સગ્ગો દીકરો બાપનું કંઈ કામ કરતો નથી –વાઈફને
પણ ઘરકામમાં અડધોઅડધ હાથ દેવો પડે છે. રસ્તે ચાલતો માણસ વટેમાર્ગુને રસ્તો બતાવતો
નથી. ભાઈ જેવો ભાઈ બહેનનું કામ કરી આપવા માટે બિલ ચાર્જ કરે છે. મિત્ર-સંબંધી
મરકવા સિવાય કોઈ કામ મફત કરતા નથી. ઑફિસમાં વાણોતરો ચીંધ્યું કામ પાર પાડતા નથી.
કંડક્ટર કટકી સિવાય ટિકિટ ફાડતો નથી. કાળાબજાર સિવાય ફિલ્મ જોવાતી નથી. પ્રેમિકા
પ્રેમની કિંમત વસૂલ છે. બે સગ્ગા ભાઈ પચાસ ગ્રામ ગાંઠીયા અને અડધી ચા વરાડે પડતો
ખર્ચો ભોગવીને પીએ છે. નાના છોકરાંને પણ ભેંકડો તાણે ત્યારે જ દૂધ મળે છે. આજનો
લખોટીચોર બાળક આવતી કાલનો લાખોપતિ નાગરિક બને છે. પરચૂરણ મેળવવું હોય તો ભિખારીને
ભીખ દેવી પડે છે, નહીં તો તમે પાંચ રૂપિયાની ખારી શિંગ ખાઓ એ જોઇ જોઇને એ ટિપાયા
કરે. બોલો,આવું આવું બની જાય છે આ બારિક જમાનામાં ! ક્યાં પહોંચવું ? કોને કહેવું
? ક્યાં આડા હાથ દેવા ? કોને સમજાવવું ?
આ બધું તો નહીં, પણ આમાંથી અર્ધુ પોણું તો
મને લાગુ પડે જ છે. આવા વિચારો કરવામાં મને હરખ થતો નથી, પણ શું કરું ? જબરદસ્તીથી
મનમાં આવી જ જાય છે. એક આ હિંમતભાઈને જોઉં છું ત્યારે રૂપિયે પૈસાભાર ટાઢક વળે છે,
કે ના,ના, હજુ આવા માણસો દુનિયામાં છે કે, જે લોકો મૂળભૂત રીતે જ ભલમનસાઈવાળા છે.
એવા લોક છે ત્યાં સુધી આ કાળ જીવવાલાયક રહ્યો છે. જો કે, હિંમતભાઈને મેં હજુ આજ
સુધી કોઈ કામ ચીધ્યું નથી, પણ એ આવે અને બારણામાં દેખાય એટલે, એંજિનની
હેડલાઈટમાંથી જેમ પ્રકાશનો શેરડો ફેંકાય તેમ એમનામાંથી રાજીપાનો શેરડો ફેંકાતો
આવે. આમ, જુઓ તો માણસ શું ? એની હેસિયત શું ? ‘છગન મગન એન્ડ સન્સ’ નો એક નાનકડો વાણોતર જ.
હાથમાં જુનવાણી કાપડની મેલ ખાઉ થેલી લટકતી આવે. અંદર બેંકમાં ભરવાનાં નાણાંની સ્લીપબુક
હોય અને કાં પૈસા સાચવવા માટે પ્લાસ્ટિકની નાનકડી કોથળી હોય. પણ એમનું દિલ અને
વિવેક જુદા કિસમના. આવીને તરત જ ‘જેશીકૃષ્ણ’કરવા એટલે કરવા જ. એ અફર! હસવું અને ચહેરાને આનંદથી રંગી નાખવો.
મધ્યમ આંખો ઝીણી થઈ જાય એટલી હદે ખુશાલીની કરચલીઓ ચહેરે પાડવી.... અને પછી
વિનમ્રપણે પૂછવું –“કેમ સાહેબ, મઝામાં ?”
આપણે બીજું કંઈ બોલાય કાંઈ ?
કહીએ, “જલસો છે.”
“એમ ને !” હિંમતલાલ : “તો ઠીક તો ઠીક... બીજું
આપણે જોઈએ શું ?”“પછી વળી અટકીને પૂછે : “છે કાંઈ કામકાજ આપણા જેવું ?”
“ના..... રે” બોલતાં બોલતાં આપણા મનમાં પાંચસો ને પંચાવન કામ ઉખળી આવે.
ટોપ ટુ બોટમ કામ. જરૂરી એવા ચાર સોદાની ટપાલ લખવાની અત્યારે જ ટેબલના ખાનામાં પડી
છે. એ કોઈ આવીને ફટાફટ ડિસ્પોઝ ઑફ કરી આપે ? નકરી ગાંડી જ કલ્પના ! આળસુનો ઉન્માદ
! પણ ધારો કે કોઈ કરી આપે તો ? તો આપણે માનસિક રીતે ફ્રી ! સાંજના શૉમાં ફિલ્મ
જોવા પણ જઈ શકીએ.. પણ કોણ કરી આપે ? ઉપરથી ભગવાન ઊતરે તો છે. આ હિંમતલાલનું બિચારાનું
કામ નહીં. જો થતું હોય તો એ કરી આપવા તૈયાર, પણ એમની કેપેસીટી નહી.
“કંઈ કામ હોય તો જરૂર કહી
દેવું હોં !” એ બિચારો ફરી પૂછે છે. શું
કહી દેવું ? કામ તો આપણે હજારોના હજારો માથે ખડકેલા છે. આપણી આ દુકાનનું પાટિયું જ
નવું ચિતરાવવા નાખવું છે . આ વખતે નિયોનવાળું ઠઠ્ઠાડવું છે. પણ એ હિંમતલાલ કરી શકે
એવું કામ નહીં. કેવું બનાવવું, કેવું નહીં, એની એને બિચારાને શી ખબર પડે ? નહીં તો
દોડીને કરવાની એની તૈયારી છે.
“શું વિચારમાં પડી ગયા શેઠ ?
હોય તો મૂંઝાવું નહીં હોં ! કહી દેવું આપણા લાયક હોય એ.”
છે, છે, કામ છે. રૂપિયાની જરૂર છે. પચાસેક હજાર હોય તો થોડો માલ ભરી લઈએ સિઝનમાં.
પછી વેચ્યા કરીએ. સેલમાં. પણ પચાસ હજાર ક્યાં ?અરે, પચ્ચીસમાં ય રોડવી લઇએ–પણ
એટલાય ક્યાં?એનું હિંમતલાલને કહેવાય ? એ દરરોજ બેંકમાં જાય છે. બેંક મેનેજરને
ઓળખતા જ હશે ને ? પણ ના, ના, ના, ના. નાનકડી કંપનીનો નાનકડો વાણોતર એવા તો કંઈક બેંકમાં
આવતા હોય. મેનેજર એની સામે જોતો પણ ન હોય. એના કરતા તો આપણે જઈને ઊભા રહ્યા હોઈએ
તો હોંકારો મળે. પણ જાય કોણ ? માથે કેટલા કામ ગાજે છે ?
“કાં તબિયત સારી નથી ?”
“ના રે,” હું કહું : “આપણી તબિયતને પથરાય પડતા
નથી. આ તો જરા કામના ભારણને લઈને એવું લાગે.”
“કાંઈ કામ હોય તો આપણને કહી
દેવું. ફિકર ન કરવી....માણસ માણસને કામ નહીં આવે તો કોને આવશે ?”
બજારમાંથી દસ કિલો ખાંડ
આજે ઘેર લઈ જવાની છે. બજાર સાડા આઠે બંધ થઈ જાય. હું તો બે પાર્ટી અહીં સોદા માટે
આવવાની છે એટલે નવ પહેલાં નવરો થવાનો નથી. કેમનું કરશું ? હિંમતલાલને ખાંડ લઈ
આવીને અહીં મૂકી દેવા કહ્યું હોય તો ?”
“છે કાંઈ કામ ?”હિંમતલાલ હસીને પૂછે છે.
- કે તરત જ વિચાર આવે છે.
બિચારો હસીને પૂછે છે એનો ગેરલાભ લઈને એને આવા ખાંડ લઈ આવવા જેવા કામ ચિંધાય ? એ
ના ન પાડે. દોડીને કરે, પણ એથી કરીને એનો ગેરલાભ ન લેવાય. ચિંધાતા હોય એ ચિંધાય.
ને ન ચિંધવાના હોય એ તો ન જ ચિંધાય. ભલે રહી જાય.”
બજારમાંથી રીંગણા લાવવાના
છે. ન ચિંધાય.
દહીં લેતા જવાનું છે. ન
ચિંધાય.
છોકરાના એડમિશનનુંકોર્મ ? એ ચિંધાય. પણ ક્યાં સ્કૂલની ઑફિસ ? ક્યાં હિંમતલાલની
ઑફિસ. ક્યાં આપણી ઑફિસ ! બિચારાને કેટલી હાલાકી પડે ?
એક્ટિવા રિપેર કરાવવું છે. એને ચિંધાય ? ચિંધાય, પણ એને ન આવડે. શું કામ
કરાવવાનું છે ને શું નહીં, એને શું ખબર પડે ?
બજારમાંથી છોકરી માટે
ગાઈડ લેવાની છે. ચિંધાય ? ચિંધાય, પણ એ તો આપણે રસ્તામાં જ દુકાન આવે છે. ગાઈડો ય ઘણી જાતની
આવે છે. આપણને પસંદ પડે તે લઈ શકાય ને? એમાં હિંમતલાલ બિચારાને શું ટાંટિયાતોડ
કરાવવી ?
“જરૂર કહેવું હોં ,” એ બોલે, હસે, જાય, ફરી પાછળ નજર કરીને
કહે : “એમાં
શું ? કામ તો કરવું જ જોઈએ ને !”
દરરોજનો આ અફર ક્રમ છે. ક્યારેક
ચીંધીશું.
**** **** ****
બસ, આજ તો લગભગ આવેશ જેવી ભાવના થઈ આવી, કે આજે તો હિંમતલાલને કામ ચીંધવું જ.
જેની પાસેથી વરસવાની આશા નથી તેની પાસેથી વરસાદની આશાભરી મીટ માંડીએ છીએ – ને
જેને વરસવું જ છે તેને આપણે વરસવા આડા હાથ દઇએ છીએ.સીધો મતલબ એ કે જે આપણે માટે
તણખલું તોડીને બે કરવા માગતા નથી – તેને વારંવાર એ માટે ટકોરા માર્યા કરીએ છીએ અને
આ હિંમતલાલ જેવા કામ કરવાનો મોકો માગે છે તેને આપણે કંઈ ચિંધતા નથી. એનો ને મારો
જુનવાણી નિશાળના માસ્તર – વિદ્યાર્થી જેવો સંબંધ થઈ ગયો છે. સાહેબ કામ ચીંધે તે
માટે છોકરા વારો લગાડીને બેઠા હોય. નસીબદાર હોય એને જ સાહેબના કામ મળે. પછી ભલે
બજારમાંથી બે મરચાં જ લાવવાના હોય. એમ આ હિંમતભાઈ....
આવા વિચાર ચાલે ત્યાં જ
બારણામાં પ્રકાશ થયો. આ જ ક્ષણે સાક્ષાત. જાણે કે અલાઉદ્દીનનો જાદુઈ જીન.
“કાં સાહેબ” એણે મરકીને કહ્યું : “કાંઈ કામકાજ ?”
“આજ તો છે !” મેં પણ દાંત ચમકાવ્યા : “છે.”
“તો કહી દો ને !” એ બોલ્યો : “એમાં મૂંઝાઓ છો શું.”
“એક નાનકડું કામ છે.”
“ફરમાવો મારા શેઠ.”
“તમારા શેઠને જરા કહી દેજો
ને કે તમારો ચેક હું દેવદિવાળી પછી મોકલીશ.”
“પણ શેઠ તો બપોરે આવે છે.”
“પણ તમે તો આખો દહાડો હો ને
!”
“હોઉં ને ન પણ હોઉં. જુઓને
અત્યારે બહાર નીકળ્યો જ છું ને !”
“કાલે કહી દેજો.”
“પણ એ કરતાં” એ બોલ્યા : “તમે જ ફોન પર કહી દો ને
મારા મે’રબાન.”
“મોબાઇલ પર કરો ને ?”
”એમનો નંબર ?”
“એમના નંબર બદલાયા કરે છે . મારી પાસે ના હોય ! તમારી
પાસે નથી ?”
“અરે ભલા માણસ.” મેં કહ્યું : “હોત તો તમને ચીધત જ શા
માટે ?”
એ બોલ્યા :”ચીધવું....એમાં મેં ક્યાં
ના પાડી?”
આ ઠેકાણા વગરનો જવાબ સાંભળીને મને
થયું કે ગમે તેમ તો ય એને એમાં શેઠ સાથે વાત કરવી પડે એવું કામ છે. એમને ન ફાવતું
હોય. શેઠ સામે ગેંગેં ફેંફેં થતો હોય. વાત વાજબી છે. એના શેઠને તો હું કાલે પણ
બીજેથી ફોન કરીને કહી શકીશ. પણ આજ બીજું એક અગત્યનું કામ છે. એ તો આ હિંમતભાઈ કરી
જ શકે.
“સારું જવા દો.” મે કહ્યું : “તમારી તકલીફ હું સમજી
ગયો.”
“ત્યારે પછી !” એ રાજી થઈને બોલ્યા.
“બીજું એક કરશો ?”
“કહી દો ને.” એ બોલ્યા : “આપણે તો કામ કરવામાં
માનીએ જ છીએ. એમાં ય આપના માટે તો મને અથાગ પ્રેમ.”
“સારું” હું બોલ્યો : “ગીધુભાઈ ઝગડાને ત્યાંથી
મારું સંપેતરું રાજકોટથી આવ્યું છે તે લાવવાનું છે.”
“નથી !” એ આનંદમાં આવી જઈને
ખિલખિલાટ થઈને બોલ્યા : “નથી ઈ....ઈ.....ઈ....”
“શું નથી ?”
“ગીધુભાઈ ગામમાં જ નથી.
નડિયાદ ગયા છે.”
“વાંધો નહીં. એનો છોકરો
આપી દેશે.”
“ના આપે.” એ હરખાઈને બોલ્યા : “હું જાણું ને ! અરે, છોકરો કરાફાટ છે. ન આપે.”
“બરાબર” મેં નિરાશ થઈને કહ્યું.
“બરાબર ને !” એને શબ્દ ઉપર હરખનો પીંછો
મારી દીધો.
“તો પછી” મેં કહ્યું : “આજ તો તમારા માટે કામ ઉપર
કામ નીકળ્યા છે. ત્રીજું કહું ?”
“અરે, કહો ને, મારા શેઠ “ એ બોલ્યા : “હું તો તમને વારે ઘડીયે કીધા
જ કરું છું ને ?કે કામ ચિંધો. કામ ચિંધો !”
“આ ટપાલ” મેં ટેબલનું ખાનું
ખોલ્યું : “રસ્તામાં આ ટપાલ જરા નાખી દેજો- કોઈ પણ પોસ્ટના
ડબ્બામાં.”
“પણ” એ બોલ્યા : “મારું ઘર તો જીલાપરામાં
છે. સાવ છેવાડે. હવે હું ત્યાં જવાનો. ત્યાં જતા એકેય સમ ખાવા પૂરતો ય પોસ્ટનોડબ્બો
વચ્ચે ન આવે.” વળી એ રાજી થઈને બોલ્યા : “આ પોસ્ટવાળા ય મારા
વાલીડાવ કમાલ છે. ગોઠવે ત્યાં સામટા દસ ડબ્બા ખોડી દે– ને ન હોય તો એકે ય ના હોય –
સાચી વાત ને ! બાકી નહીંતર હું કંઈ ના પાડું ?”
“તમે ના ન પાડો એ સાચી વાત
છે.”
“સાચી વાત છે ને !” એ બોલ્યા : “ત્યારે ? તમે તો સમજો જ
છો.”
“આ તો કેમ કહ્યું કે,” હું ટેબલના ખાનામાં ટપાલ પાછી મૂકતા બોલ્યો : “તમે કાયમ કહ્યા કરો છો
કામ ચીંધો, કાંઈક કામ ચીંધો એટલે....”
“ઈ તો મારી કહેવાની ફરજ
ને....” એ
એકદમ નમ્ર થઈ ગયા : “કામ હોય તો કહી જ દેવું. માણસ માણસને કામમાં ન આવે તો
કામનું શું ?” પછી સામે બેસી ગયા બોલ્યા : “લ્યો, આજ હવે સામેથી કહું
છું, ચા મંગાવો. પી નાંખીએ. કોંટો રહે. મેં ચા મંગાવી. એમણે પીધી. પીને હોઠ
લૂછ્યા. ઊભા થયા. વળી જતાં જતાં બોલ્યા : “કાંઈ કામકાજ હોય તો કહી દેવું હોં..... મૂંઝાવું
નહીં......આપણે બેઠા જ છીએ. બેધડક કહી દેવું.”
તમારા માટે તો આપણને... ” એમણે પોતાની છાતી પર ટકોરો માર્યો, બોલ્યા, “...ભારી માન છે.”
રસળતી શૈલીએ લખાએલી, વાંચન દરમિયાન સ્મિત કરાવ્યે જતી સરસ મજાની વાર્તા. 'તુલસી ઈસ સંસારમેં ભાતભાતકે લોગ'ને યથાર્થ સાબિત કરતું હિંમતભાઈનું અનોખું પાત્ર ઉપસાવાયું છે. માત્ર વાતોનાં વડાં કરતા આવા હિંમતભાઈઓનો સમાજમાં તોટો નથી હોતો.
ReplyDeleteઅલ્યા ભાઈ, હિમતભીઈ તો ભારે કામગરા ....
ReplyDeleteટૂંકી વાર્તામાં અમુક જગ્યાએ પાત્રો તો અમુક જગ્યાએ વાતાવરણ સ્પર્શી જાય. તમારી વાર્તાઓમાં આ બન્ને પાસા સબળ જોવા મળ્યા છે. હિંમતભાઈ વધતા ઓછા અંશે બધે જ જોવા મળે છે, પણ તમે તો હિંમતભાઈને જાણે રૂબરૂ મળ્યો હોય એવી જ અનૂભુતિ કરાવી દીધી.
ReplyDeleteવાસ્તવમાં ભટકાઈ ગયા હોય એવા નમૂનાઓમાથી જ વાર્તાઓ સર્જાતી હોય છે
ReplyDelete