Friday, July 11, 2014

મહિલા ક્લાર્કની સલાહ: બહેનો, પરણો તો ક્લાર્કને જ પરણજો, મિનિસ્ટરને નહિં !


એક લેડી ક્લાર્કની  કેફિયત (કાલ્પનિક) 

હાય હાય, એક જ પોસ્ટ?”
તારી એકલી માટે આ એક જ પોસ્ટ કાફી નહીં ?
પણ હું એમ નથી કહેતી. હું બોલી : હું તો કહું છું કે ક્લાર્કની આ એક જગ્યા માટે કમ સે કમ દોઢસો જણની અરજી તો આવશે જ ને ?
આવશે જ.
એમાં વગ લઈને આવવાવાળા કોઈ નહી હોય ?
હશે ને ?
           તો પછી હું એ જ કહું છું ને’, હું બોલી : એમાં તારું આ ખાતું તો સીધું મિનીસ્ટરની નીચે. એ ભલે ગાંધીનગર બેઠા હોય પણ એમની વગ લઇને આવે એને તમારે લેવા પડે ને ? પછી એમાં મારો ગજ ક્યાંથી વાગે ?
કેમ ? આ વખતે ગણપત ભટ્ટ જરા ચિડાઈને બોલ્યો : તું મારી ઓળખીતી નહીં ?
પણ ગમે તેમ તોય તું આઉટવર્ડ-ઈનવર્ડ કલાર્ક. તારું વજન વધારે કે મિનિસ્ટરનું ?
તમે બૈરાંઓ બહુ વગર લેવાદેવાની પંચાત કરો છો. તમારે મમ મમથી કામ છે કે ટપટપથી ? હું ગમે તે કરૂં. એ તારે ક્યાં જોવાનું છે ? તારા હાથમાં ઑર્ડર ના આવે તો કહેજે.
           જેની સાથે મારા બે-ત્રણ વરસ પછી લગ્ન થવાના છે એ મરદની સાથે આથી વધારે જીભાજોડી મારે કેટલીક કરવી ? અમારું પ્રેમ પ્રકરણ ભલે દુનિયાથી છાનું, પણ ઘરવાળા સૌ જાણે. સૌ એમાં રાજીય ખરા, પણ મને ચિંતા એક જ વાતની કે ભટ્ટનો પગાર ટૂંકો. બે જણનું કેવી રીતે ચાલશે ? હું નોકરી કરતી હોઉ તો કાંઈક ઘરમાં દેખાય. એટલે મેં ભટ્ટને વાત કરી તો એણે કહ્યું કે અમારી ઑફિસમાં જ આજકાલમાં ઈન્ટરવ્યુ નીકળવાના છે. કલાર્કની એક પોસ્ટ ખાલી પડી છે. છાપામાં જાહેરાત આવશે. પછી બે મહીને ઈન્ટરવ્યુ નીકળશે. એમાં આટલું લૂલી-લપસીદર એની સાથે થયું. બાકી આમ કદી હું એની સાથે માથાકૂટ કરતી નથી ને એટલે તો હું એને બહુ ગમું છું
*****    *****    *****
એક દિવસ મને પેટમાં શેરડો પડે એવા સમાચાર મળ્યા. અમારાથી ત્રીજી ગલીમાં રહેલી ઈલાએ જાહેરખબર વાંચી હતી. એને તો એ ખાતાના સચિવ જોડે જરી દૂરની પણ ઓળખાણ હતી. એ એની ચિઠ્ઠી લઈને જવાની હતી. મને ઉછળી  ઉછળીને  કહેતી હતી કે આ વખતે તો મારું થઈ જ જવાનું.
  સાંજે બગીચામાં હું ભટ્ટને મળી ત્યારે વાત કરી તો એનો એકસો વીસનો માવો મોઢામાં પડ્યો પડ્યો ઝેર થઈ ગયો હોય એવું મોઢું કર્યું. એક તરફ થૂંકીને બોલ્યો : સચિવની તો શું પણ યુનોના સેક્રેટરીની ચિઠ્ઠી લાવે તોય ના થાય.
કેમ ?
પાછું પૂછ્યું ?
 પણ ત્રીજે દિવસે પાછું મારાથી ના રહેવાયું. ઈલાડી તો સચિવ ઉપરાંત કોઈ સામાજિક કાર્યકરની ચિઠ્ઠી પણ લાવી હતી. મે એને પૂછ્યું : તેં અરજી કરી દીધી ?
    એ બોલી : જાહેરખબરને બીજે જ દિવસે.
કોલ આવી ગયો ?
એ તો આવશે જ ને ? એ બોલી.
સાંજે ભટ્ટને મેં વાત કરી તો એણે ટેબલ પર ચાની રકાબી હળવેથી તૂટે નહી તેમ પછાડી. બોલ્યો : “વળી પાછી લપ કરીને ?”
એમ નહી હું બોલી : આ તો તને માહિતી આપી રાખવી સારી એટલે બોલી. મૂળ શું કે ઘણીવાર કાર્યકરોનું તો અમલદારો કરતાંય વધારે ઉપજતું હોય છે.
             આનો જવાબ તો ટી.વી.ના પડદે રોજ જોવા મળે છે. એટલે હું બોલી તો કશું નહી. પણ એટલું થોડીવાર પછી કહ્યું : પણ મારે ઈલાડીને કહેવું કે નહી, કે મેં ય અરજી કરી છે.
આજ સુધી બોલી છો ?
ના
તો બોલીશ પણ નહી.
             પણ ઈન્ટરવ્યુ વખતે ભેગી થઈ જશે ત્યારે મને નહી પૂછે કે તે તો મને વાતેય ન કરી કે તેંય અરજી આપી છે.
નહી ભેગી થાય તને ઈન્ટરવ્યુ વખતે એ.
અલગ અલગ તારીખોએ હશે ?
એ તારે ક્યાં જોવાનું છે ? ફરી ભટ્ટ ગરમ થઈ ગયો.
                                          *****    *****    *****
18મી મેનો ઈન્ટરવ્યુ નીકળ્યો. મને તો છાતીમાં કાંઈ ધકધક થાય, કાંઈ ધકધક થાય ! ભટ્ટ ગમે તેમ કહે. માનું છું, એની ય લાગણી સમજું છું પણ ગમે તેમ તોય એ સામાન્ય ક્લાર્ક. ઈલાડી સિવાય બીજા પણ ઘણા લોકો ઘણા મોટા માથાઓની ભલામણો લઈને આવ્યા હશે.
            પણ ઈન્ટરવ્યુ આપવા ઑફિસે ગઈ ત્યારે કાળો કાગડો ય ન જોયો. ભટ્ટ ઊંધું માથું નાખીને ચોપડા ઉથલાવ્યા કરે. અમારે તો એમ જ વરતવાનું હતું કે એકબીજાને ઓળખતા જ નથી. એટલે સામે જોયું ન જોયું કર્યું. મને ઈન્ટરવ્યુનો કોલ આવ્યો. હું અંદર ગઈ. હું લાયક તો હતી જ પણ ઉમેદવારોમાં હું એક જ. એટલે પોણો કલાક પૂછગંધો લીધો. બહાર નીકળી ત્યારે ભટ્ટ સામે એક તીરછી નજર ફેંકી તો એ ડાહ્યોડમરો થઈને ચોપડામાં કાંઈક લખતો હતો.
            સાંજે બગીચામાં મળી ત્યારે હું રાજી હતી, પણ એ જરા ગમગીન હકિકતમાં તો એણે રાજી હોવું જોઈએ ને ? પણ એ રાજી નહોતો. મેં પૂછ્યું તો બોલ્યો : સાલી કરેલી મહેનત પાણીમાં ગઈ.
કેવી મહેનત ? મેં કહ્યું : આમાં તો તારી મહેનત બચી ગઈને ? ઈન્ટરવ્યુમાં તો હું એકલી જ હતી. બીજા કોઈ એલીજીબલ (લાયક) નહીં હોય.
મૂરખ, એ ધગ્યો : લાયક તો તારા કરતા બીજા પચાસ જણા હતા. એંસી તો અરજીઓ આવેલી.
પણ તો પછી એ લોકોનો ઈન્ટરવ્યું બીજી કોઈ તારીખે છે ?
એમના ઈન્ટરવ્યુ બત્રીસમી તારીખે છે.
બત્રીસમી તારીખે ?મને નવાઈ લાગી : એમ દાઢમાં ન બોલ. સીધી વાત કર.
ડાર્લીંગ એ ગરમ થઈને બોલ્યો : સીધી વાત કરું તો એ કે બધી જ અરજીઓ ફાડીને ફેંકી દીધેલી. ઈનવર્ડ કરવાનો તો પ્રશ્ન જ ઉઠતો નથી. સાહેબે પૂછ્યું કે કેમ આમ ? તો મેં તો એકદમ નિર્દોષ મોઢુ કરીને કહી દીધું કે સાહેબ, આ એક જ બહેનની અરજી આવી છે. બીજાઓએ કેમ ના કરી તેની મને  શી ખબર ?
પછી ?
પછી થવું તો એમ જોઈએ કે તારા ઈન્ટરવ્યુંમાં તું પાસ થઈ જ ને ! તે તને લેવી જોઈએ. પણ અમારો સાહેબ કાબો છે. બોલ્યો કે ભટ્ટ, એક જ ઉમેદવારના ઈન્ટરવ્યુથી ન ચાલે. આપણે ફરી જાહેરખબર આપો. એમ કહીને ફોનથી બીજી જાહેરાત આપી દીધી. અને એનોય વાંધો નથી. પણ મારો બેટો મનમાં સમજી ગયો હોય કે ગમે તેમ. મને કહે કે ભટ્ટ તમારી પાસે ઈનવર્ડનું કામ બહુ વધી ગયું છે. તે એ તમે ત્રિવેદીને સોંપી દો. તમારો બોજો હળવો થાય.
મતલબ કે તારા સાહેબ સમજી ગયા કે તેં આ ખેલ પાડ્યો છે. પછી મને ચિંતા થઈ આવી : પણ તને કંઈ મુશ્કેલી તો નહી આવે ને ?
ના રે” એ બોલ્યો. ઢગલાબંધ ટપાલ આવે. એમાં કેટલી મેં રાખી ને કેટલી ફાડી નાખી તેની કોઈ સાબિતી છે ? ના, નથી જ.
            હું કંઈ બોલી નહીં થોડીવારે એ જ બોલ્યો : પણ હવે થાય છે કે હવે શું કરવું ? બીજીવારના કોઠામાંથી તને કેમ હેમખેમ બહાર લાવવી !
                                         *****    *****    *****
            પંદરવીસ દિવસ પછી મારો ભટ્ટ પાછો ખુશખુશાલ.  લાલ ટી શર્ટ ચડાવેલું વળી સોનાની ચેઈન. ગલોફામાં એકસોવીસ. મને મળતાંવેત કહે : આ લે, આ તારો ઑર્ડર તારા હાથમાં......
અરે, મેં તો અધીરા થઈને ઑર્ડર વાંચ્યો. સાચી વાત. મારી નિમણૂંક પાકી હતી. બસ હાજર થવાનું જ બાકી. હા મેડિકલ ટેસ્ટ અને એવું બધું ખરું, પણ એ તો સમજ્યા હવે.
”પણ.....” મને નવાઇ લાગી એટલે પૂછ્યું: આ ચમત્કાર કેવી રીતે કર્યો? આ વખતે તો ભટ્ટસાહેબ આપ ઈનવર્ડમાં ક્યાં હતા?. આ વખતે તો બધી અરજીઓ ઈનવર્ડ થઈ જ હશે ને ?
તે થાય જ ને !
ને ઈન્ટરવ્યું કોલ પણ નીકળ્યા હશે ને !
નીકળે જ ને ?
મતલબ કે મારા કરતા કોઈનો ઈન્ટરવ્યુ સારો નહીં ગયેલો પછી ધીરેથી કહ્યું : સોરી હો, આ તો હું તને ઘણા દિવસે મળીને એટલે પૂછું છું. મને તો કોલ ના જ આવે. કારણ કે મારો તો ઈન્ટરવ્યું થઈ ચૂકેલો જ ને !
તને તો શું ? ભટ્ટ એના વંદા રંગના દાંત દેખાય તેવું હસ્યો : કોઈને પણ ઈન્ટરવ્યુના કોલ નહી આવેલા.
કેમ ?
ડાર્લીંગ એ બોલ્યો : ઈનવર્ડ નહીં તો કંઈ નહી, પણ આઉટવર્ડ તો મારા હાથમાં હતું ને !
પણ એ તો તારે રીતસર એન્ટ્રી કરીને કરવું પડ્યું હોય ને ભટ્ટ !
હા એ બોલ્યો: રીતસરની એન્ટ્રીઓ કરેલી ને, ને ટિકિટો પણ ચોડેલી. આપણે એમાં તો અનીતિ કરતા જ નથી ને ! માત્ર થોડું સખળ-ડખળ શું કરેલું, કે કવર પર જે સરનામા કરવાના હોય તેમાં જાદુ કરેલો. ગામ હોય પાલીતાણા. હું સરનામું કરું પલસાણા, નામ હોય નરેન્દ્ર પટેલ, હું કરું રાવજી ગણાત્રા. ચોપડે એન્ટ્રી સાચી, પણ કવર કોણ ભૂતોભાઈ જોવા જવાનું હતું. સીત્તેર ઈન્ટરવ્યુ કોલ હતા. એમાં ચાલીસેકમાં આવું કરેલું. બીજા ત્રીસેક કૉલ લેટર. ઈન્ટરવ્યુના છેક આગલે દિવસે પોસ્ટ કરેલા. બોલ ડાર્લીંગ, તું ભટ્ટભાઈને સમજે છે શું ? હવે તું જ કહે આમાં તારી પેલી ઈલાડી કે બિલાડીનો મિનીસ્ટર કે સચિવ શું કામ આવવાનો હતો? અરે, આ ભટ્ટભાઈ આગળ સૌ પાણી ભરે.
ભટ્ટ હું રાજા થઈને બોલી : હું તો દેશની છોકરીઓને સલાહ આપું કે પરણો તો કલાર્કને જ પરણજો. મિનીસ્ટરને નહીં.

('ઝબકાર', 'નવગુજરાત સમય'માં પ્રકાશિત, ૧૮-૫-૨૦૧૪) 
(તસવીરો નેટ પરથી લીધેલી છે અને પ્રતીકાત્મક છે.) 

4 comments: