(ગઈ વખતે જોયું કે મારી સલમા સિદ્દીકી સાથેની મુલાકાત દરમ્યાન ખબર પડી કે એ એમનાં મિસ્ટ્રેસ કે ગેરકાયદે 'મૈત્રિણી' નહોતાં, કાયદેસરનાં પત્ની હતાં. પણ કૃષ્ણ ચંદ્ર જેવા, એક પત્ની હયાત હોય એવા કાશ્મીરી બ્રાહ્મણ પંડિતને એમનાથી અગિયાર વર્ષ નાની એવી એક કુંવારી મુસલમાન છોકરી સાથે પરણવા માટે કેટલી બધી વિટંબણાઓમાંથી અને કાયદેસરતાઓમાંથી પસાર થવું પડ્યું હતું!)
.... પણ એની વાત કરીએ તે પહેલાં -
“પોતાના મરવાની થોડી
વાર પહેલાં મારી બાળકીએ એનો પ્રિય ઘૂઘરો મને આપ્યો. જુઓ, મારી મુઠ્ઠીમાં હજુ પણ
મોજુદ છે. એણે એની આ અસ્કયામત મારે હવાલે કરી દીધી – નહીં, એણે મને એ ભેટ આપ્યો. નિર્દોષભાવે
! એના આવા નાના સરખા દાનથી હું માલામાલ થઈ ગયો છું – ઘૂઘરો મને સોંપીને એ પણ મારા
ખોળામાં મરી ગઈ. એ ઘૂઘરો લાકડાનો બનેલો છે. મને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ છે કે જો એ ક્લિયોપૅટ્રા
હોત તો મને એનો પ્રેમ આપત. જો રાણી વિક્ટોરિયા હોય તો મને એનો પ્રેમ આપત. જો એ
મુમતાજમહલ હોત તો તાજમહાલ મારે હવાલે કરી દીધો હોત. પણ એ તો મારા જેવા ગરીબ બાપની
કંગાળ દીકરી હતી... એની પાસે ફક્ત ઘૂઘરો જ હતો –તમારામાંથી કોણ એવો ઝવેરી છે, જે આ
લાકડાનાઘૂઘરાંનું મૂલ્યાંકન કરી શકે ? બાકી મારી પત્ની કહે છે,એ સાચું છે કે સ્ત્રી કુદરતનો એક ચમત્કાર
છે, તો એ ચમત્કાર અન્નના એક દાણામાંથી થાય છે, ને એ ન મળતાં વિલીન થઈ જાય છે.”
કૃષ્ણચંદ્રની 'અન્નદાતા' વાર્તાનાં આ વાક્યો વાંચતામાં તો એક જમાનામાં
સલમા સિદ્દીકી નામની માંડ કૉલેજમાં જતી થયેલી અલીગઢની મુસ્લિમ કન્યા રડી ઊઠી હતી.
શુદ્ધ વાર્તાકલાના માપદંડને ઘડીભર બાજુએ મૂકી દઈએ, તો પણ ‘અન્નદાતા' વાર્તા આખા વિશ્વના સંવેદનશીલ વાચકોને
રડાવીને વિચારતા કરી દેવામાં કામયાબ નીવડી હતી. કૃષ્ણચંદ્ર અનેક વાર
વાર્તાની શિસ્તને અવગણીને સીધા ધારદાર તીર જેવાં વાક્યો લખી દેતા હતા, પણ વાચકોને એ
તીરની પીડા એટલી બધી ગમતી કે કૃષ્ણચંદ્રની વાર્તાઓમાં જ આવતાં કાશ્મીરના નૈસર્ગિક
સૌંદર્ય, ચાંદની, ઝરણાં અને પહાડોનાં વર્ણનને પણ તેઓ પછી વાંચતા. સલમા એવાં મુગ્ધ
વાચકોમાંના એક હતાં.
કૃષ્ણ ચંદર અને સલમા સિદ્દીકી |
“હું તો અલીગઢની છોકરી,” એમણે મને કહ્યું : “પણ મારા ઘરમાં સાહિત્યનું વાતાવરણ રહેતું.
મજરૂહ સુલતાનપુરી અમારે ત્યાં આવતા અને શાયરીની રંગત જામતી. અને ઝાકિર હુસેન સાહેબ (પાછળથી
રાષ્ટ્રપતિ થયા તે) કે મજાઝ લખનવી જેવા મારા પિતાના મિત્રો હતા. એમણે જ મને પંડિત
નહેરુની આત્મકથાનો અનુવાદ વાંચવા માટે આપ્યો હતો. પણ મારી વય પ્રમાણે હું
હિજાઝ ઈમ્તિયાઝઅલી નામના સામાન્ય લેખક (ગુલશન નંદાની કક્ષાના)નાં પુસ્તકો પાછળ પાગલ
હતી. આમ છતાં હું વાંચ્યે રાખતી તો ખરી જ.”
આ પછી પોતે લેખિકા ઈસ્મત ચુગતાઈ અને સફીયા અખ્તરના પરિચયમાં કેવી રીતે આવ્યાં
તેની વાત સલમાજીએ મને કરી. સફીયા અખ્તર લેખિકા હતાં અને શાયર જાંનિસ્તાર અખ્તરનાં
પત્ની હતાં. એ બન્ને સલમાજીનાં ટીચર્સ પણ હતાં.
પણ કૃષ્ણચંદ્રનો પરિચય કેવી રીતે ? ક્યાં ? કોના
દ્વારા ? વાસ્તવમાં એમનો કલમ-પરિચય એમના મોટા ભાઈ ઈકબાલ રશીદે કરાવ્યો હતો. એમણે
બહેનનું સાવ ઉટપટાંગ વાચન જોઈને કહ્યું હતું કે “શું ગમે તે કચરાપટ્ટી વાંચ્યા કરે છે ? લે આ વાંચ.”
એ વાર્તા તે “અન્નદાતા” વાર્તા હતી. બંગાળના ભીષણ દુષ્કાળની પશ્વાદભૂમાં લખાયેલી એ વાર્તા વાંચવાની
સાથે જ સલમાજી કૃષ્ણચંદ્રના પ્રેમમાં પડી ગયાં. પછી એમનું જે કાંઈ મળ્યું તે બધું જ
એમણે વાંચી નાંખ્યું અને પોતાના પ્રિય લેખકને મળવા બેચેન થઈ ગયાં. રાતદિવસ એમની જ
રટણા થઈ ગઈ. અને એક વાર તો મુલાકાત પણ થઈ ગઈ. પ્રો. યાસીન “મસ્તાના” નામના એક અલીગઢી પત્રકાર લેખકે
સલમાજીને કૃષ્ણચંદ્રનો પરિચય પોતાને ત્યાં જ કરાવ્યો. કૃષ્ણચંદ્રની વહેલી સવારની
નિદ્રામાં ખલેલ પાડીને પણ પ્રો. યાસીન “મસ્તાના”એ આ છોકરીનો વાચક તરીકે પરિચય કરાવ્યો, તેથી કૃષ્ણચંદ્ર બહુ ગરમ પણ થઈ ગયા હતા. સલમાજી એ પળને યાદ કરીને
બોલ્યાં : “કૃષ્ણજી બહુ ઝડપથી બોલતા અને બોલતી વખતે શબ્દો ભેળસેળ થઈ જતા હતા. તેથી શું
બોલ્યા તે સમજાયું નહીં, પણ મને એમણે ‘લડકી’ને બદલે ‘ઔરત’ કહ્યું તેનું મને બહુ
લાગી આવ્યું હતું. ઊંઘમાંથી જગાડવા માટે એમણે મારી અને એમના દોસ્તની ધૂળ કાઢી નાખી.
આ મુલાકાત એ રીતે સાવ અપ્રિયકર રહી.”
પણ બીજી મુલાકાત શાયર મજાઝ લખનવીએ એક મુશાયરાની સાંજે અગાસીમાં કરાવી ત્યારે
કૃષ્ણજી બહુ નરમાશથી પેશ આવ્યા. બહુ સ્પષ્ટ, ઘેરા અવાજમાં વાત કરતા હતા. એક વાક્ય
સલમાજીને બહુ યાદ રહી ગયું. એ બોલ્યા હતા : “લડકિયોં કો અભી પઢને મેં હી પૂરા ધ્યાન
દેના ચાહિએ.” વિદ્યાભ્યાસની વાત કરતાં એમણે બિલકુલ સાહજિક રીતે જ સલમાને“લડકી” કહી દીધું હતું. “ઔરત’ શબ્દથી આરોપિત થતી મોટી ઉંમર એનાથી જાણે કે
ઘટી ગઈ. પછી કૃષ્ણજીએ એમને પૂછ્યું હતું : “આપ ક્યા પઢતી હો ?” એમનો મતલબ “ક્યા ધોરણમાં ભણો છો?” એવો હતો. પણ સલમાજીએ તડાક દઈને કહી દીધું : “મૈં પઢતી હું કૃષ્ણ ચંદર કો, ઔર વો હી મેરા ઈમ્તહાન
લે રહે હૈ અભી.”
આ ચબરાકિયા જવાબથી કૃષ્ણચંદ્ર ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા : “તબ તો આપ કામયાબ હો ગઈ હી સમઝો ક્યોંકિ...” એ ધીરે રહીને વ્હિસ્કીની ચુસ્કી લઈને બોલ્યા : “બદસૂરત લડકિયાં હમેશા મેરી કમજોરી રહી હૈં.”
આવું વિશેષણ – ટોણો સાંભળીને સલમાજીની આંખમાં આંસુ આવી ગયાં. તો કૃષ્ણચંદ્ર
બોલ્યા : “ઔર બદસૂરતી કી આંખો કે આંસુ તો બદસૂરતી કો મેરે લિયે ઔર ભી જાનલેવા(જીવલેણ)
બના દેતે હૈં.”
આવા સંવાદો છતાં પણ સલમા કૃષ્ણચંદ્રના પ્રેમમાંપડ્યાં, તે એવાં પડ્યાં કે
કૃષ્ણચંદ્ર જેવા કાશ્મીરી બ્રાહ્મણપંડિતે, માથું ખાતી એક પત્ની હયાત હોવા છતાં
પોતાનાથી અગિયાર વરસ નાની એવી આ મુસ્લિમ કન્યા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.
**** **** ****
લગ્ન સાવ ખાનગીમાં નૈનીતાલમાં પેલા મિત્ર યાસીન“મસ્તાના”ના એક સંબંધીના બંગલામાં જ કરવાનું નક્કી કર્યું
હતું. પણ કૃષ્ણચંદ્રનું કશું ખાનગી રહેતું જ નહીં. મિત્રોમાં તો જાહેર થઈ ગયું. ને
પછી સગાવહાલામાં પણ. “હિંદુ-મુસ્લિમ રમખાણો ફાટી નીકળશે” એવી ધમકીના જવાબમાં કૃષ્ણચંદ્ર કહેતા કે એવાં
રમખાણો તો અમારાં લગ્ન પહેલાં પણ થયાં છે, ને લગ્ન પછી પણ થતાં રહેશે. ને જરા
વિચારો કે આ તો કોમી એકતાને મજબૂત કરનારી વાત છે. રમખાણો તો આનાથી શાંત થઈ જવાં
જોઈએ. કોઈ કહેતું કે “સગાંવહાલાં આપઘાત કરશે.” આવી ધમકી સલમાજીને બહુ મળતી, ત્યારે કૃષ્ણચંદ્ર કહેતા કે “જગતના ઈતિહાસમાં કદી કોઈ સગાવહાલાએ આપઘાત કર્યો
નથી. એ કામ (આપઘાત) તો માત્ર પ્રેમીઓ જ કરે છે.”
છેવટે સલમાજીએ એક ન છાજે તેવી ઓફર કરી, “આપણે લગ્ન વગર સાથે રહીએ. લગ્નના સિક્કાની શી
જરૂર છે ? માત્ર પ્રેમીઓ તરીકે ન જીવી શકીએ ?”
તો કૃષ્ણચંદ્ર બોલ્યા : “લગ્નબંધનમાં મને નહીં બાંધે તો હું ઊડી જઈશ.” “પણ,”સલમાજી બોલ્યાં : “મારું કુટુંબ ચુસ્ત મુસ્લિમ છે. મારી અમ્મા તો
ખાસ, એ તો માત્ર ‘નિકાહ’ને જ ગણે છે, ‘લગ્ન’ને નહીં.”
“તો આપણે નિકાહ કરીશું.”કૃષ્ણચંદ્ર બોલ્યા.
“તમે તો હિંદુ છો.” સલમાજી બોલ્યાં : “નિકાહ કેવી રીતે કરશો ?”
“કરીશું. નિકાહ તો જન્મ અને મરણની જેમ સૌ કોઈને
લાગુ પડે છે.”
લગ્ન વગર સાથે રહેવાની દરખાસ્ત સલામાજીએ એટલા માટે કરી હતી કે
સલમાનાં અમ્માને છોકરીનાં લગ્ન હિંદુ સાથે થાય એ મંજૂર નહોતું. પણ સાથે રહે એમાં
વાંધો નહોતો. કારણ કે જ્યારે સલમાજીએ પોતાના આ પરિણીત પ્રેમીનો ફોટો
અમ્માને બતાવ્યો ત્યારે અમ્માએ ફોટાનું નિરીક્ષણ કર્યુ હતું અને કહ્યું હતું : “વાંધો નથી. મુસલમાન જેવો લાગે છે તો ખરો.” આમ “લાગતો હતો" માટે સાથે રહેવા દેવામાં તેમને વાંધો નહોતો, પણ
હકીકતમાં મુસ્લિમ નહોતો એટલે લગ્ન સામે વાંધો હતો ! આ વૈચિત્ર્યની વાત
સલમાજીએ કૃષ્ણચંદ્રને કહી ત્યારે એ બોલ્યા : “આપ કી અમ્માં કી સમઝદારી કી મૈં કદ્ર કરતા હું.
વો ચાહતી હૈં કિ સાંપ મરે, લેકિન લાઠી ન ટૂટે. મગર સલમા, હમ તો સાંપ કો બચાકે લાઠી
તોડનેવાલે મેં સે એક હૈં, વો ઉન કો ક્યા માલૂમ ?”
કૃષ્ણ ચંદ્ર- સલમા સિદ્દીકી |
આખરે
નૈનીતાલમાં એ દિવસ આવી પહોંચ્યો. પ્રો. યાસીન અને એમના મિત્રો રામપુરથી એક મૌલવીને
બોલાવી લાવ્યા હતા. કારણ કે લગ્ન નહિ, પણ “નિકાહ” કરવાના હતા. સાથે ત્રણ સાક્ષીઓ પણ હતા. બપોરની
નમાઝ પછી એ રસ્મ અદા કરવાની હતી.
રસ્મ પહેલાં મૌલવીએ પૂછ્યું : “જનાબ, આપ કા નામ ?”
તરત જ કૃસ્ણજીએ જવાબ આપ્યો : “કૃષ્ણચંદ્ર એમ.એ.” મૌલવીસાહેબને આગલી વાતની કંઈ ખબર નહોતી. એમને
એકદમ આંચકો જ લાગ્યો. પૂછ્યું : “જી ? ક્યા ફરમાયા આપ ને ? કરીમચાંદ યા કુછ ઐસા ?”
“યે દોનોં એક હી હોતા હૈ, મૌલવીસાહબ.”કૃષ્ણચંદ્ર બોલ્યા.
“હોતે હોંગે”મૌલવીએ સફેદ દાઢી પર હાથ પસવારીને કહ્યું : “મગર જન્નત મેં. બાકી ઈસ દુનિયા મેં તો દોનોં અલગ
અલગ હૈં.”
“તો ક્યોં ન હમ જન્નત કો હી જમીં પર ઉતાર દેં !”કૃષ્ણચંદ્રે હસીને ઉતાવળી જબાનમાં કહ્યું : “યહ તો સબ સે આસાન તરીકા હુઆ જન્નત કો પાને કા.”
“મગર આપ કા નામ...”
“મેરે નામ મેં ક્યા હૈ ? બડા પ્યારા નામ હૈ !
અલ્લાહ કા હી નામ તો હૈ.”
પણ મૌલવી દલીલ કરવા રાજી નહોતા. એમણે કૃષ્ણચંદ્રની વાતને જુદી રીતે લીધી : “અચ્છા, તો આપ ઈસ્લામ કો હી આપ કા મઝહબ બનાના ચાહતે
હો. બડે નેક ખયાલ હૈં ! આપ કો મુબારક.! ”
“શુક્રિયા.”કૃષ્ણચંદ્ર બોલ્યા : “આખિર કિસી ને તો મુઝે ઈસ દુનિયા મેં નેક ખયાલોંવાલા કહા!
મેરે લિયે યે લૉટરીસે ભી બઢકર હૈ.”
પછી સલમા તરફ જોઈને બોલ્યા : “બીવી, મૌલવિયોં ઔર ધર્મગુરુઓં કે મતલબ હમેશા સાફ
હોતે હૈં. યે લોગ મેરા મઝહબ બદલના ચાહતે હૈં. ઠીક હૈ. મે બદલ દેતા હું. આપ ભી યહ
નેક નિકાહ કર હી ડાલો. મેરે જૈસે અનાડી કો શૌહર બના હી ડાલો. એક હજ કા સવાબ
(પુણ્ય) હાસિલ હોગા.”
સલમાજી આ બધું જોઈને એટલાં બધાં વ્યથિત થઈ ગયાં
કે બીજા રૂમમાં જઈને છૂટે મોંએ રડી પડ્યાં. એક સ્ત્રી અને એક પુરુષ લગ્ન કરવા ચાહે
એમાં આટલી બધી રુકાવટ ? એમાં પણ પાપપુણ્ય ? એમાં પણ ધર્મની દખલઅંદાજી ?
થોડી
વારે પ્રો. યાસીન એમની પાસે આવ્યા. બોલ્યા : “તમે જલદી ચાલો. નિકાહની રસ્મ અધૂરી છે. દુલ્હા વકાર
મલિક આપની રાહ જુએ છે.”
“કોણ વકાર મલિક ?”સલમાજીએ પૂછ્યું : “એ કયો માણસ છે ?”
“એ જ,”મસ્તાના બોલ્યા : “શબ્દોના જાદુગરે કર્યું છે. કૃષ્ણચંદ્ર હવે વકાર મલિક
બન્યા છે.”
સલમાજી બહાર આવ્યાં. નિકાહની રસ્મ પૂરી થઈ. કારણ કે
કૃષ્ણચંદ્રે નામ બદલીને વકાર મલિક કરી નાખ્યું હતું.
પાછળથી કૃષ્ણચંદ્રે એમની પાસે ખુલાસો
કર્યો જ, “બેગમ, હું જ્યારે પુંચમાં ભણતો
હતો ત્યારે વકાર અને મલિક નામના મારા બે ભાઈબંધો હતા. વકાર મુસ્લિમ હતો. પહેલી વાર
ગાલિબનો શેર મેં ત્યાં સાંભળ્યો હતો. ને ઈદની ખીર, શામી કબાબ અને બીરિયાનીનો સ્વાદ
પણ ત્યાં જ ચાખ્યો હતો. જ્યારે મલિક હિંદુ હતો. તેને ઘેર ટાગોરનાં ગીતો સાંભળ્યાં
હતાં અને લાપસી ખાધી હતી.જ્યારે મલિક એવી અટકવાળો હિંદુ છોકરો હતો. પણ તમારા
મૌલવીને મલિક નામ પણ મુસ્લિમ જેવું લાગે, એટલે એ બે દોસ્તોની યાદમાં મેં મારું
ઈસ્લામી નામ રાખ્યું વકાર મલિક. આમ એ નામ શંકરહુસેન જેવું કહેવાય. પણ મૌલવીઓ અને ધર્મગુરુઓને
એટલી છેતરપિંડી મંજૂર હોય છે.”
**** **** ****
સલમા સિદ્દીકી તાજેતરમાં |
સલમા સિદ્દીકી સાથેની મારી આ મુલાકાત પછી થોડા જ
સમયમાં (માર્ચ ૧૯૭૭માં) કૃષ્ણચંદ્રનું અવસાન થયું. એમને રૂબરૂ કદી ન મળી શકવાનો
અફસોસ મને હંમેશાંને માટે રહી ગયો.
પણ એ અંગત અફસોસમાંથી પણ એક મોટો અફસોસ એ સાંભળીને થયો કે એ ગુજરી ગયા
ત્યારે એમને અગ્નિદાહ આપવો કે દફન કરવા એ વિષે એમના મૃતદેહ પાસે ભારે ઝઘડો થયો
હતો.
અલબત્ત, પછી ખરેખર શું થયું તેની ખબર નથી. (સંપૂર્ણ)
(આમાં સામેલ કરેલી કેટલીક પૂરક માહિતી “સારિકા” ના એક અંકમાંથી પ્રાપ્ત થઇ છે,-રજનીકુમાર )
સલમા સિદ્દીકી |
વિશેષ માહિતી:
- ઈન્ટરનેટ પર તપાસ કરતાં સલમા સિદ્દીકી તેમજ તેમના પુત્રનો આશરે ૪૦ મિનીટનો દીર્ઘ વિડીયો ઈન્ટરવ્યૂ મળી આવ્યો છે, જેમાં તેઓ બન્ને કૃષ્ણ ચંદર વિષે વિગતે વાત કરે છે. આ રહી તેની લીન્ક: http://www.ovguide.com/
krishan-chander- 9202a8c04000641f800000000095b0 de
- મુંબઈ રહેતા ફિલ્મ સંશોધક અને સાહિત્યપ્રેમી મિત્ર શિશિરકૃષ્ણ શર્માએ તાજેતરમાં જ સલમા સિદ્દીકીની મુલાકાત લઈને એક વિસ્તૃત લેખ તૈયાર કર્યો હતો, જે ૧૨ જાન્યુઆરી, ૨૦૧૪ના 'નેશનલ દુનિયા'માં પ્રકાશિત થયો હતો. આ લેખ અહીં અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે. તેની ઈમેજ પણ અહીં મૂકી છે, જેની પર ક્લીક કરવાથી તે એન્લાર્જ થશે.
(એક સ્પષ્ટતા:
સલમા સિદ્દીકી
અને કૃષ્ણ ચંદરના નિકાહની વાત મારા લેખમાં વાંચ્યા પછી શિશિરકૃષ્ણ શર્માનો લેખ
વાંચતાં ખ્યાલ આવે છે કે હકીકતમાં સલમા સિદ્દીકી પણ અગાઉ શાદીશુદા હતાં, અને
તેમનાં લગ્ન ખુર્શીદ આદિલ મન્સૂરી સાથે થયાં હતાં, જેમના થકી
તેમને એક પુત્ર રશીદ પણ હતો.
મારી મુલાકાત
સલમાજી સાથે થઈ ત્યારે મને આ બાબતની જાણ ન હતી. અને મને એવી છાપ પડી હતી કે સલમાજી
કુંવારાં હતાં.
અહીં જે લેખ
મૂક્યો છે એ મૂળ જૂનો લેખ જ છે, એટલે તેમાં એ જ
ઉલ્લેખ છે કે સલમાજી કુંવારાં હતાં. હકીકતમાં એમ ન હતું. આ બાબતે ધ્યાન દોરવા બદલ બહેન ખજિત પુરોહિતનો આભાર માનું છું.)
વાહ, રજનીકુમારભાઇ1 ક્યા બાત કહી!!! "આધા જલા ડાલો, આધા ગાડ દો!"માં મને આપની વાણીમાં કૃષ્ણચંદ્રના શબ્દો સંભળાયા. એક અનોખા લેખકની, તેમની પત્નિની તથા તેમના લેખનનો આસ્વાદ કરનાર એક લેખકે તેમના જીવન તથા લેખનનો રસાસ્વાદ કરાવ્યો તેનો આજે ઘણો આનંદ છે. આભાર, રજનીકુમારભાઇ!
ReplyDeleteआधा जला डालो आधा गाड दो... વાહ, અદભુત વાકય... સમાજ, નાત-જાત, રીત રિવાજ ના નામે માણસ પોતાની જાતને કેટલી પીડા આપે છે... આ સમાજ, સમાજ વ્યવસ્થા એક વ્યક્તિને પોતાની ઇચ્છા વિરુધ્ધ જીવન જીવવા મજબૂર કરે છે...આધા જલા ડાલો, આધા ગાડ દો, આ એક વાક્યએ આંખમાંથી ડોકિયા કરતાં આંસુને મુક્તમને વહાવી દીધા... અદભુત લેખ... સ્વ.કૃષ્ણચંદ્ર જે રીતે જીન્દીદિલીથી જીવન જીવી ગયા .... વાહ ખૂબ સુંદર લેખ... :)
ReplyDeleteGambling & Gaming Jobs in Rochester, NY | Mapyro
ReplyDelete› 2021/04/28 › Gambling-and-Gaming-jobs 양주 출장마사지 › 2021/04/28 › Gambling-and-Gaming-jobs Feb 28, 논산 출장마사지 2021 — 창원 출장안마 Feb 28, 2021 Gambling 성남 출장마사지 & Gaming jobs in Rochester, NY. 천안 출장샵