Tuesday, November 19, 2013

આરસનો અંજામ (ભાગ ૧)


હીરાબહેન! તમે તમારા નામમાં પાછળ બિપિન મહેતાનું નામ લગાડો છો એ તો થયું પતિનું નામ. પણ તમારા પિતાનું નામ ?’
            ‘નરબદાબહેન !’
      બ્યાંસી વરસની ઉંમર થઈ એટલે કાનમાં ખોટકો આવ્યો હોય. મારો સવાલ બરાબર ના સમજ્યાં હોય એમ માનીને ફરી પૂછ્યું : તમારા બાનું નહીં, બાપનું નામ પૂછું છું, મૅડમ !’
            એમના સુવર્ણકાળમાં ફિલ્મી દુનિયામાં એમને સૌ મૅડમ કહેતા. એટલે મારું આ સંબોધન ડોશીએ સ્પર્શી ગયું. આજે આરસમાંથી કોતરેલી ડોશી જેવાં ગ્લેમરસ તો લાગતાં જ હતાં, એમાં પાછો ગળાનો લટકો કર્યો. કરીને કહે : ‘તે આ બાપનું જ નામ કહ્યું ને ભાઈ, નરબદાબહેન, નરબદાબહેન.
      1987માં અમદાવાદમાં નવતાડની પોળમાં મોજીલાલ સમોસાવાળાની દુકાન નીચે ફૂટપાથ પર બેસીને સમોસા વાળવાની મંજૂરી કરતાં ડોશી સાથે મારો આવો સંવાદ ચાલતો હતો ત્યારે અચાનક જાણે કાળાંડિબાંગ ઘનઘોરમાં ચમકતા વીજળીના લિસોટાની જેમ એક યાદ ઝબકી ગઈ. આ જ ગલીના નાકે જ્યાં આજે પ્રકાશ ટૉકીઝ છે ત્યાં પચાસ વર્ષ પહેલાં ભારતભુવન નાટકશાળા ચાલતી હતી. મારી તો સાંભરણ બહારની એ વાત. પણ મારા પિતા કહેતા એ શબ્દશઃ યાદ આવ્યું : ‘હીરાબાઈના નવા નાટકનું મોટું ચિતરામણ મુકાય તો એમાં એકલી હીરાબાઈની જ ચાર બાય છ ફૂટની સિકલ ! ટ્રાફિક જામ થઈ જાય હો, ટ્રાફિક જામ !’ આ વાત તો હવે સિત્તેર વર્ષ પહેલાંની. પછી તો સમયની રેતીના ઢગ ફરી વળ્યા એ વાત પર. 
"રૂપ તો અમારાં...
એ 1950 ના ગાળામાં જેતપુરથી ડાયમન્ડ ટૉકીઝમાં મેં ફિલ્મ જોઈ હતી. ગાડાનો બેલ એના પોસ્ટર્સમાં હીરો મનહર દેસાઈના નામ પહેલાં પણ નામ મુકાયું હતું હીરાબાઈનું - નિરુપા રૉયની જાલિમ સાસુની ભૂમિકામાં. એ શ્વેતશ્યામ ફિલ્મમાં પણ એમની આંખોની માંજરાશના કેટલાક ક્લૉઝ-અપ દિગ્દર્શક રતિભાઈ પૂનાતરે લીધા હતા. એ ફિલ્મમાં એમના મોંએ એ સંવાદ હતો. નિરુપા રૉયને ઉદ્દેશીને કહેવાયો હતો : ‘રૂપ રૂપ શું કરો છો,  વહુ! રૂપ તો અમારાં.... એ સંવાદની યથાર્થતા સમજાવવા માટે દિગ્દર્શકે હીરાબાઈના રૂપની રેખાઓ એમની જરા ઢળતી વયની સિકલમાં પણ સ્પષ્ટ કરી આપી હતી. કૅમેરાની ભાષામાં.
એક જમાનાનાં મિસ હીરા..... 
        એ હીરાબાઈ મારી સામે ફૂટપાથ પર એક પાથરણા ઉપર બેઠાંબેઠાં સમોસા વાળી રહ્યાં હતાં ! ઇન્ટર્વ્યૂ આપવાની એમની જરા પણ તૈયારી નહોતી. સામેથી આવતા લૂના ઝપાટાને ખાળવા માટે માણસ બીજી દિશામાં મોં ફેરવ્યા કરે એમ વારેવારે પાછળ મોં ફેરવી લેતાં હતાં. એક વાર તો હવે જાને, ભાઈ એવો છણકો પણ કરી લીધો. જુઓ ને બહાર નીકળીને મેં ખરસાણીને મારા સ્કૂટર પછવાડે બેસાડતાં જરા નારાજગીથી કહ્યું, કેવા-કેવા ઉડાઉ જવાબો આપે છે ડોશી ! આવાનો ઇન્ટર્વ્યૂ શું કરવાનો ?
            ‘તો માંડી વાળો એમણે કહ્યું, પણ એમના શબ્દોમાં સાચી સંમતિ નહોતી. ઉપાલંભ હતો. મેં ખભા ઉલાળ્યા. અમે બંને ઘીકાંટાનો ભરચક ટ્રાફિક વીંધીને ખુલ્લા રસ્તા ઉપર આવ્યા. એક ઠેકાણે અમે ફ્રૂટ જ્યુસ લીધો. ગળા નીચે ઉતાર્યો પણ ઠંડક ન થઈ. ગળાને કદાચ ઠંડક પહોંચી હશે, પણ અંદર ધીમી બળતરા હતી. મારે ખરસાણી સાથે બીજી બીજા વિશેની ઘણી વાતો કરવી હતી. પણ એ દાબડી ખૂલી જ નહીં. નહોતું પૂછવું, નહોતું પૂછવું તોય વારંવાર એ ડોશી વિશેના સવાલો જ પેદા થઈ જતા હતા. ખરસાણી મનોમન મરકતા હશે. મારા ન જવાબ આપો તોય ચાલશે જેવા સવાલોના જવાબમાં એ પોતે જાણતા હતા એટલું બોલતા ગયા. ડોશીની વાતમાં ઉડામણી નહોતી. પણ પોણોસો વર્ષથી દુનિયાભરના પુરુષો તરફથી મળેલી સતામણી સામેનો છૂપો ઘુરકાટ હતો - બાપ વિશે તો ધારણાઓમાં બેસે તેવું પણ કોઈ નામ નહોતું. મા તો નક્કી હતી પણ એ છતરીય જલદી છીનવાઈ ગઈ. એ પછી તો કેટલાંય ઠેસ-ઠેલા-હડસેલા આવ્યા. જુવાનીના ઇલાકામાં આવ્યા પછી આંગળી આપીને પહોંચો પકડનારા ઘણા મળ્યા. એમાં એક મુંબઈના ફિલ્મ પ્રોડ્યુસર દ્વારકાદાસ સંપત કંઈક સાચા સમભાવી મળ્યા - એમની મૂંગી ફિલ્મોમાં એમણે હીરાબાઈને કામ આપ્યું, મિસ હીરા તરીકે. પછી તો એ હિંદી ફિલમોમાં પણ ચમક્યાં.
મશહૂર અભિનેત્રી ગાયિકા નૂરજહાં પહેલાં પોતાનું નામ ક્રેડિટ ટાઇટલ્સમાં મુકાય એવી એમની હઠ પૂરી થતી, કારણ કે એમનું નામ ચલણી સિક્કા જેવું હતું, જ્યારે નૂરજહાં તો નવી હતી. એ પછી એ જાહોજલાલી આથમી એટલે એમના સોલો - એકલ નૃત્યના શો થતા. 
૧૯૩૨નો એક પત્ર: તમે કહો છો એમ- વકરાના ૫૦% તમારા, બસ!
અમદાવાદ તો ઠીક, ઉટાકામંડના બ્લુ માઉન્ટ ટૉકીઝ, બેંગલોરના વેરાઇટી સિનેમા, રાયચુરના પાશા પિક્ચર પેલેસ, હૈદરાબાદ, વેલોર, અરે રંગૂન, બર્મા, ઢાકા જેવાં સ્થળોએ મિસ હીરાના નૃત્યના જાહેર શૉ અને રૂપિયાનો વરસાદ. એ જમાનામાં, 1930 થી 1934ના જમાનામાં રોજનો આઠસોથી હજારનો કૉન્‍ટ્રાક્ટ, ક્યાંક શૉના કલેકશનના પૂરા પચાસ ટકાની માન્ય કરાતી શરત....ચારે તરફ રોશની જ રોશની, ઝાકઝમાળ, પગની ગુલાબી ચૂમકીવાળી પાની ધરતીને ન અડે, સુખની બિછાત અને ફૂલોનો બનેલો રાજમાર્ગ.
        પણ તો પછી આજે સમોસા-ગલીની ફૂટપાથ પર ક્યાંથી ?’
            ખરસાણીએ જેમાં નિઃશ્વાસનો પાસ હોય એવું સ્મિત કર્યું : તમે રજનીભાઈ, નરગિસ વિશે લખો, નૂરજહાં વિશે લખો, આનું રહેવા દો.
      ખરસાણીએ ઘોંચેલી ટાંકણીએ ધારી અસર નીપજાવી એટલે અંતે પછી હું એમને મળ્યો - જોકે મળવા માટે ખરસાણીની મદદ છતાં દાખડો ભારે કરવો પડ્યો - ક્યાં ઘાટલોડિયા ? ક્યાં મણિનગર, મારું ઘર ? સમયની પણ કેવી ખેંચાખેંચ.
        પણ મળ્યો. પહેલાં તો મને એમની પોતાને ઘેર આવવા દેવાની ઇચ્છા ન મળે એટલે મળવા સરદારબાગમાં બોલાવ્યો. થોડોક વિશ્વાસ પડ્યો હશે એટલે એમનો મૂળ ટીખળી સ્વભાવ પણ ઊખળી આવ્યો. ફોનમાં મને કહે : તને કોઈ હિરોઈન બગીચામાં મળવા બોલાવે છે એ જેવી તેવી વાત છે ?’ યાદ રાખજે આપણે ઝાડવાની આજુબાજુ ફરીને ગીતો ગાવાનાં છે. વરણાગિયો થઈને આવજે. એ એમની ખંડિત મૂર્તિના ટુકડા આમ બોલીબોલીને જોડી લેતાં હતાં. મને એમનાં હવાતિયાંની વિફળતા સ્પર્શતી હતી. હું હસી દેતો હતો. મેં એમને કહ્યું : મારી બાનું નામ પણ હીરાબહેન હતું - એટલે હું મારી બાને મળવા આવીશ, બા !’

      બગીચામાં ઘાસની લૉન પર બેઠાં-બેઠાં એમણે થોડી વાતો કરી, પણ એમાં પોતાની સિદ્ધિ-પ્રસિદ્ધિની વાતો વધારે હતી. મને લેખક-પત્રકાર જાણીને એમણે મને પોતાના ભૂતકાળથી પ્રભાવિત કરવામાં મણા ન રાખી, પણ એમની વાતચીત વખતે વાક્યોમાં વચ્ચે-વચ્ચે જ્યાં ખાલી જગ્યા આવતી હતી એમાંથી શૂન્યતાનો ગજવાટ પકડાતો હતો. હું એમાં પેસવાનો પ્રયત્ન કરતો ત્યારે એ કહેવા માંડતાં, એ ન પૂછ, એ ન પૂછ.... એ બધું તારે સાંભળવા જેવું નથી. પણ હું તંત ન મૂકતો.
છેવટે એમણે મને પોતાના ઘેર બોલાવ્યો. ઘર તો શું ? ચાર બાય છની ઓરડીનો વેરણછેરણ ટુકડો હતો. થોડાક ઍવોર્ડ્ઝ, મામૂલીથી માંડીને મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા. ત પણ કોઈની કોર તૂટેલી તો કોઈ પર ધૂળના થર જામી ગયેલા હોય તેવા, થોડાક કાગળિયાં, એક બે સુવેનિયર જેમાં એમના ફોટા છપાયા હોય તેવા અને ભીંતે ટીંગાડેલો પોતાનો ફિલ્મ હંટરવાલીનો હંટર સાથેનો ઠસ્સાદાર ફોટોગ્રાફ જેની એક કોર પર પાણી ઢોળાયાની નિશાની અને ચાદર વગર નીચે પાથરેલું ગાંઠાગડબાવાળું ગાદલું. આ ગોડાઉન જેવી અગોચર જગ્યામાં આરસની પણ જૂની ખંડિત મૂર્તિ જેવાં પોતે. સ્ટવ પર પડેલી ચાની તપેલીમાં જૂની પલળેલી ચા એમ ને એમ પડી હતી. એમાં એમણે ચા ફરી બનાવીને મને જૂના બર્મીઝ કપરકાબીમાં (જે ત્રાંસી અભરાઈ પરથી મારે જ ઉતારી દેવા પડ્યાં) પાઈ. મને સબડકે સબડકે ચા પીતો જોઈને એને થતો આનંદ એમની માંજરી આંખોમાં છલકાતો દેખાતો હતો.
                અચાનક મારું ધ્યાન ગાદલા નીચે દબાવેલી એક છબી પર પડ્યું. જૂની હતી, પણ રોગાન સલામત હતો. સરસ ઍંગલથી લેવાયો હતો. એમાં એક જુનવાણી હૂડવાળી ઘોડાગાડી હતી. કોચવાનની જગ્યાએ પોતે બેઠાં હતાં, બાજુમાં એક સાત-આઠ વરસની બાળકી.

દીકરી વિનોદીની સાથે હીરાબાઈ 
                ‘મારી દીકરી વિનોદિની અને હું.એ બોલ્યાં. સાડલાના છેડાથી ફોટોગ્રાફ પરની રજોટી લૂછી તસવીરને ક્યાંય સુધી એમણે નજરથી પંપાળ્યા કરી.
                મારા માટે વાતનો નવો ખૂણો હતો. ખરસાણી તો કહેતા હતા કે તમારે કોઈ સંતાન નહોતું !
                મારા આશ્ચર્ય વચ્ચે એમણે નાની બાળકીની જેમ ડોકી ઊંચીનીચી કરીને હા પાડી. બોલ્યા : વગર ફેરે પરણી અને વગર સુવાવડે મા બની.
                પછી તો ડોશી રંગમાં આવી ગયાં. હા, એમના સ્મૃતિપરદા પર જે બે-ચાર મરદોની છબી ઊપસી આવી તેમનાં એમણે એક પછી એક નામ દીધાં. જૂનાગઢ નવાબની રખાતનો છોકરો, બાબુ પેટીમાસ્તર, એ પરણેલો માણસ બચરવાળ હતો.... છતાં એની જોડે સંબંધ થયો. એ મર્યો પણ હીરાબાઈના ખોળામાં જ. પછી બીજો એક જનાર્દન મદ્રાસી, એ પણ પરણેલો અને વસ્તારી. એના સંબંધથી એક બેબી થઈ, પણ એક મહાશિવરાત્રીના પર્વના ટાણે ત્રણ વરસની હતી ત્યાં ઊકલી ગઈ. પછી ? એનો પડેલો ખાડો પૂરવા એક ક્રિશ્ચિયન કામવાળીની દીકરીને ખોળે બેસાડી, આ વિનોદિની. એ પણ પ્રાંતિજમાં ઋણાનુબંધનાટક ભજવવા ગયા ત્યાં શીતળા નીકળ્યા અને એમાં જ ફેંસલ થઈ ગઈ. આ ફોટો એનો, એની સાથેનો. પછી એવો જ ત્રીજો બાલગોપાળવાળો બિપિન મહેતા ભેટી ગયો. એને પતિ માનીને સર્વસ્વ લૂંટાવી દીધું, પણ 1969ની સાલમાં એ ગત થઈ ગયો. એનો વારસો બધો એની અસલ બૈરી પાસે. હીરાબાઈએ બધું જ એના પર ઓળઘોળ કરી નાખેલું, એટલે એ બધી નાનીમોટી વસ્તુ, રૂપિયા પણ એના ઘરવાળા લઈ ગયા. હીરાબાઈ પાસે યાદો સિવાય કંઈ ન રહ્યું. જુવાની પણ ઓસરી ગઈ. નાટકો બંધ થયાં, ને નૃત્ય તો સમૂળગું પગમાંથી ચાલ્યું ગયું. આર્થરાઈટીસ ! હીરાબાઈ બેહાલ થઈ ગયાં. એમાં નાટકના જૂના સાથી મોજીલાલ મદદે આવ્યા. નાટકમાં એમની સાથે ઘણા રોલ કર્યા હતા, પણ એય હવે એમાંથી ફારેગ થઈને સમોસાની દુકાન માંડીને બેસી ગયા હતા. એમણે જ કહ્યું : બહેન, આવી જાઓ, આપણો તો નાટકનો જૂનો નાતો - સમોસા વાળવાની મજૂરી કરશો ? રોજેરોજની મજૂરી આપી દઈશ.
                એ પછી તો અનેક વાતો તેમણે કરવા માંડી. મારે જવાનું મોડું થાય ને વારે ઘડીએ કાંડાઘડિયાળ તરફ જોયા કરું. એમને વધારે બોલવાનું તાન ચડતું જાય. ચાના એક ને એક કૂચામાંથી બીજી વાર ચા બનાવીને પાઈ.
                એ પછી 1987ના ચિત્રલેખાના દિવાળી અંકમાં મેં એમના વિશે બહુ વિગતવાળો અને ફોટોગ્રાફ્સવાળો લેખ લખ્યો. શીર્ષક હતું : ઝળહળતો મધ્યાહન, ઝંખવાઈ ગયેલી સંધ્યા.

'ચિત્રલેખા'નો એ લેખ

( એ લેખ પ્રગટ થતાં વેંત અતિ વખણાયો. વાસુદેવ મહેતા જેવા તીખી સમીક્ષાત્મક દૃષ્ટિવાળા પત્રકારે એને પોતાની કૉલમમાં તમામ દિવાળી અંકોના લેખોમાં 'ફ્લેગશીપલેખ કહ્યો. એ શબ્દનો અર્થ મેં પછી જાણ્યો. એ અર્થ થાય છે, 'સૌનું અગ્રેસર વાવટો ફરકાવતું જહાજ.' 

ખેર. પત્રકારી ધોરણે 'આરસમાંથી કોતરેલાં ડોશી' હીરાબાઇ સાથે શરુ થયેલો આ સંબંધ આમ તો આ લેખના પ્રગટ થવા સાથે પૂરો થઇ જવો જોઇતો હતો, પણ એમ ના થયું. 
આગળ જતાં એ સંબંધ કયા અંજામને પામ્યો તેની વાત હવે પછીની પોસ્ટમાં, થોડા દિવસ પછી..)  

8 comments:

  1. After almost two and half months another excellent article showed up on your blog. Thanks.

    Hiren Joshi

    ReplyDelete
  2. પરેશ દુબેNovember 20, 2013 at 10:12 AM

    તમારી લખવાની અદા એવી ને એવી જ છે,
    હીરાબાઈ, ક્યાં એક WELL PAID કલાકાર અને ક્યાં આજની સમોસા વાળવા વાળી મજૂરણ.
    એક જ વાર માં આખો લેખ વાંચી ગયો કારણ કે ઘણા દિવસો થી તમારી કલમ નો સ્વાદ ચાખ્યો ના હતો .હવે બીજા હપ્તા નો ઈન્તેજાર છે.અભિનંદન .....

    ReplyDelete
  3. હીરાબાઈ ... ખંડીયેર અને મહેલની વાત યાદ આવી ગઈ.
    તીસરી કસમ માં હીરાબાઈનું પાત્ર/નામ અને આ હીરાબાઈ ને સંબંધ હોય એવી ગંધ આવે છે ??!! કદાચ ....

    ReplyDelete
  4. અદભૂત જીવન. હીરાબાને સાદર પ્રણામ.
    આવી વિભૂતિઓને ફોકસમાં લાવવા માટે તમને પણ સાદર પ્રણામ.

    ReplyDelete
  5. અમુક લોકો ની આખેઆખી જિંદગી બંગાળી નવલકથા જેવી હોય છે-- !! દુર્બળ વર્તમાન નો માંસલ ex-ray...!!

    આ ધૂળ ધોવામાં હિમ્મત જોઈએ--- અભિનંદન.

    ReplyDelete
  6. વાંચતી વખતે શ્વાસ અધ્ધર અને વાંચ્યા પછી ગળામાં કંઈક અટકી ગયાનો ગમ.
    આરસની ખંડિત મૂર્તિનો બીજો ભાગ પણ દિલ હલી જાય એવો.

    ReplyDelete
  7. વાહ...
    મજા પડી... પડી રહી છે...

    ReplyDelete
  8. કેટલા વર્ષોની સફર કરાવી. પી. ખરસાણીનાં તો નાટક નાના હતા ત્યારે જોયેલા એનાથી પણ આગળનાં કાળ ખંડ. પત્રકારત્વની ભુમિકાનું કેટલું વિસ્તરણ અને કેટલી માનવીય બખુબીથી નિભાવ્યું છે. Hat's Off! સુંદર ચરિત્ર ચિત્રણ.

    ReplyDelete