Thursday, August 28, 2014

જમીં ચલ રહી, આસમાં ચલ રહા હૈ, યે કિસકે ઇશારે જહાં ચલ રહા હૈ ?

‘યાર સુરતી, ખોટું ન  લગાડે તો એક વાત કહું?”
“બોલ ને!”
“તું મહામૂર્ખ છો !”
આથી વધારે મોટી સાઇઝની ગાળ ઍડ્વોકેટ સોની કદાપિ ડોક્ટર સુરતીને ન આપી શકતા. જો કે, સુરતી તો સુરતી જ હતા, એટલે ગમે તેવી ગાળ સાંભળવા માટે બી તૈયાર, પણ સોનીનું એવું કે મનમાં જ્યાં સુધી ઘૂંઘવાયા કરે ત્યાં સુધી ગાળ જીભે ચડે નહીં અને જેવી જીભે ચડે કે તરત જ પ્રેસરકૂકરની વરાળ નીકળી જાય એવી રીતે એમનો ધુંધવાટ પણ ઓસરી જાય. સોનીએ “મહામૂર્ખ” કહ્યું એટલે ડૉક્ટર સુરતીએ પૂછ્યું : ‘કેમ ! ગાળ આપી મને ?’
“આટલાં વરસની ડૉક્ટરીમાં તો માણસ બંગલા બંધાવે અને તું ભાડાના ફ્લૅટમાં રહે છે ! આ તો તારો નાનપણનો ફ્રેન્ડ છું એટલે જીવ બળે છે. નથી તારી પાસે સારા માઇલું ટી વી કે નથી ડબલ ડોરનું ફ્રીજ, ગાડી વસાવી જ નથી, ક્લિનિક પર બી બાઇક લઇને જ જાય છે. કપડાં પણ જોને..કેવા રેઢિયાળ !”
સુરતી કપડાં વિશે સજાગ થઈ ગયો. સાલું આ કપડામાં શું કહેવાપણું હતું ! ધોયેલાં હતાં, ઈસ્ત્રી કરેલાં હતાં, ફાટેલાં નહોતાં. હા, જરી જૂની ફૅશનના હતાં એ વાત જુદી, પણ ડૉક્ટરની આવડત અને કપડાંને શો સંબંધ? અને એવું કોણે કહ્યું કે ચંપલને બદલે ચમચમતા બ્રાન્ડેડ શૂઝ ચડાવે તો જ લોકો ડૉક્ટર તરીકે ઓળખે ! સોની તો વકીલ છે. કાળો કોટ તો એણે પહેરવો જ જોઈએ, પણ ડૉક્ટરને વળી એવું શું? એના કંઈ થોડા ગણવેશ હોય ? આપણને તો એવા ડાક્ટરીયાઓ પરેય ચીડ ચડે કે જે શાકની દુકાને ઉભા હોય તો ય ગળે સ્ટેથોસ્કોપ લટકાવીને રૂપિયાની કોથમીર મફત માગતા હોય ! કેમ વનસ્પતિમાંય જીવ હોય છે એટલે ?
એડવોકેટ સોની ગાડી ચલાવતાં ચલાવતાં દાક્તર સુરતીને મહામૂર્ખ સાબિત કરતો હતો ને એમાં સુરતી રમૂજ પણ અનુભવતો હતો. એને ખબર હતી કે હમણાં એડવોકેટ કપડાં પરથી પૈસાની વાત પર આવશે ને કહેશે કે વનસ્પતિમાં જીવ હોતો હશે તો હોતો હશે પણ રૂપિયાને તો જીવ સાથે પગેય હોય છે, એ તને કદિ ખબર પડી એ એના એવા હુમલા માટે તૈયાર હતો. ત્યાં જ ફૂટપાથને કિનારે એણે એક જણાને લોટપોટ પડેલો જોયો.
“વકિલ! ઝડપથી એમ બોલીને સુરતીએ એનો હાથ થોભી લીધો.:“ગાડી રોક”.
        એણે ગાડી રોકી. ઝડપથી બારણું ખોલીને સુરતી નીચે ઊતર્યો. ફૂટપાથ પર ગયો. લોટપોટ માણસ અમસ્તો લોટપોટ નહોતો, રક્તપિત્તિયો હતો, માખીઓ બણબણતી હતી. વકીલ ગાડી રોકાવવા બદલ દાંત ભીંસીને મનોમન બબડતો હતો. ત્યાં સુરતી એની નજીક આવ્યો. કહ્યું” સોની, તારી બાજુમાં મારી એટેચી પડી છે. એમાંથી શાલ કાઢીને આપ તો જરા..”.
        સોનીએ શાલ તો કાઢી આપી, પણ બબડીને : “સાલો મોટો ધર્માત્મા !” ને પછી તિરસ્કારથી, ધૃણાથી એ સુરતી સામે જોઈ રહ્યો. હંમેશા એની અને સુરતી વચ્ચે એક બાબતમાં ભારે દલીલબાજી થતી હતી –દાક્તર સુરતી ભારે સેન્ટીમેન્ટલ હતો. વકિલ કાયમ કહેતો, “આમ જ તારા ગજવામાં પૈસા ટકતા નથી”.
        “ હું તને પૂછું છું.” વકિલ બોલ્યો એટલે સુરતી ફરી બાજુમાં આવી બેઠો.  સોનીએ એની સામે પોતાની ઉલટતપાસ શરુ કરી :” તું આવા પરમાર્થનાં કામો શા સારુ કરે છે ? ડૉક્ટર ? શું તું તાલેવંત છો ?”
        “આ જગતનો કર્તાહર્તા ઈશ્વર છે. આવા દુઃખી આત્માઓનું આપણે કંઈક કરીએ તો ઈશ્વર રાજી રહે કે ના રહે એ ખબર નથી, પણ આપણો અંતરાત્મા રાજી રહે”.
        “તારો અંતરાત્મા તો મહામૂર્ખ આત્માઓનો સરદાર છે.” . સોની ગાડી ચલાવતા ચલાવતા બોલ્યો : "એ રાજી રહેતો હશે, પણ ઈશ્વરની વાત કરતો હોય તો કહું કે એ હોય તો આ તારું જોઇને રાજી થવાને બદલે દુઃખી થતો હશે. મારી પાસે એના સાંયોગિક પુરાવા છે.”
પુરાવાની વાત આવી વળી વકીલને મોંએ આવી  એટલે સુરતી જરાક ચમક્યો : “પુરાવા?
“હા, પુરાવા !”. સોની બોલ્યો :” એક તો ઈશ્વરની કોઈ લીગલ એન્ટીટી (કાયદેસરનું અસ્તિત્વ) નથી. છતાં તારા મૂર્ખ આત્માઓના સરદાર એવા આત્માના સંતોષ ખાતર ભલે કરતો હોય પણ તું જાણ કે આ સૃષ્ટિ અને એના કારનામા બધું જ જો તેનું આયોજન હોય તો આ રકતપિત્તિયાને એ રોગથી પીડાતો રાખવાનું પણ એનું જ આયોજન ખરું ને ? નહિં ? “
“બેશક !”
“તો પછી પેલાનું  દુઃખ ઓછું કરવાનો પ્રયત્ન કરીને ઈશ્વરની યોજનામાં જ તું  શા  સારુ દખલગીરી કરી રહ્યો છે? તને એવો કયો અધિકાર છે. ઇશ્વરી ન્યાયમાં રુકાવટ તારા ઈશ્વરના  આયોજનમાં આડખીલીરૂપ  બનવું એ પણ એટલો જ ગંભીર અપરાધ છે.”
આવી સજ્જડ દલીલ સાંભળીને દાક્તર સુરતી ચૂપ થઈ ગયો. એ જોઈને સોનીએ અમસ્તું અમસ્તું પોંપ...પોંપ... કારનું  હૉર્ન વગાડ્યું. ગેલમાં આવી  ગયો :” બોલ, છે તારી પાસે આનો જવાબ ડાક્ટર ?”
સુરતી પાસે ખરેખર આનો જવાબ નહોતો. વાત તો સાચી જ ને ? ઈશ્વરની લીલામાં ઝોળો પાડનાર આપણે કોણ ?
પણ બીજે દિવસે ગઈકાલે ઓઢાડેલી શાલ ભણી નજર કરી  જોયું તો એ ભિક્ષુક હજુ સબડતો હતો. આ વખતે સુરતી એ જોયું ના જોયું કરીને આગળ પસાર થઇ જવાનું કરતો હતો, ત્યાં એકદમ પાછળ વળ્યો. પેલાએ હોઠ વચ્ચે શાલનો એક છેડો પકડી રાખ્યો હતો, ત્યાં પરૂથી ચાદરનો છેડો ભીનો થઈ ગયો હતો. સુરતીના મનમાં સોનીએ કરેલી દલીલ છવાઈ ગઈ. દલીલ વિચારવા જેવી હતી, બલકે મનમાં ઠસી જાય તેવી હતી.પણ છતાંય એણે એની પાસે જઈને પૂછ્યું : “ખાના ખાયેગા ?”
એણે માત્ર પાંપણના પલકારાથી હા પાડી. પણ આજ તો સાથે સોની વકિલ નહોતો એટલે કાર પણ નહોતી. સુરતી ચાલતો ચાલતો દૂરના છેડે ઈમ્પિરિયલ રેસ્ટોરાં સુધી ગયો. પ્લાસ્ટિકની કોથળીમાં શાક-પૂરી બંધાવ્યાં. પાછો આવ્યો ત્યારે થોડે દૂર એક લઘરવઘર છોકરો ઊભો ઊભો “યા અલ્લા... યા અલ્લા.”.. બોલતા બોલતા તાળીઓ પાડતો હતો. સુરતીના મનમાં હિંદુ  કે મુસ્લીમઈશ્વરના કોઈ પણ નામ પ્રત્યે એક નફરતની લાગણી ઊછળી આવી, છતાં એણે પડીકું ખોલ્યું. પેલાએ ચાદર નીચેથી હાથ લંબાવ્યા. હોઠ ખૂલ્યા અને કોળિયો મોંમાં મુકાયો.
“દરરોજ સુબહા ક્લિનિક જાતે વક્ત તુઝે ખાના દેતા જાઉંગા” સુરતી બોલ્યો ખરો, પણ મનમાં એક અપરાધભાવની લાગણી ઊછળી આવી. ઈશ્વરની યોજના આને તાત્કાલિક મોત આપીને આ  રિબામણીમાંથી છોડાવવાની હશે અને હું એને આ શાલ અને આ ખાવાનું અને જિંદગીના એના દિવસો... યાતનાના એના દિવસો લંબાવી રહ્યો છું. ઈશ્વરની યોજનામાં દખલ !.
ફરી એના મનમાં સોનીની દલીલ ચમકી ગઈ. એ સાચો હતો. હતો ?
ચોથા દિવસે સુરતી ચોથી વાર એની પાસે ખાવાનું લઈને ગયો. ત્યારે કદાચ હાથ સુધી પેલાનો રોગ ફેલાઈ ગયો હતો. એના મનમાં સોનીની દલીલના શબ્દો પડઘાઈ રહ્યા હતા. એ પાછો વળવા જતો હતો, પણ કોણ જાણે શું થયું, ન જઈ શક્યો. એના હાથ પડીકું ખોલવા લાગ્યા અને એણે કોળિયો લઈને પેલાના મોંમાં મૂક્યો. સોની વકિલની  સચોટ અને લૉજિકલ દલિલ મનમાં એક તરફ તરફડતી પડી રહી. એકાએક બાજુમાંથી તાળીઓ પડવાનો અવાજ આવ્યો. તે જ દિવસવાળો પેલો લઘરવઘર મુસ્લિમ છોકરો હતો. “યા અલ્લાહ... યા અલ્લાહ..”. કહીને તાળીઓ પાડતો હતો.
સુરતીના મગજમાં જ ઝાંઝ ચડી ગઈ. આંખોમાં ગુસ્સો ઊભરાઈ આવ્યો. એકદમ એનાથી બોલાઈ જવાયું.”અરે, તેરે  ખુદાકો તો ક્યા કહું ?”  એના મનમાં એકદમ ઉકળાટ છવાઇ ગયો. જાણે કે વકિલ સોની ઓતારમાં આવી ગયો. બોલી જ દીધું :”બડા દયાલુ કહેલાતા હૈ તો ઈસ કો ઐસા દુઃખ દિયા હી ક્યું ?”
છોકરો એકદમ તાળીઓ પાડતો બંધ થઈ ગયો. એની પાસે આવ્યો અને આંખોમાં આંખો નાખીને બોલ્યો: “તુમ એસા અચ્છા કામ કરતે હો, ખુદા કા કામ કરતે હો , ઔર ખુદા કો હી ગાલી દેતે હો ? અલ્લાહ કો ગલત મત સમઝો. વહ કિસી કો દર્દ દેતા હૈ તો કિસી ઔર દિલવાલે કે દિલ મેં દર્દવાલે કે લિયે દર્દ ભી તો પૈદા કરતા હૈ. જીસ ખુદાને ઉસ કો દુઃખ દિયા, ક્યા ઉસી ખુદાને તુઝે નહીં ભેજા ?”
સુરતીના મનમાં એક આંચકો લાગવા જેવું થયું. એ ઊભો થઈ ગયો.
        પાંચમે દિવસે  સોની સાથે ફરીવાર ગાડીમાં બેસીને  ડાક્ટર એ તરફથી નીકળ્યા. સોનીને એણે કહ્યું :”વકીલ, તારી પેલી સાંયોગિક પુરાવાવાળી દલીલ મારા મનમાં તે દિવસે બરાબર જચી ગઈ હતી. હો !”
        “ધેટ્સ ગૂડ” વકીલ બોલ્યો :
        “પણ પૂરું સાંભળ, મહામૂર્ખ !” સુરતી પહેલી જ વાર ગાળ બોલ્યો: “તારી દલીલ જચી હતી, પણ પચી નહોતી સમજ્યો ?”
        “મતલબ ?” સોનીએ પૂછ્યું.

“મતલબ યે કી....” સુરતી બોલ્યો :” ખુદા ખુદા કા કામ કરે ઔર હમ હમારા ! બસ !” 


(ઝબકાર, 'નવગુજરાત સમય'માં પ્રકાશિત, ૨૪-૮-૨૦૧૪) 

7 comments:

  1. આજની વાર્તા ખલીલ જિબ્રાનના રૂપક અને મુંબઈના ડોક્ટર ગાંધીના જીવનનો પ્રસંગ હોય તેવી લાગી. એકદમ હૃદયમાં ભીડાઈ ગઈ. આભાર.

    ReplyDelete
  2. Ekdum touchy !!!

    ReplyDelete
  3. કુદરતના સરવળા બાદબાકીનાં સમીકરણોની બંને બાજૂ હંમેશા બરાબર જ રહેતી હોય છે. માત્ર આપણે તેમાની એક ચલ સંખ્યાનાં સ્વરૂપે વર્તતાં હોઇએ છીએ એટલે કોઇ પણ ફેરફારની આખાં સમીકરણ પર શું અસર થાય છે તે આપણી સમજમાં બેસતું નથી.
    અને તેથી સમીકરણમાં સતત ફેરફાર કરતાં રહીને આપણે કુદરતી વ્યવસ્થાને ડોળંડોળ પણ કરીએ છીએ અને પાછાં જાતે દુઃખી પણ થતાં રહીએ છીએ.

    ReplyDelete
  4. Touchable Story. Keep writing, Rajnikaka.

    ReplyDelete
  5. Read. Touched.
    I also make the same argument which the doctor made (though I am a lawyer) ! Happy that my argument is now supported by your story.

    ReplyDelete
  6. Nice indeed---do keep it coming,
    Rajnikumarbhai!

    ReplyDelete