્ટ મમ્મી સામેની બારીમાં ક્રીડામગ્ન કોઈ સુખી યુગલને જુએ છે. અથવા અપૂર્વાના પપ્પાની કોઈ એવી હરકતની અપૂર્વાની મમ્મીને હમણાં જ ખબર પડી છે અને  ધૂંવાપૂવાં છે. અથવા એમ બન્યું હોય કે અપૂર્વાની મમ્મી ઉપર પપ્પાએ આવતાંની સાથે જ હાથ ઉપાડ્યો છે. અથવા તો મમ્મી સોસાયટીની કોઈ ખાનગી મિટીંગમાંથી પાછી ફરી છે. અને જરા કેફમાં છે. અથવા કીટીપાર્ટીમાંથી થોડા રૂપિયા હારીને આવી છે. અથવા કોઈ સહેલીએ કંઈક કહ્યાથી જીંદગીમાંના કેટલાંક અભાવો એકાએક સાલવા લાગ્યા છે. અને ત્યાં જ ફોનની ઘંટડી રણકે છે. ‘એલાવ, એલાવ, મમ્મી હું અપૂર્વા ...”
અને  જવાબમાં મમ્મીની  ત્રાડ :”શું  છે પણ, જલ્દી ભસી મારને !”
                                         **** **** **** 
આ ઘટના પછી...
‘અપૂર્વા, બીજી સ્ટુડન્ટસની ફરિયાદ છે. તું એમના કપડાં ફાડી નાંખે છે, તું એમની સામે દાંતીયા કરે છે.”
        ‘અપૂર્વા, આમ તો ડાહીડમરી લાગે છે. આમ વાતવાતમાં ચીડાઈ જઈને મારામારી કેમ કરી બેસે છે?' 
        ‘અપૂર્વા, તું રાતે ઉંઘમાં બકે છે !”
‘તારે કેમ કોઈ બેનપણી નથી. અપૂર્વા  ?”
"અપૂર્વા, વાંચતાં વાંચતાં કેમ વિચારે ચડી જાય છે ?” 
અપૂર્વા  સામે ફરિયાદ છે. ઘણી ફરિયાદ છે. વિચિત્ર અને પુષ્કળ ફરિયાદો છે. ફરિયાદોનો ધોધમાર છે.
                                         **** **** **** 
‘અપૂર્વા  છોકરાઓ સાથે બહુ ભમવું નહીં’
‘કેમ ? શું થાય મેડમ ?”
‘કશું નહીં, પણ એ સારું ન કહેવાય. લોકો કંઈ કંઈ વાતો કરે.”
લોકો મારા વિષે વાતો કરે તે તો સારું. અપૂર્વા વિચારે છે. ઘેર તો કોઈ મારા વિષે કશી વાત નથી કરતું.
‘અપૂર્વા , વેકેશનમાં તારે ઘેર મમ્મી પપ્પા પાસે નથી જવું ?”
‘નહીં મેડમ, હું તો અહીં જ રહીશ.”
‘તો પછી સાંજના સાત પહેલાં હોસ્ટેલમાં આવી જવાનું, નહીં તો રેક્ટર આગળ ફરિયાદ કરીશ.
                                         **** **** **** 
 “આ અપૂર્વાને હોસ્ટેલની બહાર કાઢો. અપૂર્વા લૂઝ કેરેક્ટરની છે.”
‘એ બીજી છોકરીઓને પણ બગાડે છે.” 
‘અપૂર્વા  ભારે ઝગડાખોર છે.”
 ‘ચોર છે.” 
"જૂઠાબોલી છે." 
"કપડાં અધુકડાં પહેરે છે." 
"અપૂર્વા આટલા બધા ખર્ચા ક્યાંથી કાઢે છે ? એના બોયફ્રેન્ડ કેવા મવાલી છે ?”
"અપૂર્વા ઓશિકાને બાથમાં લઈને સૂવે છે." 
અપૂર્વા .... અપૂર્વા ...... અપૂર્વા .... હેઈ.... હેઈ.... હુરીયો...... હુરીયો.....
પણ આ બધા મારા મનના ખેલ  છે. અત્યારે તો અપૂર્વા  નામની દસ વરસની છોકરીએ ફોન મુકી દીધો છે. ને મારી સામે સ્થિર આંખો કરીને બેઠી છે. પણ મારા મનમાં આ બધો જ કલ્પનાનો વ્યાપાર ચાલે છે. મારા મનમાં કલ્પવામાં આવેલા આ બધા ખંડમાંથી એક પણ સાચો ન હો. અથવા બધાં જ સાચા પડો. કેમ ખબર પડે ? સમયની રેતી હજુ પૂરી સરી નથી.
અપૂર્વા આજના દિવસે તો માસુમ છે. નિષ્પાપ છે. પણ વારંવાર એની અકાળે પુખ્ત થવાની ઘડીઓ આવે છે. શું થશે અપૂર્વાનું?.
“અંકલ !” એ મને ભોળપણથી પૂછે છે :” બહુ વિચારમાં પડી ગયા કાંઈ ?”
હું હસું છું. બોલતો નથી. પણ હજુ એક કલ્પનાનો નવો ખંડ મારા મનમાં આકાર લે છે. હજુ સુધી  વર્તમાન  નહિં  બનેલા  ભવિષ્યનું એ એક વધુ કાલ્પનિક દૃશ્ય છે. ઇચ્છું છું કે એ કદી ના ભજવાય, પણ દસ-બાર વર્ષ પછી જો ભજવાશે તો એ આવું હશે. 
‘અપૂર્વાબેટા, આમ બનીઠનીને ક્યાં ચાલી ?”
‘હજુ હમણાં તો તારો મોતીયો ઉતરાવ્યો છે. મમ્મી દેખાતું નથી ?”
‘દેખાય છે બેટા,પણ સાંજે વખતસર ઘેર આવી જજે હો !”
‘તને સો વાર કહ્યું છે મમ્મી, હું આવું કે ન આવું – એની પંચાત તારે ન કરવી. તું તારે છાનીમાની પડી રહેને એક તરફ !”
‘અપૂર્વા, બેટા, કેમ આમ મોઢું તોડી લે છે ! મારી સાથે જરા સરખી વાત કરને, પ્લીઝ...”
આથી આગળનાં દૃશ્યો કલ્પી શકાતાં નથી. મારું મન ચિડાયેલું છે. મારી સાથે સરખી રીતે વાત કરતું નથી.

(ઝબકાર, 'નવગુજરાત સમય'માં પ્રકાશિત, તા. ૭-૯-૨૦૧૪) 
(તસવીરો નેટ પરથી) 

3 comments: