Tuesday, July 1, 2014

શરીર વિરોધી બની ગયું હતું. સંજોગો સામા થતા હતા અને ખિસ્સાં ખાલી હતાં. ભારત પાછા તો ફર્યા, પણ અર્ધા વૃદ્ધ થઈને. ત્રણ વર્ષ પથારીમાં આરામ કરવો પડશે એમ વિયેનાના ડૉક્ટરોનું કહેવું હતું. ભારતમાં આવીને ત્રણ વરસ આરામ કરવો એ ત્રણ માઈલ લાંબા અંધારા બોગદામાંથી ધીમી ચાલે પસાર થવા જેવું.
              છતાં છ માસ જામનગર સેનેટોરિયમમાં આરામ કર્યો. આથી વધુ પરવડે તેમ નહિ. હરતાફરતા થઈ ગયા એટલે બહાર નીકળી ગયા. કુટુંબની જવાબદારી તો હતી જ, પણ શસ્ત્રમાં ફોટોગ્રાફી ઉપર આવી ગયેલી પક્કડ સિવાય કંઈ જ ન મળે. વિયેના જતી વખતે સી.એન. વિદ્યાલયની પાંત્રીસ રૂપિયા પગારની નોકરી છોડી હતી. એ જગ્યા પર ચિત્રકાર રસિકલાલ પરીખ ગોઠવાઈ ગયા હતા. હવે ક્યાંય પગ મૂકવા વારો નહોતો. ૧૯૩૭નું બાકીનું આખું વરસ વતન સાણંદમાં કાઢવું પડ્યું. માત્ર ૧૯૩૮માં હરિપુરા કૉંગ્રેસ વખતે જ ઘરની બહાર નીકળવાનું બન્યું.
ત્યાં એક પત્ર આવ્યો. જૂના મિત્ર પદ્મકાંત વૈદ્યનો હતો. લખતા હતા કે આરામ કરવા માટે મુંબઈ આવ. આ વાત કદચ વધારે ભાવતી હતી. મુંબઈ અને ફિલ્મ એકબીજાનો પર્યાય અત્યારે પણ છે. ત્યારે પણ હતા. જગન મહેતાએ તક ઝડપી લીધી. આ અગાઉ ૧૯૩૩માં મુંબઈમાં મહેતાએ તક ઝડપી લીધી. ૧૯૩૩માં મુંબઈ એક જ વાર જોયું હતું અને તે કલાકાર કનુ દેસાઈના લગ્ન વખતે. પ્રેમલગ્ન હતા. કનુભાઈ બ્રહ્મક્ષત્રીય અને કન્યા નાગર. જીવરાજ મહેતાની સાળી. આવા લગ્ન હતા એટલે વરના બાપ તરીકે રવિશંકર રાવળ હતા અને જાનૈયામાં જગન એક જ. બસ, મુંબઈની એ પહેલી મુલાકાત વેળા ફિલ્મોના આકર્ષણે સ્ટુડિયો જોયો હતો. આ ૧૯૩૯માં બીજી વાર જોયું. ફિલ્મોનું આકર્ષણ છૂટ્યું નહોતું એટલે મુંબઈ જતાવેંત ગુણવતરાય આચાર્યની ઓળખાણથી રણજિત સ્ટુડિયોમાં જવાનું શરૂ કર્યું. ‘સંત તુલસીદાસ’ ફિલ્મ બનતી હતી. જગનભાઈના મનમાં ચમકારો થયો. દિગ્દર્શક અથવા કૅમેરામેનનું કામ મળે ? વિષ્ણુપંત પાગનીસ, પૃથ્વીરાજ કપૂર, લીલા ચીટનીસ, ચાર્લી, દીક્ષિત અને ઘોરી જેવા સાથે કામ કરવા મળે ?
********************************************************************************
          અરે ! જગન મહેતાના મનમાં એકાએક ‘ફ્લૅશ’ થયો આ તો કવિ નાનાલાલ અને માણેકબા ! એમનાં પત્ની ! અહીં જૂહુના દરિયાકિનારે ક્યાંથી ?
           પછી જાતે ને જાતે જવાબ મેળવી લીધો. હું અહીં ફિલ્મોમાં જોડાવા આવ્યો છું. મારે મન ફિલ્મી દુનિયા અને એના સરતાજો જ સર્વસ્વ છે. રોજ રણજિત સ્ટુડિયોમાં આંટાફેરા મારું છું. ત્રિલોક કપૂર સાથે પણ સંબંધ થયો છે. સાગર મુવીટોનના નંદલાલ જસવંતલાલને પણ મળ્યો, પણ તેમણે બહુ મોં-મન આપ્યાં નથી છતાં મારા મનમાં આ બધા ઘૂમે છે. પણ ફિલ્મી દુનિયા સિવાય પણ મોટી હસ્તીઓ આ મુંબઈ શહેરમાં હોય, એ કેમ મારા ખ્યાલમાં નથી આવતું ? જૂહુના દરિયાકિનારે જુવાન ગુલાબદાસ બ્રોકર પણ આવે છે અને વયોવૃદ્ધ કવિ નાનાલાલ, ઉમાશંકર જોષી, જગનમોહન મિસ્ત્રી પણ આવે. એમની આ જીવનસંધ્યા છે અને સંધ્યાકાળે જ ‘સખી’ સાથે સમુદ્રકિનારે ફરવા આવે છે. એમના ઝાઝા દિવસો હવે શેષ નથી. એમની આ તસવીર પાડી લીધી હોય તો ?
            આ વિચાર સાથે જ મનમાં ખટકા જેવો વિચાર ઊઠ્યો. પણ કેમેરા ક્યાં ? નાનકડા મૅક્સીમાર કૅમેરાથી આ તસવીર લેવાનું કેવું હાસ્યાસ્પદ લાગે ! કોઈ સરસ કૅમેરા હોવો જોઈએ. ભલે ઉછીનો તો ઉછીનો, પણ સરસ કૅમેરા જોઈએ.
         એ સંધ્યા તો વીતી ગઈ, પણ બીજી સંધ્યાએ જગન મહેતા પોતાના એક મિત્ર નાનુભાઈ કોઠારી (કકલભાઈના નાનાભાઈ)નો કૅમેરા લઈને હાજર થઈ ગયા. સારી વાર રાહ જોઈ. ફરી સંધ્યા ઊતરી આવી. સૂર્ય સમુદ્રમાં ડૂબવાની તૈયારીમાં અને આખું આકાશ લાલ ઉજાસથી રંગાઈ ગયું અને એટલામાં જ કવિ ધીમી ચાલે આવતા દેખાયા. એક હાથમાં વૉકિંગ સ્ટિક અને બીજો હાથ વૃદ્ધા પત્નીના ખભે. લાંબો ઝભ્ભો અને ધોતિયું. પડછંદ છતાં કૃશ દેહ. કવિએ સ્મિત કર્યું : ‘અરે ભાઈ, હવે આ ઉંમરે અમારા ફોટા કેવા ! હવે તો અમે...’ એમણે ડૂબતા સૂરજ તરફ લાકડી ચીંધી. ‘ડૂબી ગયા પછી થોડો સમય પાછળ ઉજાસ રહેશે. પછી તો એ પણ લુપ્ત...’
           જગન મહેતાએ કંઈ દલીલ ના કરી; પણ આંખોમાં એવો ભાવ લાવ્યા કે કવિ ના ન પાડી શક્યા. બલકે જગન મહેતાને અનુકૂળ થયા. એમણે લાકડી હાથ બદલીને બીજા હાથમાં રાખવા કહ્યું તો એમ કર્યું. આગળ ચાલવા કહ્યું, તો એમ કર્યું અને પછી ભીની રેતી પર કવિના પગલાંના નિશાન બરાબર ઊઠે તેવી રીતે પાછળથી એમની તસવીરો લીધી. પછી નામ આપ્યું, “જલધિતટે કવિ.” કુમારમાં એ ફોટો છપાયો અને એ તસવીર જ એમનું પિક્ટોરીયલ વર્લ્ડમાં પ્રથમ પદાર્પણ. એ ચિત્ર અમર બની ગયું. કવિની જીવનસંધ્યા અને આકાશી સંધ્યાનું એવું તો અદભૂત સંયોજન એ ફોટોગ્રાફમાં ઊતર્યું, એ માત્ર નિર્જીવ ચિત્રને બદલે કાગળ પર છાયાંકિત કવિતા બની ગઈ. ખુદ કવિ નાનાલાલ અને માણેકબા તો રાજી થયા જ, પણ ફરેદૂન ઈરાની પણ ફીદા થઈ ગયા.
            પણ એમનું ફીદા થવું કશું કામમાં ન આવ્યું. ફિલ્મોમાંથી રળી શકાય એવું ન લાગ્યું. ત્રીસ વરસની વયે જ્યારે પિતા ગાંધીજીની ચળવળમાં જોડાઈ ગયા હોય, આવક પાતળી થઈ ગઈ હોય, માથે દેવું હોય એ વખતે ફિલ્મોની આકાશી આવક પર મદાર રાખી શકાય નહીં. માત્ર કોઈ રાજી થાય એ ન ચાલે, રોજી મળવી જોઈએ. એ ન મળે તો સમજવું કે કાં આપણામાં વેતા નથી ને કાં વેપારી સૂઝ નથી.
          પાછા ફરવા સિવાય આરો નહીં.
૧૯૩૯ની સાલના અંતમાં જગન મહેતા સાણંદ અને પછી અમદાવાદ પાછા ફર્યા. જૂના અને જાણીતા સંઘરનાર કુમાર કાર્યાલયવાળા બચુભાઈ રાવત તો હતા જ. ફરી સમાવી લીધા. વિયેના રીટર્ન્ડ અને ફોટોગ્રાફીના ક્ષેત્રમાં નામનાની શરૂઆત નોંધાવનાર જગન મહેતાનો પગાર થયો માસિક પચ્ચીસ રૂપિયા. કામ શું કરવાનું ?
           બ્લૉક મેઈકિંગ.! ફોટોગ્રાફી સાથે જેને કોઈ નિસ્બત નહીં.
           ‘મારો અભ્યાસ ભલે વિયેનામાં અધૂરો રહ્યો, પણ આપના રાજ્યની સ્કૉલરશિપથી હું ત્યાં જે કંઈ જાણી ભણી શક્યો તેનો લાભ ભાવનગર રાજ્યને આપી શકાય તો મારી એવી ઈચ્છા છે કે કંઈક સેવા આપું.’
             કુમારની ત્રણ-ચાર માસની નોકરી કે જેમાં રોજના એક રૂપિયો પણ પગાર ન થય તેનાથી કંટાળીને કંઈક આવો પત્ર જગન મહેતાએ ભાવનગરના દીવાન સર અનંતરાય પટ્ટણી મારફત હિઝ હાઈનેસ કૃશ્ણકુમારસિંહજીને લખ્યો. જવાબમાં એમણે રૂબરૂ બોલાવ્યા. બોલાવ્યા ખરા, પણ કંઈ નોકરી ના આપી. હા, ત્રણ-ચાર માસ ભાવનગર રહ્યા એ દરમિયાન રાજ્યના ત્રણચાર પ્રસંગોની ફોટોગ્રાફી કરી આપી. એમાં ખાસ તો રેસિડન્ટ ગિલ્સનની મુલાકાત, કૃષ્ણકુમારસિંહજીનો ગ્રામસંપર્ક, કુમાર વીરભદ્રસિંહજીના જન્મ દિવસની ઉજવણી અને એની ગાર્ડન પાર્ટી જેવા પ્રસંગોનો તસવીરસપુટ. મુખ્ય ફરી એની એ જ વાત. કામ વખણાયું. રાજીપો મળ્યો, પણ રોજી નહીં.
            બહુ મૂંઝવણમાં હતા ત્યાં સાણંદના ઘેરથી પત્ર આવ્યો-બાને કૅન્સર હતું અને બાપુજી ગાંધીજીના વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેવા જવાના હતા. આ અગાઉ પણ વારંવાર જેલમાં ગયેલા અને હજુ પણ જેલમાં જવા તત્પર; એથી ઘેર કોઈએ માંદા માણસનું ધ્યાન રાખવા રહેવું જોઈએ એટલે જગનને બોલાવ્યા હતા. એમણે તત્કાળ જવું પડ્યું. ઘેર જઈને જોયું તો માંદાં બા અને મક્કમ પિતા વચ્ચે ગજબની સમજણ પ્રવર્તતી જોઈ. નિયત તારીખે પિતા (વાસુદેવ વૈદ્ય) સત્યાગ્રહમાં જવાના તે જવાના જ હતા. માંદી માતાની એમાં જરા પણ અસંમતિ નહીં. પછી ભલે એ કૅન્સરના કારણે મૃત્યુના મોં ભણી ધસમસતી જઈ રહી હોય. જવાનો નક્કી થયેલો દિવસ આવ્યો એટલે જગન મહેતાએ જોયું કે બાપુજીએ ફઈબા પાસે કપાળે કંકુનો ચાંલ્લો કરાવ્યો. પછી બાની પથારી પાસે આવ્યા. બા પથારીમાંથી બેઠાં થઈ શકતાં નહોતાં એ પણ જગન મહેતાએ જોયું. છતાં પિતા બોલ્યા : ‘તું ખુશીથી મને હસતે ચહેરે વિદાય આપ.’ બા ક્ષીણ જેવું હસ્યાં. પિતાએ એમના માથે હાથ ફેરવ્યો અને પછી ભગવાનને ભરોસે બધું છોડીને ઘરનો દાદરો ઊતરી ગયા.
             જગન મહેતાને એ વખતે ગાંધીજી પર રોષ આવત. એવો તે કેવો આ મહાત્મા કે જે માણસને આવો નઠોર બનાવી દે છે ! પણ એમને રોષ ન ઊપજ્યો. ઊલટાનું એમ થયું કે આવી વિભૂતિની તસવીરો લેવી જોઈએ.
             આ ઝંખનાની પછવાડે પણ એક મનોસંધાન હતું. ગાંધીજીને પ્રથમવાર ગોધરા મહાસભાની બેઠકમાં સાંભળ્યા હતા. એ વખતે ઉંમર દસ-અગ્યારની. જગન મહેતાનું સાણંદનું ઘર જ એમના રાષ્ટ્રવાદી પિતાને કારણે સાણંદ તાલુકા સમિતિ સરખું થઈ ગયેલું. બધા જ નેતાઓનો ઉતારો, ખાણી-પીણી બધું જ એમને ત્યાં. દરબાર ગોપાળદાસ, અબ્બાસઅલી તૈયબજી, રવિશંકર મહારાજ જેવાના સતત સત્સંગ. પણ પછી દસેક વર્ષનો ગાળો પસાર થઈ ગયો. એમાં પણ ગાંધીજી ચિત્ત પરથી ભૂંસાયા નહીં. ૧૯૩૧-૩૨માં રાષ્ટ્ર્રીય ચળવળ પુરજોશમાં ચાલી. દારૂના પીઠા પર પિકેટિંગ થતાં તેની અને બે વર્ષ પહેલાં થયેલા મીઠા સત્યાગ્રહની સ્લાઈડો અને પ્રોજેક્ટર ભરૂચમાં છોટુભાઈ પુરાણીને ખાનગીમાં ખાનગી રીતે પહોંચાડવાનું જોખમી કામ જગન મહેતાએ માથે લીધું હતું અને પાર પણ પાડ્યું હતું. પણ બદબખ્તી એ કે એ કામ પાર પાડ્યા પછી વળી દારૂના પીઠા પર પિકેટિંગ કરવા માટે જીવ ઝાલ્યો રહ્યો નહીં ને પિકેટિંગ કરવા ગયા ત્યારે બીજા ચાર-પાંચ પિકેટર્સ ભેગા જગન મહેતાને પણ જેલ ભેગા કર્યા બ્રિટિશ સરકારે. પિતાએ આ સમાચાર જાણ્યા એટલે એ ખિજાયા નહીં, પણ ઊલટાનો વાંસો થાબડ્યો : ‘મારા કરતાં તું પ્રથમ ભાગ્યશાળી થયો કે મારા કરતાં પહેલા ગાંધીજીના કામ માટે જેલમાં ગયો. શાબ્બાશ દીકરા !’ ગાંધીજી માટેનો આ પિતાનો પૂજ્યભાવ જગનભાઈમાં વધીને વડ થઈ ગયો. જો કે જેલમાં પંદરેક દિવસ રહ્યા પછી મુકદ્દમો ચાલ્યો ને પછી ત્રણસો કે પાંચસો દંડ ફટકારીને ટીંગાટોળી કરીને કોર્ટ રૂમની બહાર ફેંકી દીધા જગન મહેતાને. (પણ એ માત્ર પંદર દિવસની જેલ હતી, એટલે અત્યારે એ સ્વાતંત્ર્ય સેનાની મળતા પેન્શનને પામવા હકદાર નહીં, એ આયરની !) આ પછી પણ ૧૯૪૨માં કિવટ ઈન્ડિયા ચળવળ વખતે પોસ્ટર પબ્લિસિટીની ‘ચકોર’ સાથે કરેલી ભૂગર્ભ કામગીરી. જેલમાં જાય તો કામ કોણ કરે ? એટલે જેલને ટાળતા રહ્યા ને આ રીતે ભવિષ્યના પેન્શનને પણ જાણ્યે-અજાણ્યે ‘ટાળતા’ રહ્યા.
             એટલે ગાંધીજી પર રોષ તો લેશ માત્ર નહીં, ઊલટાનો ભક્ત સરખો ભાવ.
             જગન મહેતા પછી એમના પિતાને પણ છ માસની જેલ પડી. પૂરી થયે પાછા ઘેર આવ્યા ત્યારે બા જીવતાં તો હતાં. બા-બાપુજીનો મોં-મેળો થઈ તો ગયો; પણ એ સમ ખાવા પૂરતો જ-કારણ કે એ પછી એક જ મહિને પિતાના જન્મદિવસે જ જગન મહેતાએ માતાને ખોયાં.
            આ બધું છતાં પણ ગાંધીજીની તસવીરો ઉતારવાની ઈચ્છા જોર પકડતી જતી હતી. પાસે મુવી કેમેરા હોય તો સારું એમ પણ લાગતું હતું. પણ વળી મનોમન મરકવું પણ આવી જતું હતું કે – અરેરે, સારો કેમેરો પણ વસાવી શકાયો નથી ત્યાં મુવી કેમેરાની તો વાત જ શી ?
           ત્યાં મિત્ર મનુભાઈ ત્રિવેદીએ પત્ર લખીને પૂછ્યું કે ગાંધીજીના ફોટા લેવા છે ને ? ડૉ. મનુભાઈ ત્રિવેદી એ જગન મહેતાના પરમ મિત્ર. એ એમના વિયેનામાં જ મિત્ર બનેલા મૂળ ડૉક્ટર. પણ જમનાલાલ બજાજની ઈચ્છાથી અમદાવાદનો કન્સલ્ટિંગ રૂમ સમેટીને વર્ધા સ્થાયી થયા હતા. જગન મહેતાની ગાંધીજી તરફની ઉત્કંઠા પત્રો દ્વારા એમણે પ્રમાણી લીધી હતી. તેમણે લખ્યું કે ‘વર્ધા આવી જાઓ. તમારી ઈચ્છા મુજબનું બધું જ ગોઠવી શકાશે. અઠવાડિયે એક વાર તો મારે સેવાગ્રામ જવાનું થાય જ છે. વળી કાકાસાહેબ કાલેલકર પણ ત્યાં જ છે. તેમની પાસેથી પણ તમને કંઈ નવી દ્રષ્ટિ મળશે. માટે આવો. વર્ધા આવો.’
પણ આવો એટલે શું ? ભલે મનુભાઈ બોલાવે, જમના-લાલજી સગવડ આપે; પણ સાધન ? એ કોણ આપે ? અને વર્ધા જવાનું ગાડીભાડું ? ખર્ચ ? એ ક્યાંથી કાઢવું ?
           આ પ્રશ્નોના જવાબ નાણાબળ વગરના હતા એટલે પછી સપનું મનમાં જ ભંડારી દીધું. એના બદલે સાણંદ દરબાર રૂદ્રદત્તસિંહજીની જાન મહીસૂર જવાની હતી. એના ફોટા લીધા. ત્રણેક હજારનું કામ થયું. થોડું દેવું ફીટ્યું ને મૂળ તો વિશ્વાસ આવ્યો કે ફોટોગ્રાફી ઓછામાં ઓછો આપણને રોટલો તો રળી જ આપશે.
********************************************************************************
           આ પછી તો બે-પાંચ વરસ વીતી ગયાં. વચ્ચે મુંબઈના એક સ્ટુડિયોમાં નોકરી પણ કરી લીધી અને ગુલામીનો કડવો સ્વાદ પણ ચાખી લીધો. એ સ્ટુડિયોની નોકરી છોડતી વખતે પાકો નિર્ણય કર્યો કે જિંદગીમાં કદી ફરી નોકરી તો કરવી નહીં. ફરી અમદાવાદ આવ્યા. ૧૯૪૭માં સરસપુરમાં હાજા પટેલની પોળ સામે પોતાનો જ પ્રતિમા નામથી સ્ટુડિયો સ્થાપ્યો. આ બધા જ રઝળપાટ દરમિયાન ગાંધીજીના ફોટા લેવાની ઈચ્છાએ ઝંખનાનું સ્વરૂપ પકડી લીધુ હતું.
૧૯૪૭ના એ દિવસોમાં જ એક સવારે અમદાવાદના સ્વામીનારાયણ સંપ્રદાયના ગાદીપતિ શ્રી દેવેન્દ્રપ્રસાદજીનું તેડું આવ્યું. એમના પુત્ર શ્રી તેજેન્દ્રપ્રસાદજી (હાલના આચાર્ય)ની અયોધ્યામાં મુંડનવિધિ હતી. જગન મહેતાએ એમની સાથે એ પ્રસંગની પૂરી ફોટોગ્રાફી કરવા સાથે અયોધ્યા જવાનું હતું. ના પાડવાનું કોઈ કારણ જ નહોતું. મનોમન પ્રસન્ન પણ થઈ જવાયું હતું. કોઈને કહ્યું નહોતું, પણ મનમાં થઈ ચૂક્યું કે જો તક મળે તો કામ આટોપીને અયોધ્યાથી સીધા જ પટણા પહોંચી જવું કે ગાંધીજી એ વખતે બિહારમાં હતા. નોઆખલી-બંગાળની ભયંકર સંહારલીલાનો પડઘો બિહારમાં પણ પડ્યો હતો અને ગાંધીજીને બિહાર દોડી આવવું પડ્યું હતું.
            જગન મહેતાની એ ઈચ્છા તરત જ ફળીભૂત થઈ. અયોધ્યાનું કામ પતાવીને સીધી જ એમણે પટણાની ટિકિટ કપાવી. ઘટતા રૂપિયા આચાર્ય દેવેન્દ્રપ્રસાદજીએ આપ્યા. કદાચ એ વગર એ પટણા જઈ જ શક્યા ન હોત.
            ગાંધીજીની શાંતિયાત્રાનું છેલ્લું ચરણ ચાલતું હતું. જગન મહેતા પટણા જઈને એમના ગુરુભાઈ સરખા ગુણવંતરાય જાનીને ત્યાં અણધાર્યો જ મહેમાન બન્યા. ગાંધીજી તો પટણામાં ડૉક્ટર સૈયદ મહેમુદના બંગલે ઊતર્યા હતા. રોજ સવારે એ મોર્નિંગ વૉક માટે નીકળતા હતા. ૧૮મી માર્ચે જગન મહેતા પટણા પહોંચ્યા અને ૨૩મી માર્ચ ૧૯૪૭ની સવારે ઊગતા પ્રભાતના ઉજાસમાં બે મહિલાઓના ખભે હાથ મૂકીને ફરવા નીકળતા ગાંધીજીનો ફોટો પાછળથી ઝડપી લીધો. કવિ નાનાલાલનો સાંધ્યવેળાએ પાડેલો ફોટોગ્રાફર અને આ ગાંધીજીનો ઉષાકાળે પાડેલો ફોટોગ્રાફ બંને યાદગાર-અમર બની રહ્યા. સવારના વિરતરતા પ્રકાશ તરફ ઊપડતા ગાંધીજીનાં પગલાં કાગળ ઉપર કરુણાનું છાયાંકન બની રહ્યાં.  ચિત્રનું નામ આપ્યું જગન મહેતાએ ;”ટોવર્ડ્ઝ લાઈટ’”. આ ચિત્ર આજે પણ કોઈ પણ ગાંધી સંગ્રહાલયનું અણમોલ મોતી બની રહ્યું છે.
 પછી જગન મહેતાએ જે ઝડપ્યું તે અદભૂત અને અદ્વિતીય હતું. આ ઝડપવા અગાઉ એ અનેક છાપાંના તંત્રીઓ અને સામયિકોના સંપાદકોને મળ્યા હતા, પણ કોઈએ દાદ નહોતી આપી. અંતે જાતે જ એમણે એ ચિત્રમાળા ઝડપી અને ફરી એકવાર ગાંધી-ઈતિહાસની એ એક અવિસ્મરણીય ભેટ બની રહી. એ હતી ૨૬,૨૭ અને ૨૮મી માર્ચ દરમિયાન બિહારના ગયા જિલ્લાના જહાંનાબાદ તાલુકામાં કોમી રમખાણોથી વરસેલી તારાજીની જીવંત તસવીરો. ગાંધીજી ત્રણે ત્રણ દિવસ પગપાળા એ વિસ્તારોમાં ફર્યા અને બેહાલ-બેઘર બનેલા મુસ્લિમ કુટુંબોનાં આંસુ લૂછ્યાં. જગન મહેતા એ ત્રણ દિવસ ગાંધીજીની સાથે પડછાયાની જેમ રહ્યા અને માનવીય ભાવોના ઉદ્રેકવાળી એક એક ઘડી એમણે એમના સાદા કૅમેરામાં ઉતારી લીધી. એક જગ્યાએ તો જેનું સર્વસ્વ નાશ પામ્યું હતું એવી એક મુસ્લિમ સ્ત્રી ગાંધીજીનાં ચરણોમાં લોટી પડી અને ગાંધીજીએ એને હાથ પકડીને ઊભી કરી એ વિરલ અને અચાનક બની આવેલું દ્રશ્ય એમણે ઝડપી લીધું. એક એક તસવીરમાં ગાંધીજીના ચહેરા ઉપર આંખોમાં અથવા એમના સમગ્ર વ્યક્તિત્વમાંથી સ્કુટ થતી વ્યથાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ બિંદુને જગન મહેતાએ ઝડપી લીધું.
           ગાંધીજી સાથેની આ યાત્રા પરથી પાછા આવ્યા પછી એમની શાંતિયાત્રાના આઠ ફોટોગ્રાફ્સનું આલ્બમ એમણે બરાબર ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ના દિવસે જ પ્રગટ કર્યું. આખા યે દેશમાં ગાંધીજી અંગેના ફોટોગ્રાફ્સનું આ સૌ પ્રથમ પ્રકાશન હતું. કાકા કાલેલકરે એક જગ્યાએ લખ્યું : ‘ચિત્રકાર (ફોટોગ્રાફર) જગન મહેતા કો તો સારે હિંદુસ્તાન કી ઓરસે ધન્યવાદ મિલના ચાહીએ.’ એ પછી ફુવારા પાસે શેરબજાર હૉલમાં એમાંની ચાલીસ તસવીરો પ્રદર્શિત થઈ અને લોકોનું ધ્યાન ખેંચાયું. ગાંધીજીની હત્યા થઈ ૩૦મી જાન્યુઆરી ૧૯૪૭ના દિવસે અને એ પછી તો આ તસવીરોનું મૂલ્ય અધિક વધ્યું. ફોટોગ્રાફિક સોસાયટી ઑફ અમેરિકાએ નિહારિકા ફોટોક્લબને લખ્યું કે તમે અમને ગાંધી શો આપી શકશો ? અમદાવાદની નિહારિકા કલબે ૨૮ ફોટોગ્રાફ્સનો સેટ અમેરિકા મોકલ્યો; જેમાંની એકવીસ તો જગન મહેતાની લીધેલા હતા. ત્યાં સતત દોઢ વરસ આ પ્રદર્શન ફરતું રહ્યું.

            પણ હજુ સુધી પણ જગન મહેતા પાસે પોતાનો કહી શકાય એવો સારો કૅમેરા નહોતો. અમદાવાદમાં શરૂ કરેલો સ્ટુડિયો ભાગીદારની ભૂલ કે સંજોગોને કારણે બંધ કરવો પડ્યો.

*************************************************************************

            લેખકોના ફોટોગ્રાફ્સ લેવા માટે જગન મહેતા તક મળે ત્યારે ઝડપી લે. આજથી પચ્ચીસેક  વરસ પહેલાં સુરેન્દ્રનગરમાં એક સમારંભમાં ગાંઠના ખર્ચે માત્ર લેખકોની તસવીરો લેવા માટે આવ્યા. મને જોયો, કોઈએ મારું નામ કહ્યું હશે તે ઓળખાણ વગર જ ઊભો રાખીને મારા ફોટા ઝડપવા માંડ્યા. પછી નામ પૂછ્યું તો રૂપેરી થઈ ગયેલા વાળ ઉપરથી છટાથી હાથ ફેરવીને કહે, ‘જગન મહેતા.’ તરત જ મારા મનમાં ગાંધીજી બે મહિલાઓને ખભે હાથ રાખીને ‘ટોવર્ડઝ લાઈટ’ જાય છે તે જગવિખ્યાત તસવીર ચમકી ગઈ અને કવિ નાનાલાલની ‘જલધિતટે કવિ’ પણ યાદ આવી ગઈ. આ બધા હિમાલયો વચ્ચે ટેકરીઓની તસવીરો તે લેવાતી હશે ? મને શરમ થઈ આવી. તો મને એમણે બીજા ત્રણસો કવિ-લેખકોનું લિસ્ટ પણ બતાવ્યું અને એમાંથી પચાસ-સાઠ તો ખરેખર મૂર્ધન્યો જ ! મને કહે કે જિંદગી ધરીને સારો કૅમેરા વસાવવાની મનોકામના હજુ ૧૯૮૪માં જ પૂરી કરી છે તે આને માટે.! આને વેચવાનો કોઈ ઈરાદો નથી. જિંદગીમાં ધંધો કદી આવડ્યો નથી. કોઈપણ સાહિત્યિક સભા-સમારંભમાં બોલાવ્યો કે વણબોલાવ્યો પહોંચી જાઉં છું અને રહી ગયેલા લેખકોને ઝડપી લઉં છું. ફિલ્મી  સિતારાઓની તમા નથી. સાહિત્યકારોની તો ઘેલછા છે. એવી જ બીજી એક ધૂન છે ભારતીય શિલ્પસ્થાપત્યની ફોટોગ્રાફિક રેકોર્ડ કરવી તે કરી. સારી એવી કહી શકાય એવી કરી.

             પણ જિંદગી ધરીને ફરી નોકરી નહીં કરવાની ટેક તૂટી ગઈ. ૧૯૫૪ થી ૫૭ છૂટક કામ કર્યું, પણ નાણાખેંચ નડી. છેવટે મૂછ નીચી કરીને ૧૯૫૮માં મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં ફોટોગ્રાફરની નોકરી લીધી. દસ વરસ કરી. ૧૯૬૮ થી ૧૯૭૪ સુધી સી..એન. કૉલેજ ઑફ ફાઈન આર્ટ્સમાં ફોટોગ્રાફી શીખવી. આ બધા પછી જ છોકરાઓને ભણાવી શક્યા, નોકરીએ વળગાડી શક્યા. અમદાવાદમાં નારાયણનગર વિસ્તારમાં જયભિખ્ખુ માર્ગ ઉપર ચંદ્રનગર સોસાયટીમાં ૧૭-અ નામનો બ્લૉક લઈ શક્યા. ઘેર પુત્ર ઉપેન્દ્રની નોકરીને કારણે 079 26630136  નંબરનો ફોન આવી શક્યો.(મોબાઇલ-9428046657) પણ નક્કી થઈ ગયું કે ગુજરાતે તેમને નોકરી વગર એકલી એમની ફોટોકલા ઉપર જ જીવવા દેવાનું મંજૂર ન કર્યું. હા ! કોઈ વ્યક્તિ કે સંસ્થા એમના હિમાલયના કે બીજા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરે તો અદભૂત ખજાનો સાંપડે. અને તો એમની આજે એંસી વરસની ઉંમરે પણ અધૂરી રહી ગયેલી ઈચ્છા પાર પડે. કઈ છે એ ઈચ્છા ? અબળખા ? કલાકારની ઈચ્છા શું હોય ?

            એક કલર કૅમેરાની ઈચ્છા, એક ટેલી ફોટો લેન્સ લેવાનું મન અને પોતે ખેંચેલા ગાંધીજીના ચિત્રોની સ્લાઈડ્સ બનાવવાનું મન.

અરે જગન મહેતા, આવી ઈચ્છાઓ હોય ? અગીયાર લાખની થેલીની ઈચ્છા કરવી હતી ને ?

Wednesday, June 25, 2014

તમારે શું જોઈએ, જગનદાદા ? (૧)

[અમુક સુથારને જેમ સુથાર કહેવું આપણને ના ગમે, કારીગર કહેવું જ ઠીક લાગે. તેમ અમુક ફોટોગ્રાફરને માત્ર ફોટોગ્રાફર કહેવાનું યોગ્ય ના લાગે, તેમને તો ફોટોઆર્ટિસ્ટ જ કે તસ્વીરકાર જ કહેવા પડે. તેવું સ્વ.જગન મહેતાનું છે. છત્રીસેક વર્ષ અગાઉ તેમની પહેલી મુલાકાત સુરેન્દ્રનગરમાં મોહમ્મદ માંકડની પચાસમી  વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે થયેલી તે પછી પરિચય વધતો અને ગાઢ થતો ચાલ્યો. વયમાં ઘણા મોટા, પણ પોતાની વડિલાઇની યાદ કદિ પણ ના અપાવનારા ખરેખરા “વડિલ” તે જગન મહેતા.,  તેમના  વિષે લખવાનું નિર્ધાર્યું ત્યારે જરા પણ મોંઘા થયા વગર તેમણે યાદ ગઠરીયાં ખોલી તેનું પરિણામ તે આ વર્ષો અગાઉ મારી “સંદેશ”ની  કોલમ “ઝબકાર” માટે લખાયેલો (અને છેલ્લે છેલ્લે અપ-ડેટ કરેલો આ લેખ)] 
       
વિયેના શહેરની એક ઠંડી બરફ જેવી ગલી. સાલ ૧૯૩૫ની. મહિનો નવેમ્બર. હતી તો બપોર, પણ બાળી નાખે એવી નહીં, થિજાવી દે તેવી. જુનવાણી બાંધણીના મકાનની ત્રીજા માળની બારી પાસે જગન મહેતા નામના ગુજરાતી જુવાન દર્દીએ પોતાનું બિછાનું રાખ્યું છે. બહાર બરફ પડે છે અને જગન મહેતાના શરીરમાં ટેમ્પરેચર વધતું જાય છે. બ્લેન્કેટથી આખું શરીર ઢબૂરેલું છે. માત્ર આંખો ઉઘાડી રાખીને બારીની બહારનું દ્રશ્ય તાવિયેલ આંખે મનના પડદા ઉપર ઉતાર્યા કરે છે. મિનિટો, કલાકો અને કલાકો અને કલાકો....
            એવામાં એકાએક એની આંખો ચમકે છે. સામે શેરીમાં કોઈ એકલો માણસ ઓવરકોટ અને બનાતની કાળી ટોપી પહેરીને ચાલ્યો આવે છે એ કોણ ? લશ્કરી કદમ, ટટ્ટાર છાતી, ચશ્માં; પણ ચહેરા ઉપર લોહનું અદ્રષ્ટ રસાયણ. કોણ ?
           સુભાષબાબુ તો નહીં ?
જગન મહેતા વિયેનામાં 
           હા. એ સુભાષબાબુ જ છે. દેશવટો પામીને ઑસ્ટ્રીઆ આવ્યા છે. અહીં વિયોનામાં જ હૉટેલ ડી. ફ્રાન્સમાં રહે છે. મહિનામાં બે વાર વિયેનામાં રહેતા ગુજરાતીઓ એમને ત્યાં ભેગા થાય છે. ડૉ. કત્યાલ, બનારસના ડૉ. ગેરઉલ્લા, ડૉ. મનુભાઈ ત્રિવેદી-ચોથા એમાં કલાકાર જગન મહેતા ભળ્યા છે. ગુજરાતીઓમાં તો આ બે જ. એ અહીં ફોટોગ્રાફી અને પ્રિન્ટિંગ ટેક્નોલૉજીનું શીખવા માટે ભાવનગર સ્ટેટની સ્કૉલરશિપ પર આવ્યા છે. સુભાષબાબુએ અહીં હિંદુસ્તાન એકેડેમીકલ ઍસોસિયેશનની સ્થાપના કરી છે. મળે છે ત્યારે રાજકરણની વાતો થતી નથી. હસવા-હસાવવાનું ચાલે છે, પણ વાતો કરતાં કરતાં સુભાષબાબુ ઘણીવાર એકદમ ગમગીન થઈ જાય છે. ક્યારેક એકદમ ઉગ્ર. એમને શિસ્ત ગમે છે, સભ્યતા પણ. એક વાર જગન મહેતા એમની સાથે કમલા નહેરુને લેવા માટે સ્ટેશને ગયેલા. કમલા બીમાર હતાં. નહેરુને લેવા માટે સ્ટેશને ગયેલા. કમલા બીમાર હતાં. નહેરુએ એમને આખા યુરોપમાં વિખ્યાત એવા ડો. નોયમાનની ટી.બી. અંગેની સારવાર લેવા વિયેના મોકલેલાં. મતભેદો હોઈ શકે, પણ નહેરુ અને સુભાષના માર્ગો એક જ હતા. એટલે મિત્રતા હતી. એ મિત્રપત્નીને લેવા માટે સુભાષબાબુ સ્ટેશને ગયા. કમલા નહેરુને સ્ટ્રેચરમાં ઉતારવામાં આવ્યાં. સાથે પંદર-સોળનાં ઈંદિરા. કૃશકાય કમલાના સ્ટ્રેચર પર લંબાયેલા આજાર શરીર પર એક ડૉક્ટરે માન દર્શાવવા માટે ગુલછડી મૂકી અને તરત જ સુભાષનો પિત્તો ગયો. એટલું ય સમજતા નથી ? ગુલછડી તો હંમેશા મૃતદેહ પર મુકાય ! જ્યારે આ તો જીવતી સન્નારી છે. છટ ! સુભાષબાબુ ગરમ થઈ ગયા. જગન મહેતાએ જરી ટાઢા પાડ્યા. કમલાના કૃશ હાથમાં ગુલાબનું ફૂલ મૂકીને  “વેલ્કમ” કહ્યું. સુભાષબાબુ મરકી ગયા, ને પેલા ડૉક્ટરનો શ્વાસ હેઠો બેઠો.
           આ સુભાષબાબુ સામેથી એકલા ચાલ્યા આવતા બારીમાંથી દેખાઈ રહ્યા છે ? આ બરફના વરસાદમાં ! આશ્ચર્ય !
            ધીરે ધીરે બે દાદરા ચડીને સુભાષબાબુ અંદર આવે છે. બરફના કણોવાળી ટોપી ઉતારે છે. મોં લૂછે છે ને જગન મહેતાની નજીક આવે છે. એમનું કાંડું હાથમાં લે છે. ક્ષણ પછી બોલે છે : “ ધિ બૉડી ઈઝ બર્નિંગ. હાવ ડુ યુ સર્વાઈવ ? (શરીરમાં તો કે ધાણીફૂટ તાવ છે ! કેવી રીતે જીવો છો ?)
           જગન મહેતા આભારવશતાથી એમની સામે જોઈ રહે છે. કશું બોલતા નથી. થોડી વારે નબળાઈથી ડોક એક તરફ ઢાળી દે છે.
‘બહુ અશક્તિ લાગે છે.’ સુભાષબાબુ બોલે છે : ‘એક સલાહ આપું છું.’ એ વળી જરા અટકીને બોલે છે : ‘તમે શુદ્ધ શાકાહારી ગુજરાતી બ્રાહ્મણ છો એની મને ખબર છે; પણ મારી એક વાત માનો મિસ્તર મહેતા.... ઍટ લીસ્ટ, યુ મસ્ટ ટેઈક એગ્સ (તમારે કમસે કમ ઈંડા તો લેવાં જ જોઈએ.)”
            જગન મહેતા માંદું હસે છે. બોલે છે : ‘મને એનો નોશિયા (બકારી ) છે. એક વાર ચણાના લોટ સાથે કાંદા નાખીને ઈંડાની આમલેટ લેવા પ્રયત્ન કરેલો, પણ ઊલટી થઈ ગઈ.’
            પણ સુભાષબાબુ બોલે છે : ‘તમારે ગમે તે ભોગે જીવવું જોઈએ. જરૂર જીવવું જોઈએ. અમારા જેવા મરી જશે તો ચાલશે. તમારે ન મરાય કારણ કે તમે આર્ટિસ્ટ છો આર્ટિસ્ટ.’
ગયા ગુરુવારે મોર્ફિનનાં ઈંજેક્શનો લીધેલાં. એનું ઘેન હજુ પૂરું મોળાયું નથી. ચાદરો-ધાબળા વીંટાળેલા છે. એની કોઈ અસર નથી. વિયેના આવતાવેંત તરત જ કરોડરજ્જુમાં ટી.બી. થયો અને મોટી માંદગીને ખાટલે આ પારકા પરદેશમાં પડ્યા એની બદબખ્તીનો ઘા માનસિક રીતે તાજો છે. વતની તો સાણંદના, છતાં ભાવનગર સ્ટેટે આપેલી સ્કોલર એ કાણા પડિયામાં પીરસાયેલું અમૃત સાબિત થઈ, એના શોકથી મન સંતપ્ત છે. છતાં ‘આર્ટિસ્ટ છો, તમારે જીવવું પડશે’ એવા સુભાષચંદ્ર બોઝના શબ્દો બહુ કવતા ગૂમડા ઉપર ઠંડી ફૂંકનું કામ કરે છે.
           ‘મહેતા,’ સુભાષબાબુએ પૂછ્યું : ‘તમારા પિતા શું કામ કરે છે ?’
           ‘સાણંદ ગામમાં વૈદ્ય છે.’ એ બોલ્યા, ‘સૌ એમને વૈદ્યભાના નામથી ઓળખે છે. એમના પિતા પણ વૈદ્ય હતા અને ઝંડુભટ્ટના શિષ્ય હતા. મારા મામા, માસા, ત્રણ બનેવી, સસરા, કાકા બધા વૈદ્ય છે. મારા મોટાભાઈ જયદેવભાઈ પણ વૈદ્ય છે. એક માત્ર હું જ નક્કામો પાક્યો. મેં તો દેશસેવા પણ કંઈ કરી નથી. મારા બાપા તો રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં પડ્યા. ૧૯૨૦ની અસહકારની ચળવળમાં પડ્યા. પૈસો બચાવ્યો નહીં અને દેશસેવા કરે છે, પણ હું તો કોઈ કામનો ના રહ્યો.’
  ‘પણ તમે તો આર્ટિસ્ટ છો.’ સુભાષબાબુ બોલ્યા : ‘તમારે જોઈએ શું ? જે તારી પાસે છે એ બીજા પાસે નથી.’
              જગન્નાથ વાસુદેવ મહેતા ઉર્ફે જગન મહેતા કંઈ બોલ્યા નહીં. થોડીવારે વિવેક યાદ આવ્યો એટલે ભાવનગરથી આવેલી બદામની પૂરી ટિપાઈ પર પડેલી તે માંદામાંદા હાથ લંબાવીને એમને ધરી. પહેલાં તો એમણે ના પાડી, પણ પછી ભાવી એટલે સ્મિત કરીને બીજી બે માગી લીધી. પછી બહુ ભાવી એટલે બીજી  બે માગી લીધી કોના માટે ? ‘વન આઈ શેલ ગીવ ટુ માય સેક્રેટરી મિસ....’ (જગન મહેતા નામ ભૂલી ગયા છે – પણ સુભાષબાબુનું સ્મિત નહીં. આખર સ્મિત જ ચિરંજીવી હોય છે, નામ ક્યાં ?)
            થોડી પળો એમ મૌનમય વીતી. અંતે જગન મહેતાની મકાનમાલિકણ સુભાષબાબુને ચાનો કપ આપી ગઈ. સુભાષબાબુએ એ લીંબુ નાખીને પીધી ને પછી ‘બી કરેજિયસ માય ફ્રેન્ડ’ કહીને દાદરો ઊતરી ગયા.
           જગન મહેતા ફરી એમને સફેદ બરફના કંઈક હળવા પડેલા વરસાદમાં એ લાંબી શેરીના છેડા સુધી પહોંચીને વળી જતા જોઈ રહ્યા. એ તો ગયા, પણ મનમાં એક વારંવાર ડંખ્યા કરતો પ્રશ્ન મૂકતા ગયા. ‘તમારે જોઈએ શું? શું જોઈએ ? બોલો, શું જોઈએ ?’
           જગન મહેતા જાતને મશ્કરીમાં પૂછવા માંડ્યા. બોલ, બોલ, તારે શું જોઈએ ? બોલ ને !
****  *****  ****
           ‘ઊડતા પંખીની તસ્વીર પડે. આજે જ ઑર્ડર નોંધાવો.... કિંમત રૂપિયા સાત. પોસ્ટેજ ફ્રી. મળો યા લખો.’
            આવી એક જાહેરખબર જગન મહેતા જ્યારે પાંચમા ધોરણમાં હતા ત્યારે વાંચી હતી. કૅમેરાની હતી. આટલો સસ્તો બૉક્સ કેમેરા જ હોય. પણ ‘ઊડતા પંખી’ની વાત ભારે જાદુઈ નીકળી. પિતા પાસે હઠ પકડી. ખરેખર તો ‘વેન’ કર્યું. પિતા એ વખતે કોઈ ગરીબ સુવાવડી માટે ખરલમાં મફત દવા ઘૂંટતા હતા. દવા જાવક ખાતે હતી એટલે સાત રૂપિયા પોષાણ નહોતા. એમણે કહ્યું, ‘પહેલા મૅટ્રિક પાસ થા, પછી કૅમેરા અપાવવાની જવાબદારી મારી.’ આમ બે વરસે વાત ગઈ અને પછી જગન મહેતા મૅટ્રિકમાં નાપાસ થયા. કૅમેરાની અબળખા પૂરી ના પડી. ઊલટાનું હવે શું કરવું તે સવાલ પેદા થયો.
           અમદાવાદ રહેતા કલાગુરુ રવિશંકર રાવળ વાસુદેવ મહેતા (જગન મહેતાના પિતા)ના ખાસ મિત્ર હતા. તેમણે કહ્યું : ‘જગન તમને કેમેરા અપાવવાનું કહેતો હતો ને ?’ આ પ્રશ્ન વાસુદેવભાઈને હતો.
            ‘મતલબ કે એને વૈદકનો નહીં, કલાનો શોખ છે.’
            ‘હા.’ જગન મહેતાના પિતા બોલ્યા : ‘એ તો એમ પણ કહેતો હતો કે મને મુંબઈની જે જે સ્કૂલ ઑફ આર્ટમાં ભણવા બેસારો.’
           ‘સાચી વાત છે, બેસારો. છોકરો ઝળકી ઊઠશે.’ રવિશંકર રાવળ બોલ્યા.
           ‘પણ’ જગન મહેતાના પિતા બોલ્યા : ‘તમે તો રવિભાઈ, મારું જીવન સારી રીતે જાણો છો.’ આટલા વાક્યમાં આર્થિક સ્થિતિનો સંકેત આવી જતો હતો. હવે વધુ બોલવાની જરૂર નહોતી છતાં પુત્રપ્રેમના ધક્કે  એ બોલ્યા : ‘તમે માર્ગ સુઝાડો.’
           રવિશંકર રાવળ ‘ચિત્ર’ના જ નહીં ‘મિત્ર’ના પણ માણસ હતા. એ બોલ્યા : ‘વાસુદેવભાઈ, તમે નચિંત રહો-તમે એને મારી પાસે મોકલો. મારી પાસે એ ચિત્રકામ શીખશે. તમે એક વર્ષનો એનો ખર્ચ રૂપિયા બસ્સો જેટલો આવશે તે ભોગવજો. પછી બીજા વર્ષથી તેની ચિંતા અને જવાબદારી તમારી મટીને મારાં બની જશે. આપણી દોસ્તી એટલી ગાઢ છે કે વધુ શું કહું ?’ પછી વળી જગન મહેતાનો તરવરાટ જોઈને બોલ્યા : ‘પણ તમે સાથે ન આવશો. એનામાં આત્મવિશ્વાસ પ્રગટવા દેજો. એને એકલાને જ મોકલજો.’
           વીસ વરસના જગન મહેતા અમદાવાદ જઈને રવિશંકર રાવળને મળ્યા. થોડું મુક્તહસ્ત ચિત્રકામ કરાવ્યું.
            રાજી થઈ ગયા. ‘કુમાર’ વાળા બચુભાઈને ઓળખાણ કરાવી કહ્યું કે આ છોકરાનો એક વરસ સુધીનો ખરચ બચુભાઈ, તમે આપજો. પછીની જવાબદારી મારી. આમ ૧૯૨૯માં જગન મહેતા ‘કુમાર’માં આવ્યા; પણ પેલો કૅમેરા ખરીદવાનું ખ્વાબ સળવળતું રહ્યું.
જગન મહેતા 
            ‘કુમાર’માં તો શું કરે કે સામે કોઈ જડ મોડેલ મૂકે. એનું કૉપિઈંગ કરવાનું કહે. રવિશંકર રાવળે કહ્યું કે મૂંઝાઈશ નહીં જગન. ડ્રોઈંગ થોડું શીખ; બાકી તને ફોટોગ્રાફી પણ શીખવા મળે તેવું ગોઠવી દઈશ. એ બન્નેનો સમન્વય પણ શીખવા જેવો હોય છે. ‘એ કેવી રીતે ?’ ના જવાબમાં એમણે એક ફોટોગ્રાફ ઉપર વૉટરપ્રૂફ ઈન્કથી ડ્રોઈંગ કર્યું. અને એના ઉપર પછી ફેરીસાઈનાઈટ બ્લીચિંગ કર્યુ એટલે ફોટોગ્રાફિક આભાસ ઊડી ગયો. રેખાંકન રહી ગયું. જગન મહેતાને મન આ ચમત્કાર હતો. જાતે કરી જોયું. પછી ડાર્કરૂમમાં એક ખૂણામાં નાનું એન્લાર્જર પણ હતું. એમાં પ્રિન્ટનું કામ શીખ્યા. લગભગ ૧૯૩૨ની સાલ સુધીમાં તો જગન મહેતાનું ફોટો પ્રિન્ટીંગ ‘કુમાર’ જેવા ચોખલિયા માસિકને પણ ખપમાં આવે એવું થઈ ગયું. ૧૯૩૨માં જે.એન. ઊનવાલા નામના કલાકારે સ્થાપેલી ફોટોગ્રાફિક સોસાયટી ઑફ ઈન્ડિયાએ અખિલ ભારતીય ફોટોગ્રાફિક પ્રદર્શન મુંબઈમાં ગોઠવ્યું. એમાં જામનગરના દરવાજામાં ગાડું જાય છે એવો ફોટો શ્રીદામ ભટ્ટે ખેંચેલો એ પસંદ થયો. બીજા ઘણાએ પણ મોકલેલા. ચારે તરફ પૃચ્છા થઈ કે, ભાઈ, આ બધા ફોટાનાં પ્રિન્ટ્સ કોણે કાઢયાં છે ?

            જવાબ મળ્યો : ‘ચોવીસ વરસનો છોકરો છે – જગન મહેતા. બાકી શું હાથ બેસી ગયો છે ! કહેવું પડે.’
             જગન મહેતાને મૂળ ચિત્રકારીનો શોખ. પણ હવે પૂરા ફોટો આર્ટિસ્ટ થવાના કોડ જાગ્યા હતા. કૅમેરા માટે તો એ બાર વરસની ઉંમરથી અધીરા થઈ ગયા હતા. ‘ઊડતા પંખીની તસવીર લે’ એવો કેમેરા લેવો હતો, પણ મેટ્રિકમાં દાંડી ઊડી ગઈ એથી બાપાએ લઈ આપ્યો નહોતો. ત્યારથી રંજ રહ્યા કરતો હતો.
            પણ ૧૯૩૧માં રવિશંકર રાવળે એમની પોતાની ‘કુમાર’વાળી કમાણીમાંથી એમને કૅમેરા અપાવી દીધો. એક્સો દસની ગંજાવર કિંમતનો હતો. એનું નામ હતું મૅક્સીમાર. ચિતારાને કોઈએ જાણે કે પહેલવહેલી પીંછી અપાવી. બસ, પછી જગન હતો અને જગત ! અને આયુષ્યનાં બાકી વર્ષો.

                                                                          ****  *****  ****
             ‘કુમાર’માં ચાર વરસ કાઢ્યાં ત્યાં રવિભાઈને ભાવનગરના રજવાડાનું કામ મળ્યું. જગન પણ સાથે જ. મૅક્સીમાર કૅમેરાના માલિકને મૅક્સીમાર નાનો પડવા માંડ્યો. ઓહોહો, કેટલા બધા સુંદર ફોટોગ્રાફ્સ કેટલા બધા કલાકારો પાડી બતાવતા હતા! આ નાના કેમેરાથી શું થાય ? વધારે સારો, ઝીણું કામ આપે એવો જોઈએ. આમ સ્વપ્નું પણ ‘ઈલાસ્ટિક’ નીકળ્યું. વિદેશ જવું જોઈએ. ત્યાં જઈને શીખવું જોઈએ, પણ ‘જોઈએ’નું લિસ્ટ લાંબું ને ‘છે’ નું લિસ્ટ ટૂંકુ ! કેમ મેળ પડે ?
            છતાં પ્રયત્ન કરી જોયો. ભાવનગરના રાજવીને ત્યાં હેર કેનપ્સી નામનો એક જર્મન કલાકાર પણ કામ કરતો હતો. એણે જગન મહેતાની તસવીરો નિહાળી. ફીદા થઈ ગયો. ત્યાં વળી કર્નલ બળવંત ભટ્ટ જે ખુદ પણ એક નામી ફોટોગ્રાફર. એમની પાસે વિયેનાની એક સંસ્થાનું માહિતીપત્રક નીકળ્યું. રાજ્યે સ્કૉલરશીપનું કરી આપ્યું અને ૧૯૩૪માં આ રીતે વિયેના ગયા. વિયેના ગયા ત્યારે ૧૯૩૪ની સાલમાં ઑગસ્ટ માસમાં મુંબઈ બંદરે મોટો મિત્ર સમુદાય વળાવવા આવેલો. તેમાં ઉમાશંકર જોષી પણ હતા. ખેર, એ બધા મિત્રોને છોડીને વિયેના આવ્યા અને સંસ્થામાં દાખલ થઈ ગયા. ને ત્યાં બ્લૉક બનાવવાની કામગીરી શીખવાની શરૂઆત કરી.
જગન મહેતા 
            પણ ત્યાં તો કરોડરજ્જુનો ક્ષય લાગુ પડ્યો અને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. – સુભાષબાબુનો પરિચય થઈ ચૂક્યો હતો. એ વખતે એ ‘સ્ટ્રગલ ઑફ ઈન્ડિયા’ નામનું પુસ્તક દેશનિકાલ રહ્યે રહ્યે પણ લખતા હતા. જગન મહેતાના ચહેરા પરની કુમાશ, ભદ્રતા અને સૌથી વધુ તો એની કલાકારી એમને ગમી ગઈ.

     એમણે જ જગન મહેતાને માંદગીને બિછાને પૂછ્યું હતું : ‘તમારે જોઈએ શું ? શું જોઈએ ?’

             જગન મહેતાના મોંમાં ‘એક ઉત્તમ રોલીફ્લેક્સ કે એવો કેમેરો’ એવા શબ્દો આવતા આવતા રહી ગયા. દેશ માટે દેશનિકાલ નેતાને મોઢે આવી સ્થૂલ વાત શી રીતે કરવી ?

             માંદગી અસહ્ય વધતી ગઈ. દેશમાંથી માતા-પિતાના ચિંતાપત્રો આવતા હતા. આગળ અભ્યાસ શક્ય નહોતો. હવાપાણી માફક નહોતાં. ભલે ભાવિ ધૂંધળું હતું, ભાવનગર સ્ટેટ દવાદારૂના પૈસા ચૂકવવા તૈયાર હતું, પણ એ મંજૂર નહોતું. એ ભીખ લાગતી હતી.

             અંતે જગન મહેતા ૧૯૩૬માં ભારત પાછા ફર્યા. હતાશ અને બીમાર.

(ક્રમશ:) 

Wednesday, May 14, 2014

સહી અને ઑટોગ્રાફ વચ્ચે અંતર કેટલા વરસનું ?


કવરની પાછળ મોકલનાર તરીકે નામ નહિં, ઉપનામ લખેલું “સર્વગ્રાહી”. બાકી સરનામું.
લખતા હતા: “આપ પાંચ સાત જણા વચ્ચે ઘેરાયેલ હતા અને તમને કોઇ એક મિનિટ માટે પણ છોડે એમ નહોતા અને મારે અશેષિયો ઉતાવળ કરતો હતો એટલે મારે ભાગવું હતું, નહિતર આપનો ઑટોગ્રાફ લીધા વગર પાછો જાત નહિં. તમે ભલે વતનને પચાસ વરસથી છોડી દીધું, પણ આપણા પંથકના તો ખરા ને ? મારી પાસે બસો છપ્પન ઑટોગ્રાફો છે. ધૂમકેતુથી માંડીને પાકિસ્તાન વયા ગયેલા શવકીન જેતપુરી સુધીનાના છે. ગુણવંતરાય આચાર્યના પણ ખરા, કારણ કે એ જેતલસરના હતા. બાકીમાં એક તમે રહ્યા છો. તમારા માટે ચોપડામાં અલાયદી કોરી જગ્યા રાખી છે. ”
આટલું વાંચતા લેખકને બાર મિનિટ થઇ. હજુ આખો વાંચવો હોય તો પોણો કલાક ખાઇ જાય. ખીચોખીચ અને ગરબડીયા અક્ષરો, વચ્ચે બે શબ્દો વચ્ચે ઘોડી કરીને નવા વાક્યો ઘુસાડેલા, વળી ટપાલનું કવર ખોલતાંવેંત ગુંદર સાથે ચોંટી જવાને લીધે કેટલાક શબ્દો ઉતરડાઇ ગયેલા. આમાં શું વાંચવું ? છતાં એના જ વતનના કોઇ જૈફ વયના ચાહકનો કાગળ હતો એટલે વાંચવાનો પુરુષાર્થ લેખકે આદર્યો. પણ અંતે ચાર વાક્યો પછી ચશ્મા ઉતારી જ નાખવા પડ્યા. જેટલું વંચાયુ તેમાં વખાણોનો ગંજ તો જાણે કે સમજ્યા, હોય જ, પણ વચ્ચે વચ્ચે સલાહ-મશવરા એવા એવા વેરેલા કે કાગળકલમ એને હવાલે જ કરીને ગંગાકિનારે પહોંચી  જવાનું ઝનૂન ઉપડે. એનો એક નમૂનો: "તમે મતિલાલને સાતમા પ્રકરણમાં જ મારી નાંખ્યો એ મને તો બહુ સારુ લાગ્યું. પણ હવે સવાલ એ ઊપજે  છે કે તમારા હીરા અનુરાગને હવે ટકરાવાનું કોની સાથે ? હિરોઇન સુરૂપાને હવે ફફડવાનું કોનાથી ? તમે તો એવું કર્યું કે જાણે દૂધમાં ઉફાળો આવતા પહેલાં જ તપેલીની નીચેથી ચૂલો ખેસવી લીધો. વાંધો નહિં મે'રબાન, પણ તમે ય જો મૂંઝાણા હો તો મને એક પત્તું લખી નાખજો. મારી પાસે એનોય કિમીયો છે. કલમ તમારી, કિમીયા મારા.,,, જેમ કે.....”
કાગળ ફાડી નાખવા જતા હતા લેખક ત્યાં કવરમાંથી એક જુદી ચબરખી ટપકી પડી, લાલ અને ઘાટા અક્ષરે લખેલી: “9 મી એ આપ ફરી આ ગામમાં પધારો છો, તો આ વખતે તો ઑટોગ્રાફ લીધા વગર નહિં જવા દઉં. મારાથી ભાષણમાં અવાય એમ નથી, કારણ કે તમે જ્યાં બોલવાના છો એ નિશાળના હેડ સાથે મારે ઠેરી ગયેલ છે. માટે તમારું પૂરું થાય એટલે પાડોશીનો છોકરો અશેષ હિંમતલાલ તમને ગાડી લઇને લેવા આવશે, એમાં બેસી જ જજો. એકલો જ છું. મારે ત્યાં જે ટિફીન આવે છે એમાં બે જણા આરામથી આરોગી શકશું. હું તો આમેય ઉણું ખાનારો છું. આવવાનું નક્કિ જ રાખજો, કારણ કે હવે ઇઠ્યાસી ઉપર વયો ગયો છું. એક આ તમારા ઑટૉગ્રાફ લેવાનું કામ ઉકલી જાય પછી જૂના..”
આ છેલ્લા શબ્દો પછી અક્ષરો આમાંય ઉતરડાઇ ગયા હતા. લેખકે પોતાની રીતે મનમાં જ એ અધૂરું વાક્ય  પૂરું કરવા ઘણી બધી શબ્દરચના કરવા ચાહી, પણ ન બની શક્યું  “ઉકલી જાય પછી  જૂના....,”  પછી શું લખ્યું હશે કે જે મારા સુધી પહોંચ્યાની એમને ખાતરી હશે, પણ મને પહોંચ્યું જ નથી? શું હશે ? શું હોઇ શકે? “જૂના” શબ્દ પછી શું હશે ?
પછી નક્કિ રાખ્યું કે કલ્પનાઓ નથી કરવી.. એની પાસે તો ખરેખર એક વાર જઇ આવવું જ જોઇએ.

                                        **** **** **** 
9 મી તારીખે
ભાષણને અંતે છેલ્લી તાળી પડી ત્યાં અશેષ હિંમતલાલ પ્રગટ થયો. ગરદન ઝૂકાવીને સ્મિત આપ્યું. પછી જમણા હાથની પહેલી આંગળીમાં પરોવેલી ગાડીની ચાવી હથેળી ઉંચી કરીને બતાવી. અને લેખકના ચિત્તમાં ઉતાવળનો સંચાર કરી દીધો. એટલે સંચાલકોનું ચેમ્બરમાં આવીને ચા નાસ્તો લેવાનું કહેણ પણ લેખકે ટાળી દીધું. અશેષ હિંમતલાલ પીળી નેનો લઇને આવ્યો હતો. પાછલી સીટ પર ગાલીચો અને ઉપર ગુલાબની પાંદડીઓ વેરેલી. બહુ ઝડપથી ગાડી ચલવીને પહોંચાડ્યા. બારણામાં ટોપીધારી “સર્વગ્રાહી” લાકડીના ટેકે રાહ જોઇને જ ઉભા હતા. બોખા મોંનો  આવકારો પામીને લેખક અંદર ગયા ત્યારે જોયું કે ભોંય પર બે આસનીયા પાથરેલાં. બન્નેની સામે પિત્તળના થાળી-વાડકા-ચમચીઓ ઉંધા વાળીને રાખેલાં.વચ્ચે ઝૂલતા મિનારાની જેવા ચાર ખાનાના ટિફીનને ઉભું રાખેલું.
પણ એને ખોલવાનું ક્યારે ?
સર્વગ્રાહી અંદરના ઓરડે ગયા અને લગભગ પ્રકાશની ઝડપે પાછા આવ્યા ત્યારે હાથમાં પાકી બાંધણીની ફુલ સાઇઝની નોટબુક હતી. અગાઉથી ફ્લેપ ભરાવીને રાખેલું પાનું ખોલ્યું.એક કોરી જગ્યાએ “મહાન લેખક” એમ લાલ શાહીથી લખીને પછી લેખકનું નામ લખેલું. ત્યાં આંગળીથી ટકોરા મારીને અરજ ગુજારવાની ઢબે કહ્યું ”અહિં”. પછી પેન ધરી.
લેખકે પેન હાથમાં લીધી. પકડી રાખી. સર્વગ્રાહીના મોં સામે ઝીણી નજરે જોયું, પછી એકદમ પૂછ્યું, "તમે વસનજીભાઇ છાટપારીયા તો નહિં ?”
સર્વગ્રાહીએ ટોપી ઉતારી. હસ્યા, એટલું જ કહ્યું, “ઓળખી ગયા ?”
“અરે,ભૂલાય કંઇ ?તમે વણિક લાયબ્રેરીના લાયબ્રેરીયન હતા. અને મારી બાર વરસની ઉમરે ત્યાં રોજ સાંજે વાંચવા આવતો. અરે મને તો એય યાદ છે કે એક વાર ..”
”એવું કાંઇ યાદ રખાય નહિં, ભલા માણસ !” સર્વગ્રાહી બોલ્યા” લ્યો.ઑટોગ્રાફ આપોને !”
લેખક સમજી ગયા. સર્વગ્રાહીએ “એવું કાંઇ” એમ કેમ કહ્યું ? પછી ગડ બેઠી. અચ્છા,તો સર્વગ્રાહીને પણ એ ઘટના યાદ છે. ચાલીસ વરસ અગાઉ પોતે કોઇ છોકરાને એક અંગ્રેજી મેગેઝીનમાંથી પાનું ફાડતાં પકડ્યો હતો, એનો કોલરેથી પકડીને પોતાના ટેબલ પાસે લઇ ગયા હતા. ખરેખર તો એને કાયમ માટે લાયબ્રેરીમાં પ્રવેશવાની બંધી કરવી જોઇએ પણ એણે બહુ કરગરીને માફી માગી. એટલે જતો કર્યો હતો. પણ એ પહેલા છોકરાના હ્સ્તાક્ષરમાં જ લખાવી લીધું કે “હવે ફરી કદિ આવું નહિં કરુ”. અને ડારો દઇને કહ્યું હતું : “ચાલ, કર નીચે તારી સહિ !” છોકરાએ કરી આપી અને પાછો પોતાની ખુરશીમાં જઇને બેસી ગયો અને વાંચવા માંડ્યો હતો નીચી મુંડીએ. 
લેખક હજુ વિચારોમાં જ ખોવાયેલા હતા, ત્યાં સર્વગ્રાહી જરી ઉતાવળે અવાજે બોલ્યા, “ઑટોગ્રાફ ભેળો એકાદ સારો મેસેજ પણ એક બે લીટીમાં..હોં !" પછી કહે “આ ટિફીન ખોટી થાય છે, સાહેબ !”
”પણ....” લેખકે મરકીને પેનનું ઢાંકણ ખોલ્યું: "તમારી પાસે મારા ઑટોગ્રાફ તો છે જ ને !”
”ઇ નો હાલે" સર્વગ્રાહી બોલ્યા: "ઇ તો જૂના થઇ ગ્યા, એને તો આજે હું ફાડીને ફેંકી દઇશ.”
પછી લેખકે સંદેશો લખ્યો: "ચોરી કરવી એ પાપ છે.” પછી એની સહી. ના, સહી નહિં, ઑટોગ્રાફ કર્યા. ચોપડો સર્વગ્રાહી તરફ લંબાવ્યો. કહ્યું: "લો,આ બીજી વારનું કબૂલાતનામું.”
સર્વગ્રાહીએ ટિફીનને નજીક લીધું.     

('નવગુજરાત સમય'માં પ્રકાશિત 'ઝબકાર': તા. ૯-૦૨-૨૦૧૪)