[અમુક સુથારને જેમ સુથાર કહેવું આપણને ના ગમે, કારીગર કહેવું જ ઠીક લાગે. તેમ અમુક
ફોટોગ્રાફરને માત્ર ફોટોગ્રાફર કહેવાનું યોગ્ય ના લાગે, તેમને તો ફોટોઆર્ટિસ્ટ જ કે તસ્વીરકાર જ કહેવા
પડે. તેવું સ્વ.જગન મહેતાનું
છે. છત્રીસેક વર્ષ
અગાઉ તેમની પહેલી મુલાકાત સુરેન્દ્રનગરમાં મોહમ્મદ માંકડની પચાસમી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે થયેલી તે પછી પરિચય
વધતો અને ગાઢ થતો
ચાલ્યો. વયમાં ઘણા મોટા, પણ પોતાની
વડિલાઇની યાદ કદિ પણ ના અપાવનારા ખરેખરા “વડિલ” તે જગન મહેતા., તેમના
વિષે લખવાનું નિર્ધાર્યું ત્યારે જરા પણ મોંઘા થયા વગર તેમણે યાદ ગઠરીયાં
ખોલી તેનું પરિણામ તે આ વર્ષો અગાઉ મારી “સંદેશ”ની કોલમ “ઝબકાર” માટે લખાયેલો (અને છેલ્લે છેલ્લે અપ-ડેટ કરેલો
આ લેખ)]
વિયેના શહેરની એક ઠંડી બરફ જેવી ગલી.
સાલ ૧૯૩૫ની. મહિનો નવેમ્બર. હતી તો બપોર, પણ બાળી નાખે એવી નહીં, થિજાવી દે તેવી.
જુનવાણી બાંધણીના મકાનની ત્રીજા માળની બારી પાસે જગન મહેતા નામના ગુજરાતી જુવાન
દર્દીએ પોતાનું બિછાનું રાખ્યું છે. બહાર બરફ પડે છે અને જગન મહેતાના શરીરમાં
ટેમ્પરેચર વધતું જાય છે. બ્લેન્કેટથી આખું શરીર ઢબૂરેલું છે. માત્ર આંખો ઉઘાડી
રાખીને બારીની બહારનું દ્રશ્ય તાવિયેલ આંખે મનના પડદા ઉપર ઉતાર્યા કરે છે. મિનિટો,
કલાકો અને કલાકો અને કલાકો....
એવામાં એકાએક એની આંખો ચમકે છે. સામે
શેરીમાં કોઈ એકલો માણસ ઓવરકોટ અને બનાતની કાળી ટોપી પહેરીને ચાલ્યો આવે છે એ કોણ ?
લશ્કરી કદમ, ટટ્ટાર છાતી, ચશ્માં; પણ ચહેરા ઉપર લોહનું અદ્રષ્ટ રસાયણ. કોણ ?
સુભાષબાબુ તો નહીં ?
જગન મહેતા વિયેનામાં |
હા. એ સુભાષબાબુ જ છે. દેશવટો પામીને
ઑસ્ટ્રીઆ આવ્યા છે. અહીં વિયોનામાં જ હૉટેલ ડી. ફ્રાન્સમાં રહે છે. મહિનામાં બે
વાર વિયેનામાં રહેતા ગુજરાતીઓ એમને ત્યાં ભેગા થાય છે. ડૉ. કત્યાલ, બનારસના ડૉ.
ગેરઉલ્લા, ડૉ. મનુભાઈ ત્રિવેદી-ચોથા એમાં કલાકાર જગન મહેતા ભળ્યા છે. ગુજરાતીઓમાં
તો આ બે જ. એ અહીં ફોટોગ્રાફી અને પ્રિન્ટિંગ ટેક્નોલૉજીનું શીખવા માટે ભાવનગર
સ્ટેટની સ્કૉલરશિપ પર આવ્યા છે. સુભાષબાબુએ અહીં હિંદુસ્તાન એકેડેમીકલ ઍસોસિયેશનની
સ્થાપના કરી છે. મળે છે ત્યારે રાજકરણની વાતો થતી નથી. હસવા-હસાવવાનું ચાલે છે, પણ
વાતો કરતાં કરતાં સુભાષબાબુ ઘણીવાર એકદમ ગમગીન થઈ જાય છે. ક્યારેક એકદમ ઉગ્ર. એમને
શિસ્ત ગમે છે, સભ્યતા પણ. એક વાર જગન મહેતા એમની સાથે કમલા નહેરુને લેવા માટે
સ્ટેશને ગયેલા. કમલા બીમાર હતાં. નહેરુને લેવા માટે સ્ટેશને ગયેલા. કમલા બીમાર
હતાં. નહેરુએ એમને આખા યુરોપમાં વિખ્યાત એવા ડો. નોયમાનની ટી.બી. અંગેની સારવાર
લેવા વિયેના મોકલેલાં. મતભેદો હોઈ શકે, પણ નહેરુ અને સુભાષના માર્ગો એક જ હતા.
એટલે મિત્રતા હતી. એ મિત્રપત્નીને લેવા માટે સુભાષબાબુ સ્ટેશને ગયા. કમલા નહેરુને
સ્ટ્રેચરમાં ઉતારવામાં આવ્યાં. સાથે પંદર-સોળનાં ઈંદિરા. કૃશકાય કમલાના સ્ટ્રેચર
પર લંબાયેલા આજાર શરીર પર એક ડૉક્ટરે માન દર્શાવવા માટે ગુલછડી મૂકી અને તરત જ
સુભાષનો પિત્તો ગયો. એટલું ય સમજતા નથી ? ગુલછડી તો હંમેશા મૃતદેહ પર મુકાય !
જ્યારે આ તો જીવતી સન્નારી છે. છટ ! સુભાષબાબુ ગરમ થઈ ગયા. જગન મહેતાએ જરી ટાઢા
પાડ્યા. કમલાના કૃશ હાથમાં ગુલાબનું ફૂલ મૂકીને
“વેલ્કમ” કહ્યું. સુભાષબાબુ મરકી ગયા, ને પેલા ડૉક્ટરનો શ્વાસ હેઠો
બેઠો.
આ સુભાષબાબુ સામેથી એકલા ચાલ્યા આવતા
બારીમાંથી દેખાઈ રહ્યા છે ? આ બરફના વરસાદમાં ! આશ્ચર્ય !
ધીરે ધીરે બે દાદરા ચડીને સુભાષબાબુ અંદર
આવે છે. બરફના કણોવાળી ટોપી ઉતારે છે. મોં લૂછે છે ને જગન મહેતાની નજીક આવે છે.
એમનું કાંડું હાથમાં લે છે. ક્ષણ પછી બોલે છે : “ ધિ બૉડી ઈઝ બર્નિંગ. હાવ ડુ યુ સર્વાઈવ ? (શરીરમાં તો કે
ધાણીફૂટ તાવ છે ! કેવી રીતે જીવો છો ?)
જગન મહેતા આભારવશતાથી એમની સામે જોઈ
રહે છે. કશું બોલતા નથી. થોડી વારે નબળાઈથી ડોક એક તરફ ઢાળી દે છે.
‘બહુ અશક્તિ લાગે
છે.’ સુભાષબાબુ બોલે છે : ‘એક સલાહ આપું છું.’ એ વળી જરા અટકીને બોલે છે : ‘તમે
શુદ્ધ શાકાહારી ગુજરાતી બ્રાહ્મણ છો એની મને ખબર છે; પણ મારી એક વાત માનો મિસ્તર
મહેતા.... ઍટ લીસ્ટ, યુ મસ્ટ ટેઈક એગ્સ (તમારે કમસે કમ ઈંડા તો લેવાં જ જોઈએ.)”
જગન મહેતા માંદું હસે છે. બોલે છે :
‘મને એનો નોશિયા (બકારી ) છે. એક વાર ચણાના લોટ સાથે કાંદા નાખીને ઈંડાની આમલેટ
લેવા પ્રયત્ન કરેલો, પણ ઊલટી થઈ ગઈ.’
પણ સુભાષબાબુ બોલે છે : ‘તમારે ગમે
તે ભોગે જીવવું જોઈએ. જરૂર જીવવું જોઈએ. અમારા જેવા મરી જશે તો ચાલશે. તમારે ન
મરાય કારણ કે તમે આર્ટિસ્ટ છો આર્ટિસ્ટ.’
ગયા ગુરુવારે
મોર્ફિનનાં ઈંજેક્શનો લીધેલાં. એનું ઘેન હજુ પૂરું મોળાયું નથી. ચાદરો-ધાબળા
વીંટાળેલા છે. એની કોઈ અસર નથી. વિયેના આવતાવેંત તરત જ કરોડરજ્જુમાં ટી.બી. થયો
અને મોટી માંદગીને ખાટલે આ પારકા પરદેશમાં પડ્યા એની બદબખ્તીનો ઘા માનસિક રીતે
તાજો છે. વતની તો સાણંદના, છતાં ભાવનગર સ્ટેટે આપેલી સ્કોલર એ કાણા પડિયામાં
પીરસાયેલું અમૃત સાબિત થઈ, એના શોકથી મન સંતપ્ત છે. છતાં ‘આર્ટિસ્ટ છો, તમારે
જીવવું પડશે’ એવા સુભાષચંદ્ર બોઝના શબ્દો બહુ કવતા ગૂમડા ઉપર ઠંડી ફૂંકનું કામ કરે
છે.
‘મહેતા,’ સુભાષબાબુએ પૂછ્યું : ‘તમારા
પિતા શું કામ કરે છે ?’
‘સાણંદ ગામમાં વૈદ્ય છે.’ એ બોલ્યા,
‘સૌ એમને વૈદ્યભાના નામથી ઓળખે છે. એમના પિતા પણ વૈદ્ય હતા અને ઝંડુભટ્ટના શિષ્ય
હતા. મારા મામા, માસા, ત્રણ બનેવી, સસરા, કાકા બધા વૈદ્ય છે. મારા મોટાભાઈ જયદેવભાઈ
પણ વૈદ્ય છે. એક માત્ર હું જ નક્કામો પાક્યો. મેં તો દેશસેવા પણ કંઈ કરી નથી. મારા
બાપા તો રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં પડ્યા. ૧૯૨૦ની અસહકારની ચળવળમાં પડ્યા. પૈસો
બચાવ્યો નહીં અને દેશસેવા કરે છે, પણ હું તો કોઈ કામનો ના રહ્યો.’
‘પણ તમે તો આર્ટિસ્ટ છો.’ સુભાષબાબુ બોલ્યા :
‘તમારે જોઈએ શું ? જે તારી પાસે છે એ બીજા પાસે નથી.’
જગન્નાથ વાસુદેવ મહેતા ઉર્ફે જગન
મહેતા કંઈ બોલ્યા નહીં. થોડીવારે વિવેક યાદ આવ્યો એટલે ભાવનગરથી આવેલી બદામની પૂરી
ટિપાઈ પર પડેલી તે માંદામાંદા હાથ લંબાવીને એમને ધરી. પહેલાં તો એમણે ના પાડી, પણ
પછી ભાવી એટલે સ્મિત કરીને બીજી બે માગી લીધી. પછી બહુ ભાવી એટલે બીજી બે માગી લીધી કોના માટે ? ‘વન આઈ શેલ ગીવ ટુ
માય સેક્રેટરી મિસ....’ (જગન મહેતા નામ ભૂલી ગયા છે – પણ સુભાષબાબુનું સ્મિત નહીં.
આખર સ્મિત જ ચિરંજીવી હોય છે, નામ ક્યાં ?)
થોડી પળો એમ મૌનમય વીતી. અંતે જગન
મહેતાની મકાનમાલિકણ સુભાષબાબુને ચાનો કપ આપી ગઈ. સુભાષબાબુએ એ લીંબુ નાખીને પીધી
ને પછી ‘બી કરેજિયસ માય ફ્રેન્ડ’ કહીને દાદરો ઊતરી ગયા.
જગન મહેતા ફરી એમને સફેદ બરફના કંઈક
હળવા પડેલા વરસાદમાં એ લાંબી શેરીના છેડા સુધી પહોંચીને વળી જતા જોઈ રહ્યા. એ તો
ગયા, પણ મનમાં એક વારંવાર ડંખ્યા કરતો પ્રશ્ન મૂકતા ગયા. ‘તમારે જોઈએ શું? શું જોઈએ ? બોલો, શું જોઈએ
?’
જગન મહેતા જાતને મશ્કરીમાં પૂછવા
માંડ્યા. બોલ, બોલ, તારે શું જોઈએ ? બોલ ને !
**** ***** ****
‘ઊડતા પંખીની તસ્વીર પડે. આજે જ ઑર્ડર
નોંધાવો.... કિંમત રૂપિયા સાત. પોસ્ટેજ ફ્રી. મળો યા લખો.’
આવી એક જાહેરખબર જગન મહેતા જ્યારે પાંચમા
ધોરણમાં હતા ત્યારે વાંચી હતી. કૅમેરાની હતી. આટલો સસ્તો બૉક્સ કેમેરા જ હોય. પણ
‘ઊડતા પંખી’ની વાત ભારે જાદુઈ નીકળી. પિતા પાસે હઠ પકડી. ખરેખર તો ‘વેન’ કર્યું.
પિતા એ વખતે કોઈ ગરીબ સુવાવડી માટે ખરલમાં મફત દવા ઘૂંટતા હતા. દવા જાવક ખાતે હતી
એટલે સાત રૂપિયા પોષાણ નહોતા. એમણે કહ્યું, ‘પહેલા મૅટ્રિક પાસ થા, પછી કૅમેરા અપાવવાની
જવાબદારી મારી.’ આમ બે વરસે વાત ગઈ અને પછી જગન મહેતા મૅટ્રિકમાં નાપાસ થયા.
કૅમેરાની અબળખા પૂરી ના પડી. ઊલટાનું હવે શું કરવું તે સવાલ પેદા થયો.
અમદાવાદ રહેતા કલાગુરુ રવિશંકર રાવળ
વાસુદેવ મહેતા (જગન મહેતાના પિતા)ના ખાસ મિત્ર હતા. તેમણે કહ્યું : ‘જગન તમને
કેમેરા અપાવવાનું કહેતો હતો ને ?’ આ પ્રશ્ન વાસુદેવભાઈને હતો.
‘મતલબ કે એને વૈદકનો નહીં, કલાનો શોખ
છે.’
‘હા.’ જગન મહેતાના પિતા બોલ્યા : ‘એ
તો એમ પણ કહેતો હતો કે મને મુંબઈની જે જે સ્કૂલ ઑફ આર્ટમાં ભણવા બેસારો.’
‘સાચી વાત છે, બેસારો. છોકરો ઝળકી ઊઠશે.’
રવિશંકર રાવળ બોલ્યા.
‘પણ’ જગન મહેતાના પિતા બોલ્યા : ‘તમે
તો રવિભાઈ, મારું જીવન સારી રીતે જાણો છો.’ આટલા વાક્યમાં આર્થિક સ્થિતિનો સંકેત
આવી જતો હતો. હવે વધુ બોલવાની જરૂર નહોતી છતાં પુત્રપ્રેમના ધક્કે એ બોલ્યા : ‘તમે માર્ગ સુઝાડો.’
રવિશંકર રાવળ ‘ચિત્ર’ના જ નહીં
‘મિત્ર’ના પણ માણસ હતા. એ બોલ્યા : ‘વાસુદેવભાઈ, તમે નચિંત રહો-તમે એને મારી પાસે
મોકલો. મારી પાસે એ ચિત્રકામ શીખશે. તમે એક વર્ષનો એનો ખર્ચ રૂપિયા બસ્સો જેટલો
આવશે તે ભોગવજો. પછી બીજા વર્ષથી તેની ચિંતા અને જવાબદારી તમારી મટીને મારાં બની
જશે. આપણી દોસ્તી એટલી ગાઢ છે કે વધુ શું કહું ?’ પછી વળી જગન મહેતાનો તરવરાટ
જોઈને બોલ્યા : ‘પણ તમે સાથે ન આવશો. એનામાં આત્મવિશ્વાસ પ્રગટવા દેજો. એને એકલાને
જ મોકલજો.’
વીસ વરસના જગન મહેતા અમદાવાદ જઈને
રવિશંકર રાવળને મળ્યા. થોડું મુક્તહસ્ત ચિત્રકામ કરાવ્યું.
રાજી થઈ ગયા. ‘કુમાર’ વાળા બચુભાઈને
ઓળખાણ કરાવી કહ્યું કે આ છોકરાનો એક વરસ સુધીનો ખરચ બચુભાઈ, તમે આપજો. પછીની
જવાબદારી મારી. આમ ૧૯૨૯માં જગન મહેતા ‘કુમાર’માં આવ્યા; પણ પેલો કૅમેરા ખરીદવાનું
ખ્વાબ સળવળતું રહ્યું.
જગન મહેતા |
જવાબ મળ્યો : ‘ચોવીસ વરસનો છોકરો છે – જગન
મહેતા. બાકી શું હાથ બેસી ગયો છે ! કહેવું પડે.’
જગન મહેતાને મૂળ ચિત્રકારીનો શોખ.
પણ હવે પૂરા ફોટો આર્ટિસ્ટ થવાના કોડ જાગ્યા હતા. કૅમેરા માટે તો એ બાર વરસની
ઉંમરથી અધીરા થઈ ગયા હતા. ‘ઊડતા પંખીની તસવીર લે’ એવો કેમેરા લેવો હતો, પણ
મેટ્રિકમાં દાંડી ઊડી ગઈ એથી બાપાએ લઈ આપ્યો નહોતો. ત્યારથી રંજ રહ્યા કરતો હતો.
પણ ૧૯૩૧માં રવિશંકર રાવળે એમની
પોતાની ‘કુમાર’વાળી કમાણીમાંથી એમને કૅમેરા અપાવી દીધો. એક્સો દસની ગંજાવર કિંમતનો
હતો. એનું નામ હતું મૅક્સીમાર. ચિતારાને કોઈએ જાણે કે પહેલવહેલી પીંછી અપાવી. બસ,
પછી જગન હતો અને જગત ! અને આયુષ્યનાં બાકી વર્ષો.
**** ***** ****
‘કુમાર’માં ચાર વરસ કાઢ્યાં ત્યાં
રવિભાઈને ભાવનગરના રજવાડાનું કામ મળ્યું. જગન પણ સાથે જ. મૅક્સીમાર કૅમેરાના
માલિકને મૅક્સીમાર નાનો પડવા માંડ્યો. ઓહોહો, કેટલા બધા સુંદર ફોટોગ્રાફ્સ કેટલા
બધા કલાકારો પાડી બતાવતા હતા! આ નાના કેમેરાથી શું થાય ? વધારે સારો, ઝીણું કામ આપે એવો જોઈએ.
આમ સ્વપ્નું પણ ‘ઈલાસ્ટિક’ નીકળ્યું. વિદેશ જવું જોઈએ. ત્યાં જઈને શીખવું જોઈએ, પણ
‘જોઈએ’નું લિસ્ટ લાંબું ને ‘છે’ નું લિસ્ટ ટૂંકુ ! કેમ મેળ પડે ?
છતાં પ્રયત્ન કરી જોયો. ભાવનગરના
રાજવીને ત્યાં હેર કેનપ્સી નામનો એક જર્મન કલાકાર પણ કામ કરતો હતો. એણે જગન
મહેતાની તસવીરો નિહાળી. ફીદા થઈ ગયો. ત્યાં વળી કર્નલ બળવંત ભટ્ટ જે ખુદ પણ એક
નામી ફોટોગ્રાફર. એમની પાસે વિયેનાની એક સંસ્થાનું માહિતીપત્રક નીકળ્યું. રાજ્યે
સ્કૉલરશીપનું કરી આપ્યું અને ૧૯૩૪માં આ રીતે વિયેના ગયા. વિયેના ગયા ત્યારે ૧૯૩૪ની
સાલમાં ઑગસ્ટ માસમાં મુંબઈ બંદરે મોટો મિત્ર સમુદાય વળાવવા આવેલો. તેમાં ઉમાશંકર
જોષી પણ હતા. ખેર, એ બધા મિત્રોને છોડીને વિયેના આવ્યા અને સંસ્થામાં દાખલ થઈ ગયા.
ને ત્યાં બ્લૉક બનાવવાની કામગીરી શીખવાની શરૂઆત કરી.
જગન મહેતા |
(ક્રમશ:)
રજનીકાકા,
ReplyDeleteઆ પોસ્ટ વાંચીને (દર વખતની) જેમ મજા આવી!
પણ નવલકથાની જેમ અંત ન આપો, આગળ શું થયું હશે એવી ચટપટી થયા કરે છે :)
ઝટપટ ઉત્તરાર્ધ લખી નાખો એટલે પડે....
આભારી