એક કંપતો, દબાયેલો
અને કંઇક દબાયેલો સ્ત્રી-સ્વર પૂછે છે: “આપ એ જ ?”
કેમ સવાલ અધૂરો
લાગ્યો ? ના, અધૂરો તો આપણને લાગ્યો. સાંભળનારને તો પૂરેપૂરો પહોંચ્યો. ભલે એના
ચહેરા પર આગથી ચકામા પડી ગયા હતા, નેણ અર્ધાં બળી ગયાં હતાં અને ગળે પાટો બાંધ્યો
હતો. પણ દિમાગ સાબૂત હતું. જબાનને પણ વાંધો નહોતો આવ્યો, આંખોનો જ્યોતિ આ હવાઇ અકસ્માતમાં
પણ અખંડ રહ્યો હતો. એમણે કહ્યું: "હા,બહેન હું એ જ. એ જ ત્રિપાઠી. કમભાગી ગણો કે સદભાગી,પણ હું એ જ. “
સ્ત્રીની
આંખો ભીની થઇ ગઇ. બોલી : "સદભાગી જ વળી. એકસો ને વીસ પેસેન્જરમાંથી
એકસો એકવીસ કમભાગી.”
“હા, મારા ઉપરાંત બીજા એક અગરવાલજી પણ
બચી ગયા છે.” ત્રિપાઠીએ કહ્યું:”તમે તેમની પાસે જઇ આવ્યાં?”
“એમની પાસે જઇને શું કરું ?” સ્ત્રી બોલી : "એ કંઇ કહી શકે એમ નથી. મુંબઇ એરપૉર્ટથી
એરક્રાફટ બૉર્ડીંગ કર્યું ત્યાં સુધીનું જ અને ત્યાર પછી છેક અમદાવાદમાં
બેભાનીમાંથી બહાર આવ્યા ત્યાર પછીનું જ એમને યાદ છે. પ્લેન ક્રેશ થયાની કોઇ વાત એમને યાદ નથી. ”
“ખરી વાત છે,” ત્રિપાઠી બોલ્યા, "એને એમ્નેશિયા કહેવાય. જે હકિકતો એમની
માનસિક સ્વસ્થતાને હચમચાવી નાખે તેવી છે તેને કુદરતે એમના મેમરી કાર્ડમાંથી હટાવી
દીધી છે,નહિંતર ...”
સ્ત્રીએ
નજરમાં સવાલ પેદા કર્યો એટલે ત્રિપાઠીએ જવાબ દેવો જ પડ્યો: ”નહિંતર એ ક્રેશમાં એમણે પોતાની પત્ની
શોભાદેવીને અને અગીયાર માસની દીકરી રૂહીને ગુમાવી છે,એ હકિકતે એમને પાગલ કરી દીધા
હોત.”
” તો શું એ હજુ જાણતા નથી કે એમનાં વાઇફ
અને ડૉટર હવે આ દુનિયામાં નથી ?
”ના,એવું નથી બહેન, લોકોએ એમને એ તો
કહ્યું જ હોય અને એ એમણે સ્વિકારી પણ લીધું હોય પણ એમને એટલી બે લીટીની જાણકારી
આપનારા લોકો પણ જાણતા ના હોય એવી બીજી ઘણી વાતો હોય છે. જે સાંભળી ના શકાય તેવી
હોય. કહેનારાઓએ જોયું નથી હોતું એ સારું છે. અને જેણે જોયું છે એ ખુદ અગરવાલજીના
મગજમાંથી કુદરતે એ ભૂંસી નાખ્યું છે.એ પણ સારું છે.”
થોડીવાર
મૌન છવાઇ રહ્યું, ત્રિપાઠીને જાણવું હતું કે આ બાનુ મારી પાસે શા માટે આવ્યાં છે
?એમને શું જાણવું છે?
“તમારે મને કંઇ પૂછવું હતું ? તમારા કોઇ
સ્વજન એમાં હતા ?”
આ
સવાલ પૂછ્યા પછી ત્રિપાઠીને થયું કે એ સવાલનો જવાબ તો બહેનના સફેદ સાડલા, ઉજ્જડ
સેંથો અને અડવા હાથ પરથી જ મળી જવો જોઇતો હતો. પૂછવું જોઇતું નહોતું.
સ્ત્રીએ
હોઠ બીડી દીધા. કદાચ અઘરું એવું કંઇ બોલવાની તેયારીમાં એમ કર્યું હશે ! પણ ના,
અંદરથી ઉમટી આવેલી પીડાના પૂરે કદાચ એનો સ્વર રૂંધી દીધો હતો,
“લોકો ઘણી ઘણી આશાઓ લઇને મારી પાસે આવે
છે,” ત્રિપાઠીએ એને એ મનોદશામાંથી બહાર કાઢવા
ખાતર કહ્યુ:”કારણ કે પ્લેનમાં જેટલા પેસેન્જરોએ
બૉર્ડ કર્યું હતું એ બધાના અવશેષો નથી મળ્યા. હું સમજું છું કે એ બધા ભસ્મિભૂત થઇ
ગયા છે અને એમના સ્વજનો માને છે કે એ જીવિત છે અને કોઇને કોઇ અજ્ઞાત સ્થળે બેભાન
અવસ્થામાં પડ્યા છે. જે એરહૉસ્ટેસ પ્રતિભા મારી નજર સામે જ આગનો ગોળો બની ગઇ તેના
સ્વજનોને કોઇ જ્યોતિષીએ કાચના ગોળામાં જોઇને કહ્યું કે એ જીવિત છે અને અમદાવાદની
પશ્ચિમ દિશામાં આવેલા હનુમાનજી કોઇ મંદિરમાં એક બાવાજીને ત્યાં બેભાન અવસ્થામાં
પડી છે. એ લોકો છેક બેંગલોરથી અહિં દોડી આવ્યા. વિજયા બેંકના એક કર્ણાટકી મેનેજરને
મળ્યા,એમણે એક ગુજરાતી ઑફિસરને તેમની સાથે ગુજરાતી ભાષામાં છાપેલી પ્રતિભાના
ફોટાવાળી અપિલનો થોકડો આપીને મોકલ્યા. ચાર ચાર દિવસ સુધી એ લોકો એ દિશાના ખૂણે
ખાંચરે ફરી વળ્યા, પણ પ્રતિભા આ દુનિયામાં હોય તો મળેને ?” ત્રિપાઠીએ આટલું બોલ્યા પછી બહેન સામે
સીધી આંખ માંડી. કહ્યું :”
એવી કોઇ અપેક્ષા હોય
તો મારી બહેન.” સ્વરમાં સંવેદન ઘોળીને એમણે વાક્ય
પૂરું કર્યું: "તો એ વ્યર્થ છે”
સ્ત્રીએ
રૂમાલથી આંખો લૂછી, જરા સ્વસ્થ થઇ. "મારી એવી કોઇ અપેક્ષા નથી. મને પણ
એમનું ડેડ બૉડી મળ્યું નથી.”
”શું નામ હતું એમનું ?”
“રાગીલ ધોળકીયા”
”ઓહ!” ત્રિપાઠીથી ઉદગાર થઇ ગયો.: " એ તો મારી બાજુમાં જ હતા. અને છેલ્લે
છેલ્લે ચા પણ સાથે જ પીધેલી. અને એક ભયાનક
ધડાકા પછી મેં એમને મારી નજર સામે જ ....”
ના
બોલી શકાયું આગળ. ગળા નીચે ઘૂંટ ઉતારીને ત્રિપાઠીએ વાતને વાળી લીધી “ તમને હું કહેતો હતો ને બહેન, કે અમુક વાત
ન સાંભળવી જ સારી,. તે આ..”
“મારે સાંભળવી છે.” સ્ત્રી મક્કમ અવાજે બોલી: "મેં વગર સાંભળ્યે સાંભળી લીધી અને મારા
મનના સાતમા પાતાળ સુધી ઉતારી લીધી. પણ મારે જે તમારી પાસેથી જે જાણવું છે તે બીજું
જ કાંઇક છે."
ત્રિપાઠી
એની સામે તાકી રહ્યા.
“કે એમને બળતા બહુ વાર તો નહોતી લાગી ને
?” એ છલોછલ ભીના અવાજે બોલતી હતી. “આ પૂછવાનું કારણ એટલું જ કે નાનપણથી જ્
એમને અગ્નિનો બહુ ડર રહેતો, દિવાળીના દિવસોમાં દીવા કરવાની કે ફટાકડા ફોડવાની પણ
અમારા ઘરમાં મનાઇ રહેતી, એટલે
એટલે ,,,.."
ત્રિપાઠીએ
આંખો બંધ કરી દીધી.
(શિર્ષક: શાયર મહેન્દ્ર “સમીર”ની
એક પંક્તિ, થોડા ફેરફાર સાથે)
('નવગુજરાત સમય'માં પ્રકાશિત 'ઝબકાર', તા: ૯-૦૩-૨૦૧૪)
Very heart touching!
ReplyDeleteરજનીભાઇ, ખૂબ ખૂબ અભિનંદન. તમારો ‘ઝબકાર’ તો આમેય ગમે જ છે. હવેથી નવગુજરાતમાં નિયમિત વાંચીશ. મારે ત્યાં હવે આવશે... આમાં નવા જ પાત્રો અને લેખો હશે
ReplyDelete